આ મંદિરને બગદાણા વાળા બજરંગદાસ બાપાએ યાત્રાળુઓ અને અભ્યાગતોની સેવા માટે જાતે ખરીદીને જમીન આપી હતી.

ભાવનગર જિલ્લામાં તળાજા થી લગભગ પાંચેક કિલોમીટર છેટે,તળાજા - બગદાણા રોડ પર નવી કામલોલ ગામે એક એકર જમીનમાં,નદીને કાંઠે બીલી અને લીમડા સહિતના વૃક્ષોની સઘન વનરાજી વચ્ચે કામનાથ દાદા બિરાજમાન છે.સનાતન અને શિવ ભક્તોમાં કામનાથ દાદાનો ભારે મહિમા છે.મહાશિવરાત્રી પર્વે કામનાથ દાદાની રસપ્રદ પ્રાગટય કથા જાણવા જેવી છે.પુરાતત્વ વિભાગના નિષ્ણાતોના મત પ્રમાણે આ શિવલિંગ અંદાજે 400 વર્ષ પુરાણું પ્રાચીન શિવલિંગ છે.મંદિરને અડીને ક્યારેક કમળાઈ અને હવે તળાજીના નામે ઓળખાતી નદીના એક ઊંડા ધરામાં થી આ શિવલિંગ મળ્યું હતું.આજે એ ધરો મહાદેવીયા ધરા તરીકે ઓળખાય છે. લગભગ દોઢસો વર્ષ પહેલાં પ્રાચીન મંદિરના મૂળ ગર્ભ ગૃહને જાળવીને આ શિવાલયનો જીર્ણોદ્ધાર થયો હતો. આજે ગુજરાતના ગામે ગામ જેઓ બાપા સીતારામના વહાલા નામે ભાવિકોના આરાધ્ય બની ગયા છે એવા પરમ સમર્થ બજરંગદાસ બાપાને આ જગ્યા અને મહાદેવ દાદા પ્રત્યે ખૂબ ભાવ અને આસ્થા હતી.તેમણે ગામના ખેડૂત પાસેથી જમીન ખરીદીને કામનાથ મહાદેવ દાદાને સમર્પિત કરી હતી.તળાજા થી બગદાણા જતા ભક્તો આ સ્થળે વિસામો કરે,અને સંતો,ભક્તો,અભ્યાગતોની અહીં સેવા થાય એવો એમનો ભાવ હતો.આજે પણ વારસાઈ ટ્રસ્ટના સંચાલકો દ્વારા બાપાની પ્રેરણા થી શરૂ થયેલી આ સેવા પરંપરા જાળવી રાખવામાં આવી છે. નદીમાંથી શિવલિંગની સાથે પોઠિયાની ખંડિત પ્રતિમા,ભૈરવજી સહિત વિવિધ પ્રતિમાઓ, અને પથ્થરની સિંહ પ્રતિમા મળી હતી. જે સંકેત આપે છે કે સદીઓ પહેલા અહીં શિવજી અને માતા શક્તિનું ભવ્ય દેવાલય હોવું જોઈએ.અહીં થી પુરાતત્વ ખાતાએ કેટલાક અવશેષો લીધા હતા.બાકીના આજે પણ યાદગીરી રૂપે જાળવી રાખવામાં આવ્યા છે.બીલીના 15 થી વધુ વૃક્ષોની વનરાજી બિલ્વ વન વચ્ચે શિવાલયની આસ્થા વધારે છે.

આ જગ્યા મહા શિવરાત્રીની કથાની યાદ અપાવે છે અને સાક્ષાત શિવધામની અનુભૂતિ આ પાવન જગ્યાએ થાય છે.હાલમાં પરિવાર પરંપરા અનુસરીને મહંત હરદેવગિરી દોલતગીરી આ જગ્યાએ સેવા પૂજા ,દેખરેખ અને સંચાલન કરે છે.આખું વર્ષ વિવિધ શિવ પર્વો અને ઉત્સવોની ધૂમધામ થી ઉજવણી આ જગ્યાને જીવંત અને ઉર્જાવાન રાખે છે.રસપ્રદ વાત એ છે કે મહંત હરદેવગીરી પૂર્વ જીવનમાં એક સફળ પત્રકાર રહ્યા હતા. તેમણે પ્રતિષ્ઠિત ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના લોકસત્તા - જનસત્તામાં બે થી વધુ દાયકા સુધી કલમકર્મ કર્યું.જ્યારે એ અખબારને સમભાવ જૂથે હસ્તગત કર્યું તે પછી એમણે વડોદરા આવૃત્તિના નિવાસી તંત્રીની જવાબદારી અદા કરી.તે પછી પત્રકારીતા છોડીને એમણે શિવ સેવા સ્વીકારીને ગોસ્વામી પરિવારની વારસાઈ પરંપરા દીપાવી છે.મહા શિવરાત્રીના પર્વે આ શિવાલયમાં ચાર પ્રહરની પૂજા, રુદ્રાભિષેક,લઘુ રુદ્રની ભક્તિ સરવાણી વહે છે જેનો ભાવિકો વ્યાપક લાભ લઈને શિવમય બને છે. સ્થળ ના અપરંપાર મહિમાની જાણકારી આપતાં હરદેવગિરી જણાવે છે કે બગદાણા થી 14 કીમી અને તલાજાથી 5 કીમી દુર આ સ્થાન છે. પૂજય બજરંગદાસ બાપા અહીં અવાર નવાર આવતા. અહી સાધુ સંતો માટે જમવાની રહેવાની વ્યવસ્થા છે. બાપા સીતારામ એટલેકે બગદાણાનાં બજરંગદાસ બાપુ એ અમોને 20 વીઘા જમીન ખરીદીને ભેટ આપી હતી. આ મંદિરનું શિવલિંગ સ્વયંભૂ છે. 400 વર્ષ પૌરાણિક છે. વર્તમાન મંદિર 145 વર્ષ જૂનું છે. બીજીવાર જીર્ણોધાર કર્યે 14 વર્ષ થયા છે. મૂળ મંદિરની સ્થિતિમાં તોડફોડ કર્યા વગર જીર્ણોધાર કર્યો છે. હરદેવ ગીરીએ વડોદરામાં લાંબો નિવાસ કર્યો છે. એટલે વડોદરાના શિવ ભક્તોને આમંત્રણ આપતાં કહે છે કે ભાવનગર આવો તો આ કામનાથ ધામ અવશ્ય આવજો. રહેવા જમવાની વ્યવસ્થા છે. ગમે તેટલી વ્યક્તિ હશો કોઈ ચિંતા નથી,બધાનું સ્વાગત થશે. પરિવાર સાથે આવનાર માટે તો અલગ વ્યવસ્થા છે. અભિષેક પૂજા સહિત વિધિવત શિવ પૂજનનો લ્હાવો લેવા જેવો છે.ભાવનગર,તળાજા કે બગદાણા જાવ તો સમય કાઢીને નવી કામલોલના કામનાથ દાદાના દર્શનની તક ચૂકવા જેવી નથી...


Reporter: admin