News Portal...

Breaking News :

૧૧ વાગ્યાની સમય મર્યાદા કે ગાજરની પીપુડી...લારીગલ્લા વાળા સાથે રાત્રે ૧૧ વાગે બંધ કરવા પોલીસે બેઠકો કરી પણ અમલના નામે મીંડું...

2024-05-08 11:43:36
૧૧ વાગ્યાની સમય મર્યાદા કે ગાજરની પીપુડી...લારીગલ્લા વાળા સાથે રાત્રે ૧૧ વાગે બંધ કરવા પોલીસે બેઠકો કરી પણ અમલના નામે મીંડું...


જાગ્યા ત્યાં થી સવાર એ વાત ખરી.પણ હકીકતમાં વર્તન એવું હોય છે કે જ્યારે જરુર લાગે ત્યારે થોડો સમય જાગી લેવું અને પછી ઘોર નિંદ્રામાં સરી જવું.ખાણી પીણી ના લારી ગલ્લા રાત્રે ૧૧ પછી બંધ કરાવાની બાબતમાં વડોદરા પોલીસ જાણે કે જરૂર લાગે ત્યારે થોડોક સમય જાગી લેવાની નીતિનો અમલ કરી રહી છે.સયાજીગંજ પોલીસ મથક વિસ્તારમાં રાત્રીના લગભગ દોઢ બે વાગે વ્યાપાર કરી રહેલા એક લારિધારક ની લારી બંધ કરાવવાના પોલીસના પ્રયત્નો દરમિયાન બોલાચાલી અને ઝપાઝપી,ખેંચતાણ થઈ.પોલીસ પર દમન ના આરોપ લાગ્યા.અને પોલીસકર્મીઓ સામે પોલીસ કેસ સહિત મોટી માથાકૂટ થઈ.


આ ઘટનાથી એકાએક આંખ ખુલી હોય તેમ શહેરના પોલીસ મથકોના અધિકારીઓ એક્શન માં આવી ગયા એટલે કે જરૂર પડી એટલે જાગ્યા.પોલીસ અધિકારીઓ એ તેમના વિસ્તારમાં લારી ગલ્લાઓ ના સંચાલકો સાથે બેઠક યોજી અને રાત્રીના ૧૧ વાગે વેપાર બંધ કરી દેવા સૂચના આપી.તું પણ ખુશ અને હું પણ ખુશ એ રીતે લારીઓ વાળાઓ સંમત થયા.એટલે લાગ્યું કે હવે રાત્રીના ૧૧ પછી બધું સૂમસામ થઈ જશે.પણ એવું કંઈ થયું નથી.દીવા તળે અંધારું ની કહેવત પ્રમાણે સયાજીગંજ વિસ્તાર જ્યાં આ ઘટના બની,ત્યાં જ રાત્રીના લગભગ પોણા બાર વાગે ધોળા દિવસ જેવા પ્રકાશમાં લારીઓ ધમધમી રહી હતી.ટોળેટોળાં અવનવી વાનગીઓ ની લિજ્જત માણી રહ્યાં હતાં.


એક પોલીસ વાન ૧૧ વાગે બંધ કરવાની સંધીનું બાળ મરણ જોવા ઊભી હોય એ રીતે ત્યાં ઊભી હતી.એના પોલીસ જવાનોએ કદાચ એવા ચશ્મા પહેર્યા હશે કે એમને બધ્ધું બંધ દેખાતું હશે.સયાજીગંજ ઉપરાંત સ્ટેશન નજીકની વિવિધ જગ્યાઓ, સુશેન મકરપુરા,સુરસાગર, અલકાપુરી,લગભગ તમામ જગ્યાઓએ ઘડિયાળ નો કાંટો મધરાત ની નજીક સરકવા છતાં રંગીન રાત નો માહોલ જોવા મળ્યો હતો.કદાચ આ પ્રકારની વધુ એકાદ બે ઘટનાઓ બનશે પછી તંત્ર આંખો ચોળીને ઉઠશે,એની ઊંઘ ઉડશે અને પછી દશ પંદર દિવસ માટે ૧૧ વાગે બધું બંધનો નિયમ કડકાઈ થી અમલી બનશે.તે પછી સબ સલામત અને વોહી રફતાર બેઢંગી...

Reporter: News Plus

Related Post