મુંબઈ : શેરબજારના પગલે રૂપિયામાં પણ મંદીનું જોર વધ્યું છે. આજે રૂપિયો ફરી ડોલર સામે 37 પૈસા તૂટી 86.41ની ઓલટાઈમ લો સપાટીએ પહોંચ્યો છે.
ડોલર ઈન્ડેક્સ અને યુએસ ટ્રેઝરી યીલ્ડમાં આકર્ષક તેજીના કારણે રૂપિયો સતત નવુ તળિયું નોંધાવી રહ્યો છે.અમેરિકન ડોલર સામે રૂપિયો 37 પૈસા તૂટી 86.41ના રેકોર્ડ તળિયે પહોંચ્યો છે. ફોરેન એક્સચેન્જ ખાતે રૂપિયો આજે ડોલર સામે 86.12ના સ્તરે ખૂલ્યા બાદ ઘટી 86.41 થયો હતો. જે શુક્રવારે 86.04 પર બંધ રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ ઓઈલ પણ 1.44 ટકા વધી 80.91 ડોલર પ્રતિ બેરલ થયું છે. જેણે રૂપિયા પણ ફુગાવાનું પ્રેશર વધાર્યું છે.
રૂપિયાની વધતી નબળાઈ દેશના અર્થતંત્ર પર પ્રતિકૂળ અસરો સર્જી શકે છે. ક્રૂડના વધતાં ભાવો અને ડોલર સામે રૂપિયો નબળો પડતાં 80 ટકા આયાત પર નિર્ભર ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવો ફરી પાછા આસમાને પહોંચી શકે છે. વિદેશ અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓ પર પણ બોજો વધશે. તદુપરાંત આયાત થતાં ઓટો- પાર્ટ્સ, સેમી કંડક્ટર ચીપ્સ પણ મોંઘી બનતાં ઈલેક્ટ્રોનિક્સ, વાહનોના ભાવ વધશે.
Reporter: admin