અછોડા લૂંટવા માટે મહારાષ્ટ્રથી મોટરસાયકલ ઉપર ગુજરાતના વિવિધ શહેરોમાં આવતી ગેંગના મુખ્ય સાગરીતને વડોદરા પોલીસે ઝડપી પાડ્યો છે.
વડોદરાના વીઆઈપી રોડ વિસ્તારમાં ગઈ તા.15મીએ વહેલી સવારે 75 વર્ષીય સ્કૂટર સવાર દૂધ લઇ પરત ફરતા હતા ત્યારે મોટરસાયકલ ઉપર આવેલા બે યુવકોએ તેમને આંતર્યા હતા. આ પૈકી એક લૂંટારાએ કહ્યું હતું કે આગળ પોલીસ ચેકિંગ ચાલે છે, અછોડો કાઢીને ખિસ્સામાં મૂકી દો. જેથી વૃદ્ધે બે તોલાનો અછોડો કાઢીને મુકવા જતા બીજા લૂંટારુંએ અછોડો લોટી લીધો હતો અને બંને બાઈક પર અમિત નગર સર્કલ તરફ ફરાર થઈ ગયા હતા.
આ બનાવમાં સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેન્સના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા બંને અછોડા તોડ ઓળખાયા હતા. જેથી પોલીસે વોચ રાખી આજવારોડ બ્રિજ પાસેથી પસાર થતા નૂર અબ્બાસ શાહજોર સૈયદ (મંગલ નગર વસાહત, આંબિવલી, કલ્યાણ, થાણે, મહારાષ્ટ્ર) ને ઝડપી પાડી ચેન અને બે મોબાઈલ કબજે કર્યા હતા. પોલીસની તપાસમાં નૂર અબ્બાસ તેના સાગરીત જાફર ઈરાની સાથે બાઈક ઉપર મહારાષ્ટ્રથી ગુજરાતના શહેરોમાં આવી અછોડા લૂંટતો હોવાની વિગતો ખુલી હતી. જેથી ફરાર થયેલા જાફરની તપાસ હાથ ધરાઈ છે. નૂર અબાસે વીઆઈપી રોડ પર અછેડો લુંટયાની કબુલાત કરી હતી.જ્યારે અમદાવાદમાં પણ અછોડા તોડવાના અને લૂંટના છ બનાવોમાં તેમની સંડોવણી ખુલી હતી તેવી માહિતી પોલીસને મળી છે.
Reporter: admin