શું લહેરીપુરા, ચાંપાનેર, પાણીગેટ અને ગેંડીગેટ રોડના પથારા કાયમ માટે હટાવી શકાશે ?
વડોદરાના જૂના સિટી વિસ્તારમાં કાયમ માટે
શું પિક અવર્સમાં પણ એમ.જી રોડ પર ટ્રાફિકજામની સમસ્યા નહીં જોવા મળે ?
જબરદસ્ત ટ્રાફિકજામ, શ્વાસ રુંધાય તેવું વાયુ પ્રદુષણ અને અસાધારણ ઘોંઘાટનો અનુભવ કરવો હોય તો વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં લટાર મારવી પડે..!! એક જમાનો હતો જ્યારે ચાર દરવાજા વિસ્તાર વડોદરાની શાન ગણાતો હતો. પણ બદલાતા જમાના સાથે સંસ્કારી નગરીનો જૂનો સિટી વિસ્તાર અરાજકતા અને ભીડભાડનો પર્યાય બની ચુક્યો છે. અહીં ફૂટપાથ પર બાંકડાને બદલે પથારાનો કબજો છે. તોરણોને બદલે દુકાનોના લટકણિયાંનું સામ્રાજ્ય છે. બસ સ્ટોપ પર યાત્રીઓને બદલે શટલ રીક્ષાઓનું શાસન છે. ચાર દરવાજાની આટલી ખરાબ પરિસ્થિતિ પાછળ કોર્પોરેશનની દબાણ શાખા અને પોલીસની ટ્રાફિક શાખાનો મુખ્ય રોલ છે. તેની સાથેસાથે સિટિ પોલીસ સ્ટેશનની હપ્તાખોરી, વાડી પોલીસ સ્ટેશનની બેદરકારી અને પાણીગેટ પોલીસ સ્ટેશનની ઢીલી નીતિ જવાબદાર છે.

વડોદરા શહેરના જૂના સિટી વિસ્તારની વાત કરીએ તો ચાંપાનેર દરવાજાથી માંડવી
દરવાજા વચ્ચે શટલ રીક્ષાઓનો જબરદસ્ત આતંક છે. મુસાફરોની વાટ જોઈને અડધો રસ્તો બંધ કરી દેતા આવા રીક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવાની તાકાત ટ્રાફિક પોલીસમાં નથી. જેને લીધે માંડવીથી ચાંપાનેર દરવાજા
વચ્ચે ટ્રાફિકજામ થાય છે. અને વડોદરાની સામાન્ય પ્રજા પરેશાન થાય છે. આવા શટલ રીક્ષા ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ. માંડવી દરવાજાની ફરતે એટલે કે, નજર બાગ પેલેસ પાસે, ગેંડીગેટ દરવાજા તરફના વળાંક પર અને એમ.જી રોડના બસ સ્ટોપ પાસે આવા શટલ રીક્ષા ચાલકોની ખુબ દાદાગીરી છે. એમને લીધે જ ટ્રાફિક જામ થતો હોય છે. પણ એમની સામે કાર્યવાહી કરવામાં પોલીસની હિંમત થતી નથી.
લહેરીપુરા દરવાજેથી માંડવી વચ્ચેના બંને તરફના રોડ પર પથારા અને
લટકણિયાંઓનો કબજો છે. તમને જાણીને નવાઈ લાગશે પણ એમ.જી રોડની લગભગ તમામ દુકાનની બહાર પથારો લગાવવામાં આવે છે. ઉપરાંત, દુકાનોવાળા લટકણિયાં બહાર કાઢીને પણ ફૂટપાથ પર કબજો જમાવી રહ્યા છે. જો, એમ.જી રોડ પર પથારા, લટકણિયાં અને શટલ રીક્ષા પર રોક લગાવવામાં આવે તો એમ.જીના વાહન વ્યવહારમાં ખાસ્સો ફર્ક પડી શકે છે.
માંડવીથી પાણીગેટ દરવાજા વચ્ચેના રોડ પર મોટાભાગે
લટકણિયાંઓનો ત્રાસ છે. ઉપરાંત, અહીંની દુકાનોના ગેરકાયદે ઓટલાઓએ પણ રસ્તાને સાંકડો કરી દીધો છે. આ રોડનો વાહન વ્યવહાર સુદ્દડ બનાવવો હોય તો ટ્રાફિક પોલીસ અને દબાણ શાખાએ દુકાનોના બહાર કાઢવામાં આવેલા ઓટલા તોડીને રસ્તા પહોળા કરવા જોઈએ અને પછી શટર રીક્ષા, દુકાનોના લટકણિયાં અને પથારા દૂર કરીને વાહન વ્યવહાર ખુલ્લો કરવો જોઈએ.
માંડવીથી ગેંડીગેટ રોડ વચ્ચે મોટાભાગે પાર્કિંગની મોટી સમસ્યા છે. આ રસ્તો એક તો સરખામણીમાં સાંકડો છે અને ઉપરથી અહીં વાહનો પાર્ક થતા હોય છે. જેને લીધે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ગેંડીગેટ રોડ પર તહેવારોમાં ભારે ભીડ ઉમટે છે. અહીં સિઝનલ ધંધો કરનારા

વેપારીઓ ઘણા છે. જેમને લીધે વારેતહેવારે ખુબ ખરીદી નીકળે છે અને ટ્રાફિક જામ થાય છે.
આ ચાર દરવાજા વિસ્તારની સમસ્યાનો ઉકેલ લાવવો હોય તો સૌથી પહેલા ભ્રષ્ટાચાર પર કાબુ મેળવવો પડશે. અહીં ભ્રષ્ટાચાર પોલીસનો અને પાલિકાનો છે. કહેવાય છે કે, ચાર દરવાજા વિસ્તારમાં પથારા અને લટકણિયાંઓનો ખુબ મોટો વ્યવહાર છે. અને આવો મીઠો વ્યવહાર ગુમાવવો પોલીસ અને દબાણ શાખાને પરવડે તેમ નથી. ખેર, આજે પોલીસ વિભાગ અને દબાણ શાખાના ઉચ્ચ અધિકારીઓએ નક્કી કર્યું છે કે, ચાર દરવાજા વિસ્તારોને દબાણ અને ટ્રાફિકની સમસ્યા મુક્ત કરીને રહીશું. જોકે, એમનો આ સંકલ્પ કેટલા દિવસ ટકે છે તે જોવું રહ્યું.
શું માંડવી દરવાજાનું યોગ્ય સમારકામ થશે ?
વડોદરાની શાન ગણાતા માંડવી દરવાજાના કાંગરા ખરી રહ્યા છે. ચાર-પાંચ દાયકા પહેલા બનાવવામાં આવેલા ઐતિહાસીક માંડવી દરવાજાના પાયામાં તિરાડો પડી રહી છે. વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓમ વ્યાસ છેલ્લા 130થી વધારે દિવસોથી માંડવી બચાવવા માટે એકલા જ તપ કરી રહ્યા છે. તેઓ રોજ બપોરે બાર વાગ્યે પગરખા પહેર્યા વિના માંડવી ગેટની નીચે પહોંચી જાય છે અને નમતી બપોરે ચાર વાગ્યા સુધી ત્યાં તપ કરે છે. એમનુ માનવુ છે કે, એક દિવસ જરુર આવશે જ્યારે સરકાર એમનુ સાંભળશે અને વડોદરાની ઓળખ સમાન માંડવી દરવાજાનું યોગ્ય સમારકામ કરશે.
શું લહેરીપુરા દરવાજાનું ફરીવાર રિસ્ટોરેશન થશે ?
માંડવીની સાથેસાથે લહેરીપુરા દરવાજાને પણ તિરાડો પડી રહી છે. ઐતિહાસીક લહેરીપુરા દરવાજાની સ્થિતિ એટલી કફોડી છે કે, એની આસપાસ પથારાવાળાઓનો રીતસરનો જમાવડો થાય છે. કેટલાક પથારાવાળા તો આવા ઐતિહાસીક દરવાજાની દિવાલો પર ખીલા ઠોકીને એની ઉપર ઘડિયાળો ટંગાડીને વેચતા હોય છે. આ દ્રશ્ય રોજનું છે પણ કોઈ કશુ બોલવા તૈયાર નથી. પોલીસ અને દબાણ શાખા મૂકપ્રેક્ષકની ભૂમિકા સારી રીતે ભજવે છે.
જેને લીધે લહેરીપુરા દરવાજો દિવસેને દિવસે કમજોર થઈ રહ્યો છે.
પાણીગેટ દરવાજાની સલામતી માટે પગલા લેવાશે ?
પાણીગેટ દરવાજાનું થોડા વર્ષો પહેલા સમારકામ થયુ હતુ. પણ એની સ્થિતિ કંઈ બહુ સારી નથી. પાણીગેટ દરવાજાની સ્થિતિ પણ લહેરીપુરા દરવાજા જેવી જ છે. એની સુરક્ષા માટે કોઈ ગાર્ડ નથી. એટલે જેને જેવો ફાવે તેવો તેનો ઉપયોગ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ પાણીગેટ દરવાજાની ઉપર થોડા વર્ષો પહેલા એક અજાણ્યા વ્યક્તિની લાશ પણ મળી હતી. કહેવાય છે કે, એ વ્યક્તિ પાણીગેટ દરવાજાની ઉપર વસવાટ કરતો હતો. આપણા વડોદરાની ઐતિહાસીક ધરોહરોનો આવો ઉપયોગ થાય તે વડોદરાવાસીઓ તરીકે આપણા માટે શરમની વાત છે.
દબાણોના કારણે જૂના સિટી વિસ્તારના પરિવારોની હિજરત
ચાર દરવાજા વિસ્તારમાં નાની-મોટી, પહોળી-સાંકડી અનેક ગલીઓનું રીતસરનું જાળું રચાયેલું છે. અહીં વર્ષોથી હજારો મકાનો ખભેખભા મિલાવીને અડિખમ ઉભા છે. ચાર દરવાજા વિસ્તારની વિશેષતા એની સાંકડી શેરીઓ
અને નાની-નાની ખડકીઓ છે. જેમાં એક સાથે રહેતા એક લાખથી વધારે લોકોનું જીવન ટ્રા્ફિકજામ, પથારા અને લટકણિયાં વચ્ચે હંમેશા અટવાયેલું રહે છે. જેને લીધે જૂના સિટી વિસ્તારની શેરીઓ અને પોળોમાં રહેતા
પરિવારો કંટાળીને પોતાના બાપ-દાદાના મકાનો ખાલી કરી કરીને સોસાયટીઓમાં રહેવા જતા રહ્યા છે
શું જૂના સિટી વિસ્તારને એની ઓળખ પાછી મળશે ?
તમને જાણીને નવાઈ લાગશે પણ પાણીગેટ, ચાંપાનેર, લહેરીપુરા અને ગેંડીગેટ જેવા ચાર દરવાજાના રસ્તા પરથી પિકઅવર્સમાં પસાર થવુ હોય તો લોઢાના ચણા ચાવવા પડે.
એક જમાનો હતો જ્યારે ચાર દરવાજા વિસ્તાર
વડોદરાની શાન ગણાતો હતો. એક જમાનો હતો જ્યારે અહીં ધર્મ કે, સંપ્રદાયના વાડા તોડીને લોકો એકબીજા સાથે હળીમળીને રહેતા હતા. પણ બદલાતા સમય સાથે જૂના સિટી વિસ્તારે પોતાની આ તાસીર ગૂમાવી દીધી છે.
કદાચ પોતાની સાચી ઓળખ પણ ખોઈ દીધી છે.
કાર પાર્ક કરવા બે કિલોમીટર દૂર જવુ પડે છે
ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા આખોય દિવસ રહે છે. અહીંની સ્થિતિ એટલી કફોડી છે કે, જો કોઈને કાર ખરીદવી હોય તો પાર્કિંગ માટે છેક સૂરસાગરની પાળે જવુ પડે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ નરસિંહજીની પોળ, ઘડિયાળી પોળ અને બાજવાડા જેવા ગીચ વિસ્તારમાં કાર પાર્ક કરવાની જગ્યા મળતી નથી. જેને લીધે લોકો પોત-પોતાના ફોર વ્હીલર સૂરસાગરની આસપાસ કે, પછી સોસાયટી વિસ્તારમાં રહેતા
પોત-પોતાના સંબંધીઓને ઘરે પાર્ક કરે છે.
એક લાખથી વધારે લોકોએ આખી જિંદગી ટ્રાફિકમાં કાઢી
ચાર દરવાજા વિસ્તારમાં રહેતા એક લાખથી વધારે લોકો સાચા અર્થમાં વડોદરાના મૂળ રહેવાસીઓ છે. તેમ છતાંય એમને સોસાયટી વિસ્તારો જેટલી ફેસિલિટી ક્યારેય પ્રાપ્ત થઈ નથી. એમના માટે પાર્કિંગની કોઈ અલાયદી સુવિધા નથી. એમના માટે ગાર્ડનની વ્યવસ્થા નથી. બાળકો માટે મેદાન નથી અને વૃ્ધ્ધો માટે વડિલ વિસામો નથી. કોઈ મોટું હોસ્પિટલ નથી કે, પ્રસંગો ઉજવી શકાય તેવા પાર્ટી પ્લોટ નથી. અહીંના લોકો જૂના સિટી વિસ્તારમાં રહેવાની જાણે સજા ભોગવતા હોય એવુ લાગે. ખેર, પોતાના હક માટે ચાર દરવાજા વિસ્તારના લોકોએ પણ આગળ આવવુ પડશે. ચાર દરવાજા વિસ્તારમાં પણ સોસાયટી જેવી પ્રાથમિક સુવિધાઓ હોય તે ઈચ્છનીય છે પણ એના માટે સંગઠિત થઈને સરકાર સમક્ષ રજૂઆત કરવી પડશે. જો, ચાર દરવાજાના લોકો સંગઠિત થઈ જાય તો અહીંની તમામ સમસ્યાઓનો જાતે જ ઉકેલ લાવી શકે તેટલા તેઓ સક્ષમ છે.
ઐતિહાસીક મંદિરોની આસપાસના દબાણો હટાવાશે ?
વડોદરાના જાજરમાન ઈતિહાસને જાણવો કે, સમજવો હોય તો ચાર દરવાજા વિસ્તારમાં ફરવુ પડે...અહીં થોડા દિવસ રહેવું પડે...અને ત્યાંના સ્થાનિકોને મળવું પડે..ચાર દરવાજા વિસ્તારની ગૂંથણી એક સુતરાઉ કાપડના તાણાવાણા જેવી છે. અહીં સાંકડી શેરીઓમાં રહેતા બિન્દાસ્ત બાશિંદાઓની બાહોશીના કિસ્સા ખુબ જ રસપ્રદ છે. અહીંના શ્રધ્ધાના કેન્દ્રબિંદુ સમાન મંદિરોની રીતસરની હારમાળા છે. વડોદરામાં શાસન કોઈનું પણ હોય પરંતુ, ચાર દરવાજા વિસ્તારના મંદિરની આન-બાન-શાનમાં ઉણી આંચ પણ આવતી નથી. એ જ વડોદરા જેવી સંસ્કારી નગરીની તાસીર છે. ચાર દરવાજા વિસ્તારમાં શહેર લગભગ બધા જ મોટા મંદિરો આવેલા છે. જેમાં ઘડિયાળી પોળમાં અંબાજી મંદિર, માંડવી પાસેનું વિઠ્ઠલ મંદિર, કલ્યાણરાયજી મંદિર, નરસિંહજીનું મંદિર, મહાકાળી મંદિર, માંડવી દરવાજાની નીચે મેલડી માતાનું મંદિર...આમ અનેક મંદિરો ચાર દરવાજા વિસ્તારમાં આવેલા છે. અને દરેક મંદિરનો પોતાનો અલાયદો અને રસપ્રદ ઈતિહાસ પણ છે. સરકાર જો ધારે તો વડોદરાના ચાર દરવાજા વિસ્તારના મંદિરોના સામૂહિક રીતે સમારકામ કરીને આવી ભક્તિભાવની ધરોહરોને બચાવી શકે છે.
ચાર દરવાજા વિસ્તારના લોકોએ સંગઠિત થવાની જરૂર છે
વડોદરાના ચાર દરવાજા વિસ્તારનો ઈતિહાસ લગભગ ચારસોથી પાંચસો વર્ષ પુરાણો છે. વડોદરાનો ચાર દરવાજા વિસ્તાર મુધલકાળથી માંડીને ગાયકવાડી શાસન, અંગ્રેજોથી માંડીને આઝાદીની લડાઈ. લોકશાહીના સૂર્યોદયથી માંડીને રાજકીય આંદોલનોના ભડકાનો સાક્ષી રહ્યો છે. અહીં ઘણા ક્રાંતિકારી વિચારધારા વાળા નેતાઓ પેદા થાય છે. જીતુ સુખડિયા, ભુપેન્દ્ર લાખાવાલા અને રાજેન્દ્ર ત્રિવેદી જેવા મોટાગજાના રાજનેતાઓની કારકિર્દીનું ઘડતર ચાર દરવાજા વિસ્તારમાં થયુ છે. છતાંય આજે આખાય વિસ્તારની હાલત આટલી ખરાબ કેમ છે તે સમજાતુ નથી.






Reporter: admin







