News Portal...

Breaking News :

સ્વચ્છ સર્વેક્ષણ 24-25 માં રાજ્યમાંથી સુરત અને અમદાવાદ અવ્વલ નંબરે. વડોદરાને માત્ર પ્રોત્સાહન ઈનામ મળ્યું

2025-07-18 09:41:17
સ્વચ્છ સર્વેક્ષણ 24-25 માં રાજ્યમાંથી સુરત અને અમદાવાદ અવ્વલ નંબરે. વડોદરાને માત્ર પ્રોત્સાહન ઈનામ મળ્યું


કરોડોનો ખર્ચો કરવા છતાં સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરા અવ્વલ નંબરે નહી આવી શક્યું. માત્ર પ્રોત્સાહન ઇનામ મેળવીને વિલા મોઢે વડોદરા પરત આવવું પડ્યું. 
પાલિકા દર વર્ષે 250 થી વધુ કરોડ સ્વછતા પાછળ ખર્ચે છે...



માત્ર પ્રોત્સાહન ઈનામ લેવા માટે મેયર,ચેરમેન, કમિશનરનો વિમાનમાં આવવા જવાનો ખર્ચો પણ વડોદરાવાસીઓને ભારી પડે
30 વર્ષમાં વડોદરાનાં નેતાઓએ માત્ર વચન- વાયદા જ આપ્યા. દેશમાં નામ રોશન કરી શકાય તેવા કોઈ પ્રોજેક્ટ વડોદરા શહેરને આપ્યા નથી. સ્વચ્છતામાં પણ સતત પાછળ પટકાતું રહ્યું. પ્રોત્સાહન ઇનામથી ખુશ થવાની જરૂર નથી. રીયલ કેટેગરીમાં વડોદરા નો નંબર ક્યાંય પણ આવ્યો નથી, એ વડોદરાવાસીઓએ સમજી લેવાની જરૂર છે.
શહેરને સ્વચ્છ રાખવા પાછળ કોર્પોરેશન દર વર્ષે કરોડો રુપિયાનો ખર્ચો કરે છે પણ સ્વચ્છતા ક્યાંય દેખાતી નથી અને આજે જ્યારે સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25 ના ઇનામોની જાહેરાત થઇ ત્યારે પણ વડોદરા કોર્પોરેશનના કારણે વડોદરાવાસીઓને ફરી એક વાર નીચા જોણું થયું છે. દર વર્ષે નાગરિકો સફાઇ વેરો આપે છે છતાં શહેરને સ્વચ્છ રાખવામાં કોર્પોરેશન નિષ્ફળ ગયું છે. ડોર ટુ ડોર કચરા કલેક્શનમાં પણ કોન્ટ્રાક્ટરો બેફામ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. વોર્ડ ઓફિસ અને ઝોનલ ઓફિસના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ પણ કેબિન છોડીને તપાસ કરવા જતા નથી કે ખરેખર સફાઇ થાય છે કે કેમ? શહેરના અનેક વિસ્તારોમાં સફાઇના નામે મીડું જોવા મળે છે અને તેથી સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં વડોદરાને "પ્રોમિસીંગ સ્વચ્છ શહેર" કેટેગરીમાં મુકીને ટોકન ખુશી આપી છે. વડોદરાનો નંબર ગયા વર્ષે દેશમાં 33મો હતો. 



આ વખતે એવોર્ડ 4 કેટેગરીમાં અપાયા છે. જેમાં સુપર સ્વચ્છ લીગ સીટીઝ, શ્રેષ્ઠ ત્રણ સ્વચ્છ શહેર અને રાજ્યના પ્રોમિસિંગ ક્લીનસીટીનો રાજ્ય સ્તરના એવોર્ડનો સમાવેશ થતો હતો. વડોદરાને પ્રોમિસિંગ ક્લીન સીટીનો એવોર્ડ પણ મળ્યો છે, જે કેન્દ્રના મંત્રીઓના હસ્તે એનાયત કરાયો હતો. પ્રોમિસિંગ ક્લીન સીટી એટલે સ્વચ્છતા ક્ષેત્રે શહેર આગળ આવી શકે તેવી ક્ષમતા ધરાવે છે. આ એવોર્ડ પ્રોત્સાહન તરીકે અપાયો છે. આ વખતના સર્વેક્ષણમાં થીમ "રીડ્યુસ, રીયૂઝ, રિસાયકલ "રાખવામાં આવી હતી. વસ્તીના આધારે આ વખતે શહેરોને પાંચ વિભાગમાં વર્ગીકૃત કરાયા હતા. જેમાં વીસ હજારથી ઓછી વસ્તી, વીસ હજારથી પચાસ હજાર, પચાસ હજારથીથી ત્રણ લાખ,ત્રણ લાખથી  દસ લાખ અને સૌથી મોટા શહેરોમાં દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોને આવરી લેવાયા હતા. કુલ 12,500 માર્ક્સમાંથી વડોદરા ને 10,713 માર્ક્સ મળ્યા હતા. વડોદરા કોર્પોરેશનના કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ તથા બીજા અધિકારીઓ પ્રોત્સાહન એવોર્ડ સ્વીકારવા દિલ્હી પહોંચ્યા હતા.અવ્વલ નંબરની કેટેગરીમાં કોઈ જગ્યા ઉપર વડોદરા શહેર હતું નહીં. જે શરમજનક કહેવાય. પ્રોત્સાહન એવોર્ડથી જ કમિશનર, મેયર, અને ચેરમેને વિલા મોઢે વડોદરા પરત આવવું પડ્યું હતું.આની માટે રાણાજીની ટીમ જવાબદાર છે. બાબુજીએ તો હમણાં હમણાં ચાર્જ લીધો છે.

કોર્પોરેશન વર્ષે 250 કરોડનો ખર્ચો કરે છે 
સ્વચ્છતા પાછળ કોર્પોરેશન દર વર્ષે 250  કરોડ કરતા વધુ પૈસા ખર્ચી નાખે છે પણ છતાં વડોદરામાં ગંદકી પારાવાર છે અને તેમાં કોર્પોરેશનની જ નિષ્કાળજી રહેલી છે. જો ખરેખર સાચુ સર્વેક્ષણ થાય તો વડોદરા પાછળના ક્રમે જ આવે તે હકિકત છે. શહેરના મોટા ભાગના જાહેર રસ્તા, સરકારી કચેરીઓ, બેંક, પોલીસ સ્ટેશનો વોર્ડ ઓફિસો અને ખાનગી સંસ્થાઓ તથા ખાણી પીણીના બજારમાં હંમેશા ગંદકી જોવા મલે છે. અમારા સર્વે મુજબ મોટાભાગના સફાઇ કર્મીઓ સવારે ફક્ત 2 કલાક માટે જ કામ કરે છે પણ એમનું યોગ્ય રીતે સુપરવાઇઝીંગ કરાતું નથી. વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટર, વોર્ડ ઓફિસરો  સફાઇ કર્મચારીઓનું સુપરવિઝન જ કરતા નતી જેના કારણે ગંદકીના થર થતાં જાય છે.  સાચો સર્વે સવારના 2 કલાક કરવામાં આવે તો જ પરિણામ મળશે તે ચોક્કસ વાત છે. 

મ્યુનિ.કમિશનરે હવે સુપરવિઝન સુદ્રઢ કરવાની સાથે તંત્રને દોડતું કરવાની જરુર છે. 
શહેરને સ્વચ્છ રાખવા માટે પાલિકા રોજનો લાખો ખર્ચો કરે છે. અને તે સફાઈ, કામદાર, પગાર, અને ડોર ટુ ડોર કલેક્શન માટે વપરાય છે. શહેરના ચાર ઝોનમાં 12 વોર્ડમાં સ્વચ્છ રાખવાનો ખર્ચ વર્ષમાં 250 કરોડ છે જે સફાઇ કામદારોને ચુકવાય છે. ડોર ટુ ડોર કચરાની ગાડી 500 થી  ઉપર ફરે છે અને તેમાં કરોડોનો ખર્ચો થાય છે. સેનેટરી ઈન્સ્પેક્ટર, વોર્ડ ઇન્સ્પેક્ટર એએમસી તથા ડીવાયએમસીનો પગાર અને વહિવટી ખર્ચ તો આમા ગણાયો જ નથી. વર્ષે કરોડો રુપિયા ખર્ચે છે પણ તેનું ધાર્યું પરિણામ મળતું નથી જેથી મ્યુનિ.કમિશનરે હવે સુપરવિઝન સુદ્રઢ કરવાની સાથે તંત્રને દોડતું કરવાની જરુર છે. 

વડોદરા માત્ર પ્રોત્સાહન ઈનામ હાંસલ કરી શક્યું.
 સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત અલગ અલગ શહેરો 4500 કરતા વધુ શહેરો રજીસ્ટર થયા હતા. આજે એવોર્ડ જાહેર કરાયા છે. વડોદરા કોઈ મેઈન કેટેગરીમાં એવોર્ડ મેળવી શક્યું નથી.છતાં 18મો ક્રમ હાંસલ કર્યો છે,તેવો દાવો કરાયો છે.વડોદરામાં ડ્રાઇવ ચલાવી હતી. દરેક સ્થળોની સફાઇ કરાઇ હતી. નવા ડોર ટુ ડોર ઇજારા અપાયા છે. વડોદરા સ્વચ્છતામાં આગળ વધી રહ્યું છે. વિશ્વામિત્રીમાં 22 હજાર મે.ટન વેસ્ટેજ પ્રોસેસ કરવામાં આવ્યો છે,તેવો હાસ્યાસ્પદ દાવો ડો. શીતલ મિસ્ત્રી ,ચેરમેને કર્યો હતો.

માત્ર ફાંકા- ફોજદારીથી ઇન્દોર, સુરત કે અમદાવાદની જેમ  અવ્વલ નંબરે નહીં આવી શકાય. છેલ્લા કેટલાય વર્ષોથી ટોપ ટેનમાં આપણે આવી જઈશું તેમાં વચન વાયદા કરાય છે પરંતુ અન્ય શહેરોની મુકાબલે વડોદરા સતત પાછું પટકાતું રહ્યું છે. પ્રોત્સાહન ઈનામ લેવા માટે ત્રણ જણાનો વિમાનમાં આવવા જવાનો ખર્ચો પણ વડોદરાવાસીઓને ભારી પડે.

Reporter:

Related Post