News Portal...

Breaking News :

સંકલ્પથી સિદ્ધિ સુધીની સફર: વડોદરા પાલિકા દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત અનેક કાર્યક્રમોની ભવ્ય શ્રેણી શરૂ

2025-10-10 12:08:09
સંકલ્પથી સિદ્ધિ સુધીની સફર: વડોદરા પાલિકા દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત અનેક કાર્યક્રમોની ભવ્ય શ્રેણી શરૂ


નરેન્દ્ર મોદીના 24 વર્ષના અવિરત સુશાસન નિમિત્તે રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી — શહેરમાં સ્વદેશી મેળા થી લઈને યુવા સાંસ્કૃતિક કાર્યક્રમો સુધીનું આયોજન



પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાસનની ધુરા સંભાળ્યાના 24 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી શરૂ થઈ છે. વડોદરા મહાનગરપાલિકા પણ આ સપ્તાહને લોકભાગીદારીથી ઉજવવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહી છે.
તા. ૭મી ઑક્ટોબર, ૨૦૦૧ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાસન સંભાળ્યું હતું. આજે, ૭મી ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ તેમની ૨૪ વર્ષની અવિરત અને લોકકેન્દ્રિત શાસનયાત્રા પૂર્ણ થઈ છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગુજરાત સરકારે પ્રધાનમંત્રી મોદીના યોગદાનનો ઋણ-સ્વીકાર કર્યો હતો. આ પ્રસંગે નક્કી કરાયું કે દર વર્ષે ૭ થી ૧૫ ઑક્ટોબર સુધીનો સપ્તાહ “વિકાસ સપ્તાહ” તરીકે ઉજવવામાં આવશે, જેમાં ગુજરાતના સર્વાંગી વિકાસ અને સુશાસનનો સંદેશ જનજન સુધી પહોંચાડવામાં આવશે.વિકાસ સપ્તાહ અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તા. ૧૦ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ સાંજે ૪:૦૦ કલાકે વડોદરા મહાનગરપાલિકા અને ઇન્ટેક્સ-સીના સંયુક્ત ઉપક્રમે ભીમનાથ બ્રિજ, જેલ રોડ ખાતે “સ્વદેશી મેળા”નો ભવ્ય શુભારંભ થવાનો છે. “હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી” અભિયાન હેઠળ યોજાયેલા આ મેળામાં ૧૦૦થી વધુ સ્ટોલ્સમાં સ્થાનિક કારીગરો, વેપારીઓ અને સ્વ-સહાય જૂથો પોતાની વસ્તુઓ પ્રદર્શિત કરશે.


મેળો તા. ૧૮ ઑક્ટોબર સુધી ચાલુ રહેશે, જેમાં માટીકામ, હસ્તકલા, હેન્ડલૂમ વસ્તુઓ, ભરતકામ, સ્થાનિક ફૂડ સ્ટોલ્સ અને પેઇન્ટિંગ્સ જેવી ચીજવસ્તુઓ ઉપલબ્ધ રહેશે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ “આત્મનિર્ભર ભારત” અને “વોકલ ફોર લોકલ”ની વિચારધારાને પ્રોત્સાહન આપવાનો છે.યુવા પેઢીને સંસ્કૃતિ સાથે જોડવા માટે તા. ૧૨ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ અકોટા સ્ટેડિયમ ખાતે સાંજે ૭થી રાત્રે ૧૦ વાગ્યા સુધી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ કલાકાર હરીઓમ ગઢવી અને પૂર્વા મંત્રી દ્વારા લોકગીતો અને સંગીતમય કાર્યક્રમો રજૂ થશે.તા. ૧૩ ઑક્ટોબરે સર સયાજીરાવ નગરગૃહ ખાતે વડોદરા મહાનગરપાલિકાની વિવિધ સિદ્ધિઓની ઝાંખી સાથે લગભગ ૧૭ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ થશે. આ પ્રસંગે PM-સ્વનિધિ, આયુષ્માન કાર્ડ અને આભા કાર્ડનું વિતરણ પણ કરાશે. સાથે સાથે પોષણયુક્ત ગુજરાતના સંકલ્પ અંતર્ગત વિવિધ આંગણવાડીઓની મુલાકાતો યોજાશે.તા. ૧૪ ઑક્ટોબરે કમાટીબાગ ખાતે વૉકેથોનનું આયોજન કરાયું છે. પર્યાવરણીય સંરક્ષણ અને રીસાયકલિંગને પ્રોત્સાહન આપવા માટે RRR (Reduce, Reuse, Recycle) સેન્ટર ખાતે પબ્લિક આર્ટ ઇન્સ્ટોલેશન કરવામાં આવશે. શાળાઓ અને કોલેજોમાં “વિકસિત ગુજરાત @2047” અને “વિકસિત ભારત @2047” થીમ હેઠળ પોસ્ટર તથા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

વૃક્ષારોપણ, સફાઈ મિત્રોને સલામતી ડ્રાઇવ અને કિટ વિતરણ, મેડિકલ ચેકઅપ કેમ્પ,શેરી નાટકો તથા ગાર્બેજ વલ્નરેબલ પોઇન્ટ દૂર કરવાની ઝુંબેશ
શહેરના વિવિધ જાહેર સ્થળો પર રીસાયકલ વસ્તુઓથી બનેલી કલા સ્થાપત્યો, દિવાલ ચિત્રો, અને સર્કલ ડેકોરેશન દ્વારા લોકભાગીદારીનું પ્રતિક રજૂ થશે. વૃક્ષારોપણ, સફાઈ મિત્રોને સલામતી ડ્રાઇવ અને કિટ વિતરણ, મેડિકલ ચેકઅપ કેમ્પ, શેરી નાટકો તથા ગાર્બેજ વલ્નરેબલ પોઇન્ટ દૂર કરવાની ઝુંબેશ જેવા અનેક કાર્યક્રમો પણ આ સપ્તાહ દરમિયાન યોજાશે.વડોદરા મહાનગરપાલિકાનો આ પ્રયાસ સંકલ્પથી સિદ્ધિ સુધીની પ્રેરણાદાયી સફરને નાગરિકોની ભાગીદારીથી ઉજવવાનો છે.જે વડોદરાને વધુ સ્વચ્છ, હરિયાળું અને આત્મનિર્ભર બનાવશે.
– શીતલ મિસ્ત્રી ,ચેરમેન

Reporter: admin

Related Post