વડોદરા : ગુજરાત હાઇકોર્ટની કડકાઈથી રાજ્ય સરકારના આદેશ બાદ હેલ્મેટ અંગેનું ભૂત ફરી એકવાર ધૂણ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ સરકારી કચેરીઓ અને પોલીસ ભવન તથા નર્મદા ભવન ખાતે હેલ્મેટ વિનાના વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી સહિત અન્ય દ્વિચક્રી વાહન ચાલકો પાસેથી વાહનોના ડોક્યુમેન્ટ અંગે ચેકિંગ શરૂ કર્યું છે. જોકે આવી કાર્યવાહીમાં કેટલાક પોલીસકર્મીઓ પણ દંડનીય કાર્યવાહીનો ભોગ બન્યા હતા.
ઉલ્લેખનિય છે કે, ગુજરાત હાઇકોર્ટ દ્વારા અકસ્માત નિવારણ અંગે દ્વિચક્રી વાહનચાલકો સામે હેલ્મેટ અંગે આકરું વલણ અપનાવ્યું છે. પરિણામે રાજ્ય સરકારે આ બાબતે સતર્ક થઈ હતી. પરિણામે હેલ્મેટનું ભૂત શહેરમાં ફરી એકવાર ધૂણ્યું છે. અગાઉ ઠેર-ઠેર સરકારી કચેરીઓ પાસે અને જાહેર રસ્તાઓ પર ડ્રાઇવ ગોઠવવામાં આવી હતી. ત્યારબાદ વહી રફ્તાર શરૂ થયા બાદ ફરી એકવાર હેલ્મેટ ડ્રાઇવ ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરાઇ છે. જેમાં વિવિધ સરકારી કચેરીઓ સહિત પોલીસ ભવન, નર્મદા ભવન ખાતે ટ્રાફિક પોલીસની ફોજ ઉતરી છે. જાહેર રોડ પરથી પસાર થતાં દ્વિ ચક્રી વાહન ચાલકોને રોકીને વાહનના ડોક્યુમેન્ટ્સ પોલીસ દ્વારા ચેક કરવાનું શરૂ કરાયું છે.
એવી જ રીતે સરકારી કામકાજ માટે આવતી વ્યક્તિઓ અને સરકારી કર્મચારીઓ તથા પોલીસ કર્મીઓ હેલ્મેટ વિના પકડાય તો તેમની પાસેથી સ્થળ પર જ દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. ઉપરાંત વાહનના તમામ ડોક્યુમેન્ટ્સ પણ તપાસવામાં આવે છે. આમ હવે ફરી એકવાર હેલ્મેટ અંગેનું ભૂત શહેરમાં ધૂણી હોવાથી દ્વિચક્રી વાહન ચાલકોએ ખાસ કાળજી રાખવી જરૂરી છે.
Reporter: admin