વડોદરા ઉપરાંત ભરુચ, સુરત, દાહોદ, ગોધરા જેવા નજીકના શહેરોમાંથી પણ લોકો અહીંથી કરે છે ખરીદી, ૧૫ દિવસમાં આશરે દોઢ લાખ રૂપિયાનો વેપાર

વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલ ખાદી ગ્રામોદ્યોગ ભંડારમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિતે રાષ્ટ્રધ્વજ અને તેને લગતી અન્ય વસ્તુઓની ખરીદી માટે લોકોનો ધસારો વધ્યો છે. ઓગસ્ટ મહિનાના પહેલા પંદર દિવસમાં આશરે દોઢ લાખ રૂપિયાનો વેપાર થતા સ્ટોર માટે ખૂબ જ ફાયદો થયો છે. દર વર્ષે ૧૫મી ઓગસ્ટે ખાદીનું મહત્ત્વ સ્વાતંત્ર્ય સેનાનીઓના પ્રયાસોના સન્માન તરીકે ઉજવવામાં આવે છે. સ્વતંત્રતા દિવસે ખાદી પહેરવાની પરંપરા ઘણા ભારતીયો માટે આઝાદી તરફ દોરી ગયેલા સિદ્ધાંતો પ્રત્યે સતત સમર્પણ દર્શાવે છે. રાવપુરા સ્થિત સ્ટોર લોકોને આ જ સંદેશ આપી રહ્યો છે અને તેમને અસલી ખાદી ઉત્પાદનો પૂરા પાડી રહ્યો છે. વડોદરા ડિસ્ટ્રિક્ટ ખાદી ગ્રામોદ્યોગના મેનેજર રાકેશ પટેલે જણાવ્યું કે, "'હર ઘર તિરંગા' અભિયાન અને ૧૫મી ઓગસ્ટ એક સાથે આવતા હોવાથી લોકોની ભીડને પહોંચી વળવા અમે પૂરતી વ્યવસ્થા કરી છે.

વડોદરા ઉપરાંત ભરુચ, સુરત, દાહોદ, ગોધરા જેવા નજીકના શહેરોમાંથી પણ લોકો અહીં અસલી ખાદી અને રાષ્ટ્રધ્વજ ખરીદવા આવે છે.વધુમાં ઉમેરતાં રાકેશ પટેલે જણાવ્યું કે, અમે ગ્રાહકોની માગ પ્રમાણે રાષ્ટ્રધ્વજ વિવિધ સાઈઝમાં ઉપલબ્ધ કરાવીએ છીએ અને તિરંગા બેજ, સુતરાઉ દોરી, ફ્લેગ બટન જેવી અન્ય આનુષંગિક વસ્તુઓનો પણ સ્ટોક રાખીએ છીએ. સ્વતંત્રતા દિવસ દરમિયાન ધ્વજના વેચાણથી દોઢ લાખ રૂપિયાનો વેપાર થયો છે.”સાંપ્રત સમયમાં ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ કાપડ તરીકે ખાદીમાં ફરી રસ વધ્યો છે. આબોહવા પરિવર્તન અને પર્યાવરણીય અધોગતિ અંગેની ચિંતાઓ વધતા, ખાદી એક જવાબદાર વિકલ્પ તરીકે ઓળખ મેળવી રહ્યું છે. આ પ્રાચીન કલા સાચવી શકાય અને નવી પેઢી દ્વારા તેની કદર થાય તે માટે સરકારે વિવિધ પહેલ દ્વારા ખાદી ઉત્પાદનોને પ્રોત્સાહન આપ્યું છે. ખાદી ભારતીય ઓળખ અને સ્વતંત્રતાનું એક મહત્ત્વનું પ્રતીક બની રહ્યું છે. ભારત ૧૫મી ઓગસ્ટે તેની સ્વતંત્રતાની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે આ ઉજવણીમાં ખાદીનો સમાવેશ ભૂતકાળને સન્માનિત કરવાની સાથે રાષ્ટ્રના કાપડ વારસાના ભવિષ્યને પણ મજબૂત બનાવે છે.



Reporter:







