રાજકોટ અગ્નિકાંડ બાદ સફાળા જાગેલા વડોદરા સરકારી તંત્રે જે તે સમયે સંકલન રાખીને શહેરમાં ધમધમતા ગેમઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક અને ફન પાર્કની તપાસ કરી હતી. જે દરમિયાન કેટલાક ગેમ ઝોન પાસે જરૂરી પરવાનગી અને પરવાના નહીં હોવાથી તેમની સામે એન.સી ફરિયાદો નોંધાઈ હતી. જેમાં કોર્ટનો હુકમ મેળવીને આજે એ તમામ એન.સી ફરિયાદોને એફઆઈઆરમાં રૂપાંતરિત કરી દેવામાં આવી હતી. સયાજીગંજ પોલીસે આવી ત્રણ ફરિયાદોમાં એક મહિના પછી આજે પોલીસ ફરિયાદ નોંધી છે. જેમાં કમાટીબાગના ખોડલ પાર્ક પ્રાઈવેટ લીમીટેડના સંચાલક હિમાંશુ શશીકાંત સોની, સેવન સીઝ મોલના કે-ઝોન એક્ટિવિટીના સંચાલક કેતકી હરિક્રિષ્ણા ચોક્સી અને સાગર હરિક્રિષ્ણા ચોક્સી (બંને રહે. પરિચય સોસાયટી, દિવાળીપુરા) અને સેન્ટ્રલ મોલમાં આવેલા ફનપેઝ ગેમઝોનન સંચાલક વિશાલ દશરથભાઈ મોદી (રહે. આદિત્ય હાઈટ્સ, નારાયણ સ્કુલની પાસે, વાઘોડિયા રોડ)નો સમાવેશ થાય છે. આ ત્રણે ગેમઝોનના સંચાલકો સામે સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, ત્રણે ગેમઝોનની તપાસ એક મહિના પહેલા કરવામાં આવી હતી. જેમાં તેમની પાસે જરૂરી પરવાનગીઓ નહીં હોવાથી તેમની સામે એન.સી ફરિયાદ નોંધવામાં આવી હતી.
કમાટીબાગમાં ખોડલધામ પાર્ક પ્રાઈવેટ લીમીટેડના નામે ગેમઝોન ચલાવતા હિમાંશુ શશિકાંત સોની સામે સયાજીગંજ પોલીસે આજે ગુનો દાખલ કર્યો છે. પોલીસની એફઆઈઆરમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, કમાટીબાગના ગેમઝોન પાસે શહેર પોલીસ કમિશનર તરફથી આપવામાં આવતી પરવાનગી જ ન હતી. હવે પરવાનગી વિના કમાટીબાગ જેવા જાહેર સ્થળો પર ગેમઝોન કેવી રીતે ચાલી શકે ?
શહેરના ગેંડા સર્કલ વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ મોલમાં ધમધમતા ફન પેઝ ગેમઝોનના સંચાલક વિશાલ દશરથભાઈ મોદી સામે સયાજીગંજ પોલીસે આજે ગુનો દાખલ કર્યો છે. પોલીસનો આરોપ છે કે, ફન પેઝ ગેમ ઝોન પાસે પોલીસ કમિશનરની પરવાનગી જ ન હતી. હવે, સેન્ટ્રલ મોલમાં પરવાનગી વિના કોઈ ગેમઝોન ચાલતુ હોય તો પહેલી જવાબદારી મોલના સંચાલકોની પણ છે.
શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા સેવનસીઝ મોલમાં ધમધમતા કે-ઝોન એક્ટિવિટીના સંચાલક કેતકી ચોક્સી અને સાગર ચોક્સી સામે પણ સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કર્યો છે. હકીકતમાં સેવન સીઝ મોલના સંચાલકો સામે પણ ગુનો દાખલ કરવો જોઈએ. જેમણે પૂરતી ચકાસણી વિના કે-ઝોન એક્ટિવીટીને પોતાના મોલમાં જગ્યા આપી હતી. સેવનસીઝ મોલમાં આ એક્ટિવિટી ચાલતી હતી અને એની પાસે પોલીસ કમિશનરની જરૂરી પરવાનગી હતી જ નહીં.
Reporter: News Plus