News Portal...

Breaking News :

સાંસદ અને પાંચ ધારાસભ્યો..તમને મેયરે આમંત્રણ કાર્ડમાં નામ લખવામાં પણ ગણ્યા નથી

2025-08-15 10:41:37
સાંસદ અને પાંચ ધારાસભ્યો..તમને મેયરે આમંત્રણ કાર્ડમાં નામ લખવામાં પણ ગણ્યા નથી


સયાજીબાગના બોન્સાઇ પાર્કમાં પૂર્વ ઝોનના લોકાર્પણ કાર્યક્રમના આમંત્રણમાં એક પણ ધારાસભ્ય કે સાંસદનું નામ જ નહી.
મેયર-ચેરમેનની મનમાની રોકવાની જવાબદારી શહેર પ્રમુખની છે.જો લગામ કસાઈ નહીં તો આ ચૂંટણીમાં ધબડકો નક્કી છે.

નિમંત્રક તરીકે કમિશનરને મૂકીને મેયર ચાલ રમી રહ્યા છે.



સામી ચૂંટણીએ પણ શહેર પ્રમુખ આકરા નિર્ણય લઈ શકતા નથી. પ્રદેશ સંગઠનનાં ડેટા બેંકમાં આ બધી બાબતોની નોંધ લેવાઈ રહી છે...
આજે 15મી ઓગષ્ટે  શુક્રવારે સવારે 10 વાગે સયાજીબાગના બોન્સાઇ પાર્કમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા 35.43 કરોડના ખર્ચે પૂર્વ ઝોન વિસ્તારમાં ઘન કચરાના ડોર ટુ ડોર કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશનના વાહનોનો ફ્લેગ ઓફ તથા 4.41 લાખના ખર્ચે ખરીદેલ ક્લોથ બેગ વેન્ડીગ મશીન્સનો શુભારંભ મેયર પિંકી સોનીના વરદ હસ્તે યોજાવાનો છે. જો કે નવાઇની વાત એ છે કે આ માટે કોર્પોરેશનના નિમંત્રણ કાર્ડમાં શહેરના 5 ધારાસભ્યો કે સાંસદને આમંત્રણ સુદ્ધાં અપાયું નથી. આમંત્રણ તો ઠીક છે પણ આમંત્રણ પત્રીકામાં આ ધારાસભ્યોના નામ કે સાંસદનાં નામ સુદ્ધા છાપવામાં આવ્યા નથી. ભલે બીજા ધારાસભ્યોને બાકાત રાખ્યા પણ આ પૂર્વ ઝોનનો કાર્યક્રમ છે તો કમસમેકમ શહેર વાડી વિધાનસભાના ધારાસભ્ય ને તો આમંત્રણ આપવું હતું કે નિમંત્રણ કાર્ડમાં તેમનું તો નામ લખવું હતું. પણ મેયર પિંકી સોની હવે સમજી ગયા છે કે કોર્પોરેશનની ચૂંટણી હવે નજીક છે અને સાડા ચાર વર્ષ તેમણે કોર્પોરેટર તરીકે અને અઢી વર્ષ મેયર તરીકે તેમણે કંઇ ઉકાળ્યું નથી એટલે લોકોની વાહવાહી લૂંટવા માટે આ આખો કાર્યક્રમ તેમણે પોતાના નામે જ કરી દીધો છે. અતિથી વિશેષમાં ડે.મેયર, સ્થાયી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકના નામનો ઉલ્લેખ કરાયો છે પણ 5 ધારાસભ્યો અને સાંસદનું નામ સુદ્ધાં કાર્ડમાં લખેલું નથી. શહેરના 5 ધારાસભ્યો અને સાંસદે પણ સમજી લેવું જોઇએ કે શહેરમાં તેમનું કેટલું ઉપજે છે, સાંસદ ફાંકા ફોજદારી કરતા રહે છે પણ શહેરમાં જ તેમનું કંઇ ઉપજતું નથી અને 5 ધારાસભ્યોએ પણ સમજી લેવું જોઇએ કે તમને હવે કોર્પોરેશનવાળા તમારા નેતાઓ અને શાસકો પણ ગાંઠતા નથી અને તમારી બાદબાકી કરી રહ્યા છે. એક સમય એવો આવશે કે કોર્પોરેશનના કોઇ પણ કાર્યક્રમમાં ધારાસભ્યો કે સાંસદને કોઇ બોલાવશે પણ નહી. સાંસદે અને ધારાસભ્યોએ આ ઘટનાને ગંભીરતાથી લેવી જોઇએ કે મેયર પિંકી સોનીએ તેમને આમંત્રણ કેમ આપ્યું નથી અને આમંત્રણ કાર્ડમાં તેમના નામ કેમ નથી. આ ભાજપની જુથબંધી થઇ થઇ છે. શહેર પ્રમુખ પણ આ મામલે ઉંઘતા જ ઝડપાયા છે અથવા તો તેમણે આખી ઘટનાને નજર અંદાજ કરી છે. જે હોય તે પણ આ ભાજપની ભાંજગડ હવે ખુલીને જનતા સમક્ષ આવી ગઇ છે. કોર્પોરેશનની ચૂંટણી પહેલા હવે મેયરે મોરચો ખોલી દીધો હોય તેમ લાગી રહ્યું છે. હવે કોઇ ધારાસભ્ય કે સાંસદને ગાંઠશે નહી. મેયર આમ પણ ઘમંડી છે અને તે પોતાની રીતે જ કામ કરવામાં માને છે. તેમણે તો અત્યાર સુધી કંઇ ઉકાળ્યું નથી એટલે હવે ચૂંટણીને આડે હવે જે સમય બાકી રહ્યો છે તેમાં વિકાસના કામોના નામે જે પણ કાર્યક્રમો કરવાના છે તેમાં તે જ આગળ રહીને કરશે. 



મેયર ઇચ્છા હોત તો આમંત્રણ કાર્ડ કેન્સલ કરાવવાની સુચના આપી શક્યા હોત
આ આમંત્રણ કાર્ડમાં નિમંત્રક મ્યુનિ.કમિશનર છે. પણ જ્યારે આ કાર્ડ મેયર, ડે મેયર કે ચેરમેન કે નેતા અને દંડકના હાથમાં આવ્યું હશે ત્યારે તેમણે કેમ વિરોધ ના કર્યો કે આમા સાંસદ અને ધારાસભ્યોના કેમ નામ નથી? આમંત્રણ કાર્ડ કેન્સલ કરો અને બીજા છપાવો . જો તેમણે આવી સુચના આપી હોત તો કોર્પોરેશનનું તંત્ર ચોક્કસ સાંસદ અને ધારાસભ્યોના નામ સાથે આમંત્રણ કાર્ડ છાપીને વિતરણ કરત પણ એ થયું નથી. એનો મતલબ એ છે કે સાંસદ અને ધારાસભ્યોને મેયર ગાંઠતા નથી.

તિરંગા યાત્રાના આમંત્રણ કાર્ડમાં સાંસદ અને ધારાસભ્યોના નામ લખાયેલા છે 
મહત્વની વાત એ છે કે બે દિવસ પહેલાં જ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ હતી. આ તિરંગા યાત્રાનું કોર્પોરેશનનું આમંત્રણ કાર્ડ તમે જુઓ તો ખ્યાલ આવશે કે તેમાં મુખ્ય અતિથી તરીકે મેયર પિંકી સોની અને સાંસદ હેમાંગ જોશી છે જ્યારે અતિથી વિશેષમાં ધારાસભ્યો યોગેશ પટેલ, મનિષા વકીલ કેયુર રોકડીયા, ચૈતન્ય દેસાઇના નામ છે. ધારાસભ્ય બાળુ શુક્લાનું નામ તો ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે લખાયેલું હતું. કાર્યક્રમના નિમંત્રક મ્યુનિ કમિશનર અને પોલીસ કમિશનર હતા. જો આ કાર્યક્રમમાં આટલા આદરભાવ સાથે પાંચ ધારાસભ્યો અને સાંસદનું નામ આમંત્રણ કાર્ડમાં લખાયું હતું તો પછી પૂર્વ ઝોનના 15મી ઓગષ્ટે યોજાનારા કાર્યક્રમમાં ધારાસભ્યો અને સાંસદ અચાનક કેમ અળખામણા બની ગયા તે મોટો સવાલ છે. શહેર પ્રમુખે આની તપાસ કરવી જોઇએ કારણ કે આ ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદનું અપમાન મેયર દ્વારા કરાયું છે.

Reporter:

Related Post