દિલ્હી: એનસીઆરમાં શુક્રવારે વહેલી સવારે ભારે પવન સાથે વરસાદના કારણે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1 ની છત ધરાશાયી થઇ ગઈ છે. અનેક વાહનો તેની ઝપેટમાં આવી ગયા હતા. જેમાં બેઠેલા ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને એક વ્યક્તિ ફસાઈ ગયો હતો.
મળતી માહિતી મળતાની સાથે જ ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રેસ્ક્યું કામ શરુ કર્યું હતું.દિલ્હી ફાયર સર્વિસના અધિકારીએ જણાવ્યું હતું કે,સવારે લગભગ 5.30 વાગ્યે, અમને દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1 પર છત તૂટી પડવાની માહિતી મળી હતી. ત્રણ ફાયર એન્જિનને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે.શુક્રવારે વહેલી સવારે હવામાનમાં અચાનક પલટો આવ્યો અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. નોઈડા, દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં એક કલાકથી વધુ સમય સુધી ભારે વરસાદ પડ્યો હતો.
આ વરસાદે ગરમીમાંથી રાહત અપાવી હતી તો અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે દિલ્હી-એનસીઆરમાં સવારથી વાહનોના પૈડા થંભી ગયા હતા. તેજ પવનને કારણે અનેક વૃક્ષો તૂટ્યા હોવાની પણ માહિતી છે.આ અકસ્માતની તસવીરો પણ સામે આવી છે, જેમાં ટર્મિનલની ભારે છત વાહનો પર પડી છે. કારમાં બેઠેલા લોકો પણ તેનાથી કચડાઈ ગયા હતા. તેને ભારે મુશ્કેલીથી બચાવી લેવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
Reporter: News Plus