શહેરમાં રખડતાં ઢોરો મૂકનાર પશુપાલકો સામે પાલિકા લાચાર

પાલિકાના ઢોર શાખા પાસે પૂરતા કર્મચારીઓ અને સુરક્ષાનો અભાવ જવાબદાર
શહેરમાં ઠેરઠેર રખડતાં ઢોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. પાલિકા તંત્ર રખડતા પશુપાલકો સામે લાચાર અને નિષ્ક્રિય જોવા મળી રહી છે. શહેરના વારસિયા વિસ્તારમાં ગુરુવારે રખડતાં પશુ પકડવા માટે પાલિકાની ઢોર શાખાના કર્મીઓ ગયા હતા તે દરમિયાન રખડતા પશુને પકડવાના દોરડામા કર્મચારીનો પગ ફસાતા રખડતાં પશુએ વારસિયા લાલ અખાડાથી ફતેપુરા ચારરસ્તા સુધી રોડ પર ધસેડતા કર્મચારી ઇજાગ્રસ્ત થયો હતો જેને સારવાર અર્થે એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ ઠેરઠેર જોવા મળી રહ્યો છે. પાલિકા દ્વારા કેટલ પોલીસીનો તટસ્થતાથી અમલ ન કરતાં શહેરના તરસાલી, આજવારોડ, વાઘોડિયારોડ, વારસિયા, ગધેડા માર્કેટ ચારરસ્તા, હરણી,સમા સહિત ના વિસ્તારમાં રખડતાં પશુઓનો આતંક જોવા મળી રહ્યો છે. ભૂતકાળમાં ઘણા લોકો રખડતાં પશુઓને કારણે મોતને ભેટ્યા છે તો કેટલાક કાયમી ખોડખાંપણ નો શિકાર બનતા આજે તેઓના પરિવારની સ્થિતિ દયનીય બની છે. બીજી તરફ શહેરમાં પશુપાલકો ની દાદાગીરી સામે પાલિકાની લાચારી જોવા મળી રહી છે. પાલિકાના ઢોર શાખા પાસે પૂરતા કર્મચારીઓ અને તેઓની યોગ્ય સુરક્ષનો અભાવ જોવા મળે છે જેના કારણે અવારનવાર ઢોર શાખાના કર્મીઓ જ્યારે પણ રખડતાં પશુઓને પકડવા જાય ત્યારે માથાભારે પશુપાલકો એકજૂટ ટોળામાં આવી કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી પોતાના પશુઓને છોડાવી જતાં હોય છે.

પાલિકા દ્વારા ઢોરપાર્ટી સાથે એકાદ બે પોલીસ કર્મીઓનો જ બંદોબસ્ત હોય છે જ્યારે સામે ટોળામાં આવી પશુપાલકો ઢોર શાખાના કર્મીઓ ને માર મારી, ધમકી આપી પોતાના રખડતાં પશુઓને દાદાગીરી કરીને છોડાવી જતાં હોય છે. ગુરુવારે શહેરના વારસિયા વિસ્તારમાં રખડતાં પશુઓને પકડવા માટે પાલિકાની ઢોર શાખાના કર્મચારીઓ નિકળ્યા હતા તે દરમિયાન એક બગીખાનામા રહેતો એક કર્મચારી મહેશ ધવલભાઇ પટેલના પગમાં રખડતાં પશુનું દોરડું અચાનક ફસાઈ જતાં રખડતાં પશુએ કર્મચારીને વારસિયા લાલ અખાડાથી ફતેપુરા ચારરસ્તા સુધી રોડ પર જોખમી રીતે ખસેડતાં કર્મચારીને પીઠના ભાગે ઇજાઓ પહોંચી હતી અને કપડાં પણ ફાટી ગયા હતા જો કે કર્મીએ પોતાનું માથું ઉચું રાખતા મોટી હોનારત થતાં બચી હતી. ઇજાગ્રસ્ત કર્મીને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને સારવાર આપવામાં આવી રહી છે અને તે જોખમથી બહાર હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં પશુપાલકો જ્યારે પણ ઢોર શાખાના કર્મીઓ રખડતાં પશુઓને પકડવા માટે નિકળે છે ત્યારે મોટરસાયકલ પર લાકડીઓ અને દોરડાં લઇ ટોળાં રચીને ચિચિયારીઓ પાડતાં આડેધડ પોતાના વાહનો પશુઓ પાછળ દોડાવતા હોય છે જે રોડ રસ્તાઓ પર ભયનું અને જોખમ ભર્યું વાતાવરણ ઉભું કરે છે. તેઓ એ રીતે પશુ દોડાવે છે અને પાછળ પાછળ પોતાના વાહનો જે બીજા માટે જોખમી સ્થિતિ ઉભી કરે છે પરંતુ તેમ છતાં પોલીસ કે સ્થાનિક પ્રસાશન દ્વારા તટસ્થ કામગીરી કરવામાં આવતી નથી.


Reporter: admin







