બિલકુલ શાંતિથી, કોઈપણ પ્રકારની ફરિયાદ વિના મફતમાં ચાલતી વ્યવસ્થાને ડિસ્ટર્બ કરવાનો શો મતલબ ?..
સ્મશાનનું ખાનગીકરણ : પેટ ચોળીને શૂળ ઉભું કરવા જેવો ઘાટ.
જેને સ્મશાન ચલાવવાનો કોઈ અનુભવ જ નથી એમને ૩૧ સ્મશાનોની જવાબદારી સોંપી કેવી રીતે શકાય ? સિરામિકના વેપારીને સ્મશાન ચલાવવા આપ્યું !..
જે કામ સારી રીતે અને સફળતાપૂર્વક ચાલતુ હોય તો એને ડિસ્ટર્બ ના કરવું જોઈએ. આ વાત નાના બાળકને પણ ખબર પડે પણ વડોદરાના ઈન્ટલએચ્યુઅલ સત્તાધીશો અને ઉચ્ચ અધિકારીઓને ખબર પડતી નથી. અમારે આવું એટલા માટે લખવું પડે છે કારણકે, વડોદરામાં વર્ષોથી સેવાભાવી સંસ્થાઓ મફતમાં સ્મશાનોની દેખરેખ રાખતી હતી. ગાંઠનો પૈસો ખર્ચીને ગરીબોને અંતિમક્રિયામાં મદદ કરતી હતી. તે સંસ્થાઓને હટાવીને ૩૧ સ્મશાનોનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લઈને કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓએ શહેરના સ્મશાનોની ગોઠવેલી વ્યવસ્થાને ડિસ્ટર્બ કરી છે. જો કે, સ્મશાનોમાં ડાઘુઓને પડતી અગવડતા અને અંતિમક્રિયામાં થતી મુશ્કેલીઓનાં સમાચારો પ્રકાશિત થયા પછી સફાળા જાગેલા સત્તાધારી પક્ષ ભાજપના પ્રમુખ જયપ્રકાશ સોનીને પ્રજામાં ફેલાયેલા અસંતોષને ઠારવા માટે સ્મશાનના ખાનગીકરણના મુદ્દે સ્પષ્ટતા આપવી પડી હતી અને શહેરના સ્મશાનોના સંચાલનમાં સામાજિક સંસ્થાઓને પણ ઈન્વોલ્વ કરવાની જાહેરાત કરવી પડી હતી. જોકે, ત્યારપછી પણ શહેરના સ્મશાનોની સમસ્યામાં કોઈ ઘટાડો થયો નથી. હકીકતમાં કોર્પોરેશનના સત્તાધીશો-અધિકારીઓ મફતમાં મળતી સેવાનો, દામ ચુકવવાની ફિરાકમાં છે. સ્મશાનોના સંચાલનમાં કોઈ બીજી એજન્સી જોડાય તો એમને પેમેન્ટ ચુકવવુ પડે અને એમાં બધા ખુશ રહી શકે. આખોય મામલો એવો છે કે, કોર્પોરેશને સ્મશાનનું સંચાલન ખાનગી સંસ્થાઓને સોંપી દીધું છે. પણ ખરેખરમાં શું આ સંસ્થાઓને સ્મશાન ચલાવવાનો કોઈ અનુભવ છે ખરો ? તમને જાણીને નવાઈ લાગશે પણ સ્મશાનનું સંચાલન જોઈએ એટલુ સહેલુ નથી. અહીં આવનાર લગભગ પ્રત્યેક વ્યક્તિ દુ:ખી હોય છે. સ્વજન ગુમાવવાના દુ:ખ સાથે સ્મશાનમાં આવનારા વ્યક્તિ સાથે કેવું વર્તન કરવું ? તે જાણવુ પણ ખુબ જરુરી છે. અહીં, સેવા અને સંપૂર્ણ સમર્પણનો ભાવ હોવો જરૂરી છે. શું ખાનગી સંસ્થાની સ્મશાન ચલાવવાની આવડતની સાથે સાથે એમનામાં એટલો સમર્પણનો ભાવ છે કે કેમ ? તે જાણવાની દરકાર કોઈએ લીધી છે ખરી ? શું કોઈ નાની-મોટી સેવા કરનારી સંસ્થા કે, કોઈ સિરામીકનો વેપાર કરનારો બિઝનેસમેન સ્મશાનનું સંચાલન કરી શકે ? શું એના કે, એમના કર્મચારીઓમાં દયા, કરુણા અને લાગણી જેવા ભાવ હોઈ શકે ખરા ? વડોદરાના સ્મશાનોના સંચાલન પાછળ પૈસો કે, પાવરને બદલે સેવા અને સમર્પણનો ભાવ હોવો જરૂરી છે. જે ભૂતકાળમાં સ્મશાનો ચલાવતી સંસ્થાઓ પાસે હતો. પણ એક અંતિમક્રિયાના ૭૫૦૦ રૂપિયા લેનારી સંસ્થાઓ પાસે નથી. અને કદાચ એટલે જ છેલ્લા કેટલાક દિવસોથી સ્મશાનમાં ગેરવ્યવસ્થાની બૂમો ઉઠી રહી છે.
અંતિમક્રિયામાં કઈ વસ્તુ અને વ્યવસ્થાની જરૂર પડે ?
એક મૃતદેહની અંતિમક્રિયા માટે કઈ કઈ સામગ્રી અને વ્યવસ્થાની જરુર પડે છે ? તે સમજવા જેવી બાબત છે. હકીકતમાં એક વ્યક્તિ મૃત્યુ પામે તો પહેલા એના માટે આખરી સામાન લાવવો પડે. જે માંજલપુરનું હરિસેવા ટ્રેસ્ટ મફતમાં આપે છે. આ ટ્રસ્ટ સિવાય રાજમહેલ રોડ પર પણ બીજી એક સંસ્થા આખરી સામાન મફતમાં આપવાની સેવા કરે છે. આખરી સામાન પછી શબ વાહિનીની જરુર પડે છે. જે જુદી જુદી સેવાભાવી સંસ્થાઓ મફતમાં પ્રોવાઈડ કરે છે. સાથેસાથે ફાયર બ્રિગેડ પણ શબ વાહિની આપે છે. શબ વાહિનીમાં મૃતદેહ સ્મશાનમાં પહોંચાડ્યા બાદ લાકડાની જરૂર પડે છે. જલારામ ટ્રસ્ટ વડોદરાના સ્મશાનોમાં મફતમાં લાકડા વર્ષોથી આપતુ હતુ. એટલે એની ચિંતા કરવાની ધરાર જરૂર ન હતી. ખેર, લાકડા પછી છાણાં અને ઘાસના પૂળાની જરૂર પડે છે. એક મૃતદેહ માટે લગભગ સાતસોથી આઠસો રૂપિયાના છાણાં અને ઘાસના પૂળાની જરૂર પડતી હોય છે. ગરીબમાં ગરીબ માણસ પણ આટલો સાધારણ ખર્ચ ઉઠાવી શકતો હોય છે. એટલે જ્યાં સુધી શહેરના સ્મશાનોનું ખાનગીકરણ થયુ ન હતું ત્યાં સુધી અંતિમક્રિયાની આખીય વ્યવસ્થા મફતમાં ચાલતી હતી. આપમેળે ચાલતી હતી અને કોઈ પણ ફરિયાદ કે, બૂમ વિના બિલકુલ શાંતિથી ચાલતી હતી. અને એને ડિસ્ટર્બ કરવાની કોઈ જ જરૂર ન હતી. પરંતુ, આપણા કહેવાતા ઈન્ટલએચ્યુઅલ સત્તાધીશો અને ઉચ્ચ શિક્ષિત અધિકારીઓએ મફતમાં થતી અંતિમક્રિયાના ૭૫૦૦ રૂપિયા ચુકવવાનું નક્કી કરીને સામે ચાલીને મુશ્કેલી નોતરી હતી.
સ્મશાનના ખાનગીકરણ પાછળ ડો.શિતલ મિસ્ત્રીની ભૂંડી ભૂમિકા ?
શહેરના ૩૧ સ્મશાનોના ખાનગીકરણનો નિર્ણય કોના દિમાગની પેદાશ છે ? તે જાણવુ અત્યંત જરૂરી છે. અહીં પ્રજાના પૈસાનો વેડફાટ છે કે પછી મોટી ભાગબટાઈનો ખેલ ? તેની તપાસ થવી જોઈએ. હકીકતમાં વડોદરાના સ્મશાનો ઓછામાં ઓછા ખર્ચે આપમેળે ચાલતા હતા. આવી સરસ વ્યવસ્થાને ખોરવીને એક અંતિમક્રિયા પાછળ રૂપિયા ૭૫૦૦નો ખર્ચ કરવાનો નિર્ણય કોના કહેવાથી લેવાયો ? તે હજી સુધી બહાર આવ્યુ નથી. આખાય મામલામાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શિતલ મિસ્ત્રીની ભૂમિકા મહત્વની હોય એવુ લાગે છે. ડો. શિતલ મિસ્ત્રીની સાથે સાથે મેયર પિન્કીબેન સોનીની પણ ભૂમિકા નકારી શકાતી નથી. જે વખતે સ્મશાનોનું ખાનગીકરણ થયુ તે વખતે તેના સંચાલનની દેખરેખ ડો. દેવેશ પટેલ રાખતા હતા.ભાગબટાઈનાં વહીવટમાં તેમની પણ સંડોવણી છે. જે આજે ફાયર વિભાગમાં કરેલા કરોડોનાં કારભારા હેઠળ સસ્પેન્શન હેઠળ છે. જોકે, આખોય ખેલ ખુલ્લો પડી ગયા પછી સ્મશાનના મામલે વિરોધ વંટોળ ઉભો થતા ભાજપના શહેર પ્રમુખ જયપ્રકાશ સોનીને ડેમેજ કંટ્રોલ માટે આગળ આવવું પડ્યુ હતુ અને સ્મશાનના સંચાલનમાં સામાજિક સંસ્થાઓને પુન: ઈન્વોલ્વ કરવી પડી હતી.
Reporter: admin







