મુંબઈ: કોઈ ફિલ્મના ટીઝર લોન્ચ વખતે અથવા કોઈ એક્ટરની ચાહકોને મળવાના પ્રસંગે મોટી ભીડ હોય છે, ત્યારે તેનો અર્થ સામાન્ય રીતે ખ્યાતિ તરીકે લેવામાં આવે છે, પરંતુ મોટાભાગના પ્રસંગોએ આ ભીડ અસલી કે વાસ્તવિક નથી હોતી.
આ બધા ફેક ફેન્સ હોય કે ભાડા ની ભીડ હોય છે, જેને આયોજકો માટે માર્કેટિંગ એજન્સી દ્વારા પૈસા આપી ઉપલબ્ધ કરવામાં આવે છે. તો વાત ફેક ન્યૂઝથી ફેક ફેન્સ સુધી પહોંચી ગઇ છે અથવા તો એમ કહેવું વધુ સારું રહેશે કે, ફેક ફેન્સ દ્વારા ફેક પ્રચાર માટે ફેક ન્યૂઝ બનાવવામાં આવે છે. મુંબઈમાં જ્યારે પણ કોઈ ફિલ્મનું ટ્રેલર કે ટીઝર લોન્ચ કરવામાં આવે છે ત્યારે એક્ટરની ફેન્સ સાથે મુલાકાતનું આયોજન કરવામાં આવે છે, ત્યારે ત્યાં ૨૫૦-૫૦૦ લોકો હાજર હોય છે. આ ભીડ વ્યક્તિ દીઠ રૂ.૨૦૦ થી રૂ.૫૦૦ આપી એકત્રિત કરવામાં આવે છે. આમ કરી સુનિશ્ર્ચિત કરવામાં આવે છે કે અભિનેતાનું ઉષ્માભર્યું સ્વાગત થાય છે અને એ મેસેજ આપી શકાય કે અભિનેતા લોકપ્રિય છે અને તેના પ્રશંસકો મોટી સંખ્યામાં છે.
આ બિલ્ટ-અપ ભીડ અને ખ્યાતિનો ખ્યાલ તમને કદાચ આશ્ર્ચર્યચકિત કરી શકે છે, પરંતુ હકીકત એ છે કે માયાનગરીમાં આ કામ વર્ષોથી થઈ રહ્યું છે અને હવે તો આ સ્થાપિત ટ્રેડ બની ગયો છે. ખ્યાતિનું આ નાટક એવો ભ્રમ ઊભો કરવા માટે કરવામાં આવે છે કે અભિનેતાના વાસ્તવિક ચાહકો તેમના માટે ઉત્સાહિત છે.સ્વાભાવિક છે કે આ બધું આપ મેળે નથી થઈ રહ્યું પરંતુ હાઈપ ઉત્પન્ન કરવા માટે પબ્લિસિટ ટીમ અને માર્કેટિંગ એજન્સીઓ નકલી ચાહકોની ભીડ એકઠી કરવામાં લાગેલી છે. આ પ્રકારની ઇવેન્ટ માટે એજન્સીઓ રૂ. ૬૦,૦૦૦ થી રૂ. ૨-૩ લાખ ચાર્જ કરે છે. નવાઈની વાત એ છે કે ભાડાની ભીડ માત્ર ઉત્સાહ આપવા માટે જ નહીં પરંતુ ફિલ્મનો વિરોધ કરવા માટે પણ એકત્ર કરવામાં આવે છે. ફિલ્મી દુનિયામાં વિવાદનો પર્યાય પ્રચાર છે.
Reporter: admin