વડોદરા કોંગ્રેસ અને કલહ જાણે કે એકબીજા ના પર્યાય બની ગયા છે કારણ કે ડગલે અને પગલે એકાદ નવો વિવાદ કોંગ્રેસની આતુરતાથી જાણે કે રાહ જોતો હોય છે. લોકસભામાં ઉમેદવાર મળતા ન હતા. જસપાલસિહ પઢિયારે ઉમેદવાર બનવાની વીરતા બતાવી છે ત્યારે પક્ષના નેતાઓનો રાશિમેળ થતો નથી. લડાઇ ખૂબ અઘરી છે ત્યારે સેનાપતિઓ પોતપોતાની ગમતી રાગ રાગિણી છેડી રહ્યાં છે ત્યારે પક્ષ અને ઉમેદવારની હાલત કફોડી થાય છે.હવે અકોટા વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનની પત્રિકામાં મનપા વિપક્ષના નેતા અમીબેન રાવતનું નામ ભુલાઈ જતાં વિવાદનો વધુ એક મધપૂડો છંછેડાયો છે.કોંગ્રેસ પક્ષના પીઢ નેતા નરેન્દ્ર રાવતે આ ભૂલ અંગે બળાપો વ્યક્ત કર્યો છે. અકોટા વિધાનસભાથી શહેર કોંગ્રેસ અધ્યક્ષ ઋત્વિજ જોશી ચુંટણી લડ્યા હતા. એના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનમાં ઝુઝારુ નેતા અમી રાવત ભૂલાય એ વિચારવા જેવી બાબત છે. આ ભૂલ કોણે કરી? એના કરતાં આટલી મોટી ભૂલ ધ્યાન બહાર કેવી રીતે ગઈ? આ ભૂલ છે કે ઈરાદાપૂર્વકનું કામ છે? એવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યાં છે.કોંગ્રેસની ખાસિયત બની ગઈ છે કે, ખરાખરીના જંગમાં જ એની સેના વેરવિખેર થઈ જાય છે. પછી જીત તો શું સન્માનજનક હાર પણ અસંભવ બની જાય છે.
Reporter: News Plus