વડોદરા શહેર અને જિલ્લામાં ભારે વરસાદ અને સતત વાહન અવરજવરના કારણે માર્ગોમાં પડી ગયેલા ખાડાઓ અને તૂટી ગયેલા માર્ગોને દુરસ્ત કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
શહેર અને જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ ટેકનિકનો ઉપયોગ કરીને રસ્તાઓને ફરીથી ચાલૂ સ્થિતિમાં લાવવા પ્રયાસો ઝડપથી આગળ વધારાયા છે. જિલ્લામાં મેજર અને માઇનર પેચવર્ક મળી કુલ ૧૦૩૨.૯૧ કિમી માર્ગોમાંથી આશરે ૯૦% ભાગની સમારકામ કામગીરી પૂર્ણ થઈ છે. ૫૪૨ ખાડાઓ પૈકી ૩૬૬ મેટલ, ૧૪૮ કોલ્ડ મિક્સ, ૧૯ કોન્ક્રિટ અને ૯ પેવરબ્લોક વડે પૂરવામાં આવ્યા છે. બાકી રહેલા ખાડાઓને તાત્કાલિક પૂરવાનું કામ ચાલુ છે.
જિલ્લા પંચાયત હસ્તકના માર્ગોમાં ખાસ કામગીરી
સવા એક મહિનાના ગાળામાં હોટ મિક્સ, કોલ્ડ મિક્સ, સબ-બેઝ અને પેવર બ્લોક્સનો ઉપયોગ કરીને રસ્તાઓના પેચવર્ક માટે ૧૭ જેટલી JCB, ૩૨ ડમ્પર, ૧૮૮ શ્રમિકો સહિતના સાધનો સાથે કામગીરી હાથ ધરાઈ. સાથે જ ટ્રાફિક વ્યવસ્થાપન માટે ૪ રૂટ પેટ્રોલ વાહનો, ૩ ક્રેન અને ૩ એમ્બ્યુલન્સની ટીમ તહેનાત છે, જેથી કોઈ પણ કટોકટીમાં ઝડપી પ્રતિસાદ મળી શકે.
મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ઝડપી કામગીરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગે ચોમાસામાં રોડ સુરક્ષા અને વાહનચાલકોની સગવડતા માટે કામગીરીમાં કોઈ કચાસ રાખી નથી. રસ્તાઓને વહેલી તકે પૂર્વવત સ્થિતિમાં લાવવા તંત્ર સજ્જ છે.
Reporter: admin







