પાલિકાની વડી કચેરીની પાછળના ભાગે આવેલ ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં ગંદકીના સામ્રાજ્યથી વેપારી સહિત સ્થાનિકો પરેશાન
ચોમાસાની સિઝન દરમિયાન શહેરમાં એક તરફ ઝાડા ઉલટી અને કોલેરાના દર્દીઓનો રાફડો ફાટ્યો છે તો બીજી તરફ પાલિકાની સફાઈ કામગીરી પર અનેક સવાલો ઊભા થાય તેવી તસવીરો સામે આવી છે . પાલિકા ની વડી કચેરીની બિલકુલ પાછળના ભાગે આવેલ ખંડેરાવ માર્કેટ પાસે મોટા પ્રમાણમાં રહેલી ગંદકીને કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળી તેવી સંભાવના પ્રવર્તી રહી છે. પાલિકા દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં સાફ-સફાઈની કામગીરી કરવામાં આવે છે તેવા દાવા ખોટા પડ્યા છે.
પાલિકા દ્વારા અનેક સફાઈ સેવકોને નોકરી પર રાખીને તેમને ઊંચા પગાર ચુકવવામાં આવે છે તેમ છતાં શહેરના વિસ્તારોમાંથી ગંદકી દૂર કરવાની કામગીરીમાં પાલિકાનું વહીવટી તંત્ર પાંગળું સાબિત થયું છે. એક તરફ પાણી જન્ય રોગચાળાને કારણે શહેરના નાગરિકો પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફ ખંડેરાવ માર્કેટ વિસ્તારના વેપારીઓ અને રહીશોને ગંદકીના કારણે ભારે હાલકી ભોગવવાનો વારો આવ્યો છે. પાલિકાની વડી કચેરીની બીલુકુલ પાછળના ભાગે આ પ્રકારની સમસ્યા સર્જાય ત્યારે શહેરમાં પરા વિસ્તારમાં રહેતા લોકોને ગંદકીને લઈને કેટલી સમસ્યાનો સામનો કરવો પડતો હશે એ બાબત વિચાર માંગી લે છે.પાલિકા દ્વારા તેમના નાક નીચે એટલે કે કચેરીના પાછળના ભાગે રહેલી ગંદકીને તાત્કાલિક દૂર કરવામાં આવે એવું વેપારીઓ ઇચ્છી રહ્યા છે.
Reporter: admin