અમદાવાદ: 32 વર્ષ સુધી સરકારી નોકરી કરીને જીવનભરની મહેનતની કમાણીના રૂ.7.15 લાખની પાકેલી એફ.ડી. ના નાણાં ચુકવી આપવા માટે ગ્રાહક કોર્ટે 7 મહિના પહેલા કરેલા આદેશને પોસ્ટ વિભાગ અવગણીને મને હજુ સુધી રૂપિયા ચૂકવતું નથી. તેવું 71 વર્ષીય હસમુખ વ્યાસે ભારે વ્યથિત મન સાથે જણાવ્યું હતું.
સેટેલાઈટમાં રહેતા હસમુખ વ્યાસે કહ્યું કે, 2021માં દસ્ક્રોઇ તાલુકા પંચાયતમાંથી કલાર્ક તરીકે નિવૃત્ત થયો હતો. 1979થી 2012 સુધી 32 વર્ષ સુધી નોકરી કરી નિવૃત્ત થતાં પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટી, રજા પગાર સહિત ના મળેલા લાભમાં કુલ રૂ.10.70 લાખ મળ્યા હતાં. નિવૃત્ત થતાં પરિવારનું જીવનનિર્વાહ ચલાવવા રૂપિયાનું રોકાણ કરવું જરૂરી હતું. આથી આંબાવાડી આઝાદ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટરે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ સમજાવી હતી. અને તેમની સલાહ પ્રમાણે કોઇપણ વ્યક્તિ નિવૃત્ત થાય તો સિનિયર સિટીઝન સ્કીમમાં રોકાણ કરી શકાય છે.આથી મે વર્ષ 2012માં પોસ્ટમાં સિનિટર સિટીઝન સ્કીમમાં રૂ.7.15 લાખની એફ.ડી. કરાવી હતી. જે પેટે મને દર 3 મહિને મળતા વ્યાજે પરિવારનું ગુજરાન ચાલતું હતું.
2017માં એફ.ડી.પાકતા હું પોસ્ટ ઓફિસમાં ગયો ત્યારે તેમણે મારી પાસે એક ફોર્મ ભરાવી ટોકન આપીને જણાવેલું કે, તમારા ખાતામાં રૂપિયા જમા થઇ જશે. 4 દિવસ બાદ મને ફોન કરીને પોસ્ટ ઓફિસ બોલાવીને કહેવાયું કે તમે ખોટી રીતે રોકાણ કર્યુ છે. અને ભરેલ ફોર્મ પરત આપી ટોકન ફાડી નાંખ્યું હતું. મેં ઘણી વિનંતી કરી કે, મેં કેવી રીતે ખોટું રોકાણ કર્યું છે એ તો સમજાવો પણ મારી કોઇ વાત સાંભળવામાં ના આવી.વૃદ્ધ 2 વર્ષ સુધી પત્ર વ્યવહાર કરતા રહ્યા પણ કોઈ જવાબ નહીં હસમુખ વ્યાસે રૂપિયા પરત લેવા માટે 2 વર્ષ સુધી પત્ર વ્યવહાર કર્યો પરંતુ કોઇ અધિકારી તેનો જવાબ ના આપ્યો. આખરે ગ્રાહક સુરક્ષા પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ મારફતે ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ કર્યો. જેમાં 8 વર્ષની લાંબી લડાઇ બાદ ગ્રાહક કોર્ટે નવેમ્બર 2024માં પોસ્ટ વિભાગને 9 ટકા વ્યાજ સાથે રૂ.7.15 લાખ ચૂકવી આપવાનો આદેશ કર્યો હતો. આ ચુકાદાને 7 મહિના થવા છતાં મને હજુ સુધી રૂપિયા મળ્યા નથી.
Reporter: admin