News Portal...

Breaking News :

બોટકાંડમાં રાજ્ય સરકારની તપાસ સમિતિના અહેવાલથી હાઈકોર્ટમાં ભારોભાર નારાજગી તત્કાલિન મ્યુનિ. કમિશનરને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ગુજરાત હાઈકોર્ટ

2024-06-27 20:47:23
બોટકાંડમાં રાજ્ય સરકારની તપાસ સમિતિના અહેવાલથી હાઈકોર્ટમાં ભારોભાર નારાજગી તત્કાલિન મ્યુનિ. કમિશનરને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે  ગુજરાત હાઈકોર્ટ


વડોદરામાં ૧૮મી જાન્યુઆરીના રોજ સર્જાયેલા બોટકાંડમાં ગુજરાત હાઈકોર્ટ કડક વલણ અપનાવ્યુ છે. હરણી બોટકાંડમાં રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિના અહેવાલ સામે હાઈકોર્ટે ભારોભાર નારાજગી દર્શાવી છે. હાઈકોર્ટે ટાંક્યુ છે કે, રાજ્ય સરકારની તપાસ સમિતિનો રિપોર્ટ વાંચીને એવુ લાગી રહ્યુ છે કે, એમાં તત્કાલિન મ્યુનિસિપલ કમિશનરને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જે શબ્દોમાં રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં આખોય દોષનો ટોપલો ટેકનિકલ ટીમ અને કોન્ટ્રાક્ટર પર ઢોળવામાં આવી રહ્યો હોય એવુ પ્રથમ દ્રષ્ટીએ લાગી રહ્યુ છે


રાજ્ય સરકારની તપાસ સમિતિનો રિપોર્ટ વાંચ્યા પછી હાઈકોર્ટે એડવોકેટ જનરલને સવાલ કર્યો હતો કે, તપાસ સમિતિનો રજૂ કરાયેલો અહેવાલ અમારે સ્વીકારવાનો છે કે કેમ ? જો આ રિપોર્ટને અમારે સ્વીકારવાનો થાય છે તો એડવોકેટ જનરલની મુશ્કેલી વધી શકે છે. હાઈકોર્ટની ટકોર સાંભળ્યા બાદ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ અહેવાલને વાંચવા માટે કોર્ટ પાસેથી થોડો સમય માંગ્યો હતો. હાઈકોર્ટે એડવોકેટ જનરલની અરજનો સ્વીકાર કર્યો હતો. હવે આ કેસની સુનવણી ૪ જુલાઈના રોજ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ૧૮મી જાન્યુઆરી ૨૦૨૪ના ગોઝારા દિવસે વડોદરના હરણી તળાવમાં હોડી ઉંધી વળી જતા ૧૪ માસુમ બાળકો અને બે શિક્ષિકા સહિત ૧૬ નિર્દોષોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટના સર્જાયા પછી પણ વડોદરા કોર્પોરેશન, પોલીસ કે, રાજ્ય સરકારે એકપણ સરકારી અધિકારી સામે ગુનો દાખલ કર્યો ન હતો.


દરમિયાન સરકારે એક ખાસ કમિટીની રચના કરીને આખાય મામલાની કથિત નિષ્પક્ષ તપાસ કરાવી હતી. જેમાં ક્યાં સંજોગોમાં અને ક્યાં કારણસર આ ઘટના બની છે અને એમાં સંબંધિત તંત્ર, કોઈ ઈજારદાર કે, અન્ય કોઈની જવાબદારી છે કે નહીં ? તેની તપાસ કરવામાં આવી હતી. જોકે, વડોદરાના હોડીકાંડ બાદ રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયો હતો. આ ઘટનામાં રાજ્ય સરકારે તાત્કાલિક પગલા લઈને જવાબદાર સરકારી અધિકારીઓ સામે ગુના દાખલ કરીને બધાની ધરપકડ કરી હતી. ઉપરાંત, કેટલાક અધિકારીઓની તો સરકારે આવક કરતા વધારે સંપત્તિના મામલામાં તપાસ શરૂ કરાવી હતી. વડોદરાની ઘટના અને રાજકોટની ઘટનામાં સરકારના બેવડા વલણની ભારોભાર ટીકા થઈ રહી છે. બંને મામલામાં સરકારી અધિકારીઓ સામે પગલા લેવામા અન્યાય કરવામાં આવ્યો છે. વડોદરાના હોડીકાંડના પીડીતો ન્યાયની માંગણી સાથે વિરોધ પ્રદર્શન અને દેખાવો યોજી રહ્યા છે. છતાંય સરકારને કશું કરવું હોય એવુ ધરાર લાગતુ નથી.

Reporter: News Plus

Related Post