પાલિકા પાસે સ્ટ્રક્ચરલ એન્જિનિયર જ નથી..

કોર્પોરેશન, શહેરીજનોની સલામતી સાથે ચેડાં કરી રહી છે. ચોમાસા પહેલા સરકારની પોલીસી મુજબ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવીને શહેરના તમામ બ્રિજોનું ઇન્સ્પેક્શન કરાવાયું હતું અને ત્યાર પછી આ બ્રિજોનું ઇન્સ્પેક્શન કરનારી 2 એજન્સીએ 41 બ્રિજ સારા હોવાનું અને 2 બ્રિજ બંધ કરવા જણાવ્યું હતું. બ્રિજનું ઇન્સ્પેકશન કોણે કરેલું છે તેનું નામ આ રીપોર્ટમાં છે જ નહી. જો કોઇ દુર્ઘટના સર્જાય તો કોને જવાબદાર ઠેરવાય તે મુદ્દે તંત્રએ છટકબારી શોધી લીધી છે. ખરેખર તો ઇન્સ્પેક્શન કરનારાનાં નામ લખવા જોઇએ. ઇન્સ્પેકશન કરનારી મેક વે કંપનીએ જે રિપોર્ટ આપ્યો છે તેમાં મેક વે મેનેજમેન્ટ લિમીટેડના ડાયરેક્ટરની સહી સાથેનો રિપોર્ટ અપાયો છે. જે ખોટું છે. બ્રિજનું ઇન્સ્પેક્શન ડાયરેક્ટર કરવા નહી ગયા હોય પણ તેમના સ્ટ્રકચરલ ઇજનેરે ઇન્સ્પેક્શન કરેલું હશે તો આ ઇજનેરના નામ અને સહી સાથેનો રિપોર્ટ જાહેર કરવો જોઇતો હતો. કોર્પોરેશનને તેમને છટકબારી આપી દીધી છે. બીજી કંપની ડેલ્ફ કન્સલ્ટીંગ એન્જિનીયર્સે જે રિપોર્ટ આપેલો છે તેમાં પણ રિપોર્ટની નીચે આનંદ આર.શાહ કો ફાઉન્ડ એન્ડ ડાયરેક્ટરની સહી છે. ખરેખર તો ડેલ્ફ કંપનીના જે ઇજનેરે ઇન્સ્પેક્શન કરેલું છે તેનું નામ અને સહી હોવી જોઇએ. આ ડાયરેક્ટર પણ જાતે જ ઇન્સ્પેક્શન કરવા નહી ગયા હોય તે ચોક્કસ વાત છે. તેમણે તેમની કંપનીના ઇજેનરોને જ મોકલ્યા હશે તો પછી તેમના નામ કેમ લખેલા નથી તે એક મોટો સવાલ છે. હમણાં કમિશનરે ફરીથી કોર્પોરેશનના ચારેય ઝોનમાં ઝોનલવાઇઝ એન્જિનીયરોની ટીમ અને બ્રિજના ઇજનેરોની ટીમ બનાવીને ફરીથી બ્રિજોનું ચેકીંગ કરાવ્યું. કોર્પોરેશન પાસે સ્ટ્રક્ચરલ એન્જિનીયર જ નથી તો બ્રિજના સ્ટ્રક્ચરને કેટલું નુકશાન થયું છે તે કેવી રીતે કોર્પોરેશનના ઇજનેરોએ જાણી લીધું? આ કામ સ્ટ્રક્ચરલ ઇજનેરનું છે અને તે કામ કર્યું કોર્પોરેશનના ઝોનલ ઇજનેરો અને બ્રિજ વિભાગનાં ઇજનેરોએ. વળી આ ઇજનેરોએ તો સ્થળ પર જઇને વિઝ્યુલ રિપોર્ટ આપ્યો છે એટલે સો ટકા સેફ તો ના જ કહી શકાય. જે બ્રિજને સેફ કે અનસેફ જાહેર કરે છે તે ઇજનેર કે એજન્સીના તો નામ જ જાહેર કરાતા નથી. તો ભવિષ્યમાં કોઇ દુર્ઘટના બને તો તેના માટે જવાબદારી કોની નક્કી કરાય તે સમજાતું નથી. શાણા અધિકારીઓએ તમામ બાબતોમાંથી છટકી જવાની બારીઓ ખુલ્લી જ રાખી છે. સરકારની પોલીસીના ભાગરુપે ચોમાસા પહેલા તમામ બ્રિજો અને ચોમાસા પછી પણ તમામ બ્રિજોની ચકાસણી અને મજબુતાઇ ચકાસવાની હોય છે . કોર્પોરેશન દ્વારા મેક - વે અને ડેલ્ફ નામની બે કન્સલ્ટન્ટન્ટની નિમણુકો કરીને શહેરના તમામ 43 નાના મોટા બ્રિજની ચકાસણી કરવામાં આવી હતી . આ બંને એજન્સીઓએ સર્વે કરીને આપેલા રિપોર્ટમાં જોખમી જણાયેલા 2 બ્રિજને તત્કાળ બંઘ કરવાનું જણાવાતા આ 2 બ્રિજ જાંબુઆનો જુનો બ્રિજ અને કમાટીબાગનો ઝુ બ્રિજને અવર જવર માટે બંધ કરાયો હતો. શહેરના 43 બ્રિજમાં 14 રેલવે ઓવરબ્રિજ છે જ્યારે 22 રીવર ઓવર બ્રિજ છે અને 4 ફ્લાય ઓવર બ્રિજ છે તો 1 બ્રિજ અન્ય છે. હાલમાં જે કાલાઘોડા બ્રીજની કામગીરી ચાલી રહી છે તે ઉલ્લેખ બન્ને એજન્સીમાં ઉલ્લેખ નથી કર્યો. જો એ બ્રીજ સેફ છે તો કામગીરી કેવી રીતે ચાલે છે? જો અનસેફ છે તો મેક-વે અને ડેલ્ફ એજન્સીઓ એ આ બ્રીજ ને સેફ છે તે રિપોર્ટ કેવી રીતે આપ્યો જેથી આ બન્ને કંપનીઓના રિપોર્ટ શંકા પ્રેરે છે.

બ્રિજના નામમાં પણ ગોટાળા
ઇન્સ્પેક્શન કરનારી 2 કંપનીઓએ જે રિપોર્ટ આપ્યો છે તેમાં વિચીત્ર રીતે બ્રિજના નામ લખવામાં આવ્યા છે. ખાસ કરીને નાગરવાડા બ્રિજ, ઇએમઇ લો લેવલ બ્રિજ,ઉર્મી સ્કુલ નીયર સમા ન્યુ બ્રિજ અને ઓલ્ડ બ્રિજ. અરે ભાઇ આ તો જે બ્રિજ છે તેની પાસે આવેલી શાળાનું નામ છે પણ જે ઇન્સ્પેક્શન કરેલું છે તે કંઇ ઉર્મી બ્રિજ નથી. તેનું નામ અલગ હશે. ઉર્મી હેરીટેજ નામનો બ્રિજ ક્યાં છે તે માત્ર કોર્પોરેશનને ખબર છે. બ્રિજના અસલ નામ લખો તો જાહેર જનતાને પણ ખબર પડે
માત્ર ત્રણ દિવસમાં કેવી રીતે ખબર પડી કે બ્રિજ સેફ છે...
કોર્પોરેશન પાસે સ્ટ્રક્ચરલ એન્જિનીયર જ નથી એટલે કમિશનરે શહેરના તમામ બ્રિજના સ્ટ્રક્ચરને કેટલું નુકશાન થયું છે તે ચકાસવા માટે ઝોનલ વાઇઝ ઇજનેરોને તથા બ્રિજના ચીફને આદેશ કર્યો અને આ હોંશિયાર ઇજનેરોએ માત્ર ત્રણ દિવસમાં રિપોર્ટ પણ આપી દીધો. ત્રણ દિવસમાં અપાયેલા આ રિપોર્ટમાં શું હશે તે તમામને ખબર છે. કેવી રીતે કોર્પોરેશનના ઇજનેરોએ ત્રણ દિવસમાં જાણી લીધું કે બ્રિજ સેફ છે કે નહી. ખરેખર તો આ કામ સ્ટ્રક્ચરલ ઇજનેરનું છે અને તે કામ કર્યું કોર્પોરેશનના ઝોનલ ઇજનેરો અને બ્રિજ વિભાગનાં ઇજનેરોએ કર્યું છે. આ ઇજનેરોએ તો સ્થળ પર જઇને વિઝ્યુલ્સ રિપોર્ટ આપ્યો છે . ખરેખર તો સેમ્પલ લઇને ટેસ્ટીંગ કરાવીને કહેવું જોઇએ કે આ બ્રિજ સેફ છે કે અનસેફ. એટલે કોર્પોરેશને માત્ર કાગળ પર બતાવવા માટે આ કામગીરી કરી છે તે સ્પષ્ટ જણાઇ આવે છે. કયા બ્રિજનું કયા એન્જિનિયરે અથવા કઈ ટીમે ઇન્સ્પેક્શન કર્યું છે, તેનો વિગતવાર રિપોર્ટ તેમની સહી/સીક્કા/હોદ્દો હોવો જોઈએ. જાહેર જનતાની સુરક્ષા સાથે ખીલવાડ છે. કોઈ મોટી દુર્ઘટના બને તો ચાર-છ લાખ આપીને છૂટી નથી જવાનું.


Reporter:







