જૂના ઓડિટ રિપોર્ટ ફાઈલમાં,જરૂરી પારદર્શિતા વિના લાખો રૂપિયાની સહાય મંજૂરી
સ્થાયી સમિતિ 14 ઓગસ્ટે બેઠકમાં જૂના કામોની મંજૂરી, લોકધનની પારદર્શિતા પર સવાલ
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની આવતી 14 ઓગસ્ટે યોજાનારી બેઠકમાં, ઓડિટ વિભાગના અનેક મહિનાઓ જૂના પોસ્ટ ઓડિટ રિપોર્ટને માત્ર “જાણમાં લેવા”ની પ્રક્રિયા હાથ ધરાશે. નિષ્ણાતોના મતે, આ માત્ર કાગળ પૂરતી કામગીરી છે, કારણ કે આવા જૂના રિપોર્ટોની ચર્ચા વિના મંજૂરી આપવાથી, ખામી કે ગેરરીતિઓને દબાવવાનો માર્ગ મોકળો થાય છે. વડોદરાના નાગરિકોમાં પ્રશ્ન છે કે, જો નાણાકીય ગેરરીતિઓ શોધવા માટે ઓડિટ થાય છે તો તેને સમયસર કેમ નહીં ચર્ચાય?
હૃદયરોગી દર્દીઓને સહાય
નિયમો સ્પષ્ટ, પરંતુ મંજૂરી મોડે
આરોગ્ય ખાતાના મુદ્દાઓમાં હૃદયરોગની શસ્ત્રક્રિયા કરાવનાર દર્દીઓને 1 લાખ રૂપિયાની સહાયની મંજૂરી આપવામાં આવશે. પરંતુ, આ મંજૂરી પણ મહિનાઓ જૂની અરજી બાદ આપવામાં આવી રહી છે. દર્દીઓ અને તેમના પરિવારને આર્થિક તકલીફ વચ્ચે રાહ જોવી પડે છે, જ્યારે સ્થાયી સમિતિના ફાઇલ ખસેડવાની ગતિ કાચબા જેવી રહે છે. પારદર્શિતા અને કાર્યક્ષમતાના અભાવે જનતામાં નારાજગી વધી રહી છે.
પૂર્વ મ્યુનિસિપલ સભાસદના પરિવારને 6 લાખની સહાય
પૂર્વ મ્યુનિસિપલ સભાસદ સ્વ. અતુલભાઈ અમીનના પરિવારને 6 લાખ રૂપિયાની સહાય આપવા કમિશ્નરની ભલામણ પણ એજન્ડામાં છે. સહાય આપવી માનવીય દ્રષ્ટિકોણથી યોગ્ય છે, પરંતુ નાગરિકો પૂછે છે કે સામાન્ય નાગરિકોને આવી ઝડપી સહાય કેમ નથી મળતી? શું જનપ્રતિનિધિઓના કેસને પ્રાથમિકતા આપીને બાકી અરજદારોને અવગણવામાં આવે છે? આ પ્રશ્નોએ મહાનગરપાલિકાની ન્યાયસંગતતા પર શંકાની છાયા પાથરી છે.
આ સમગ્ર એજન્ડા દર્શાવે છે કે VMCમાં જૂના મુદ્દાઓને વિલંબથી ઉઠાવીને, માત્ર મંજૂરી આપવાની પરંપરા બની ગઈ છે. જનતાના ટેક્સના પૈસાનો ઉપયોગ કેવી રીતે થાય છે તે અંગે પારદર્શિતા ઘટી રહી છે. નાગરિકોને માત્ર બેઠકની તારીખો અને મંજૂર થયેલી રકમો વિશે ખબર પડે છે, પરંતુ નિર્ણય પ્રક્રિયા, વિલંબના કારણો અને જવાબદારો વિશે ખુલાસો નથી થતો.
વડોદરા મહાનગરપાલિકા પર પહેલેથી જ ધીમા પ્રશાસન, અસ્પષ્ટ નાણાકીય વ્યવહાર અને જનતાની ફરિયાદોને અવગણવાનો આક્ષેપ લાગતો રહ્યો છે. આવી એજન્ડાઓ અને તેની અંદરની જૂની ફાઈલો, વિલંબિત સહાય, અને પ્રાથમિકતા વિષેના ભેદભાવના પ્રશ્નોએ, શહેરના લોકોમાં વિશ્વાસનો અભાવ વધારી દીધો છે.
Reporter: admin







