વડોદરા : તાજેતરમાં વડોદરામાં ખાબકેલા વરસાદના લીધે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના લીધે વડોદરાના રહીશોને ઘરવખરીથી માંડીને વેપાર-વાણિજ્યમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ધંધા રોજગાર પુન: ધમધમતા થાય અને આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુથી રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતાં 5,000થી માંડીને 85,000 હજાર સુધીની રોકડ સહાય આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ પેકેજ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં લારી ધારકોથી માંડીને માસિક 5 લાખથી વધુનું ટર્નઓવર કરતાં વેપારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વડોદરાના પૂર અસરગ્રસ્તોના પુન: વસવાટ અને ધંધા રોજગારને પુન: કાર્યાન્વિત કરવા માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુન:વસન સહાય આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રાહત પેકેજમાં નાના લારીધારકને 5,000 સુધીની રોકડ સહાય જ્યારે પાકી દુકાન ધરાવતાં લોકોને ઉચ્ચક રૂ. 85,000 રોકડ સહાય જાહેર કરી છે.
જાણો કોને કેટલી મળશે સહાય
લારી/રેકડી ધારકને ઉચ્ચક રૂ. 5,000 ની રોકડ સહાય
40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક રૂ. 20,000 ની રોકડ સહાય
40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને ઉચ્ચક રૂ. 40,000 ની રોકડ સહાય
નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને ઉચ્ચક રૂ. 85,000 રોકડ સહાય
માસિક ટર્નઓવર રૂ. 5 લાખથી વધુ હોય તેવા મોટા દુકાનધારકને રૂ. 20 લાખ સુધીની લોન પર 3 વર્ષ સુધી વ્યાજસહાય 7%ના દરે રૂ. 5 લાખની મર્યાદામાં આપવામાં આવશે.
Reporter: admin