હરણી બોટકાંડ બાદ બંધ પડેલી ટ્રેન થોડા સમય પહેલા જ શરુ કરાઈ હતી રાજકોટની ઘટનાના પગલે પુનઃ બંધ કરાઈ રાજકોટની ઘટના બાદ વડોદરા ખાતે કમાટી બાગમાં ચાલી રહેલી જોય ટ્રેન પુનઃ એકવાર બંધ કરી દેવામાં આવી છે
અગાઉ હરણી બોટકાંડ બાદ આ ટ્રેન કેટલાય મહિના સુધી બંધ હતી. જો કે વેકશન પહેલા તમામ ચકાસણી બાદ તેને પુનઃ શરુ કરવામાં આવી હતી પરંતુ રાજકોટની ઘટના બાદ પુનઃ એકવાર તેને બંધ કરવામાં આવી છે.વડોદરા વહીવટી તંત્રને પોતાની જ તપાસ ઉપર વિશ્વાસ ન હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે થોડા જ સમય પહેલા તમામ ચકાસણી બાદ કમાટીબાગ ખાતેની જોય ટ્રેન શરુ કરવામાં આવી હતી. અને હવે રાજકોટની ઘટના બાદ તેને બંધ કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. અંદાજે 3 મહિના સુધી જોય ટ્રેન બંધ રહી હતી પરંતુ વેકેશનના કારણે આ ટ્રેન પુનઃ શરુ કરવા માટેની માગ ઉઠતા પાલિકા દ્વારા તમામ પાસાઓ ચકાસવામાં આવ્યા હતા
ટેક્નિકલ અને મિકેનિકલ તમામ બાબતો ચકાસવામાં આવી હતી અને ત્યાર બાદ તેને શરુ કરવા લીલીઝંડી બતાવવામાં આવી હતી. હાલ સુધી આ ટ્રેન સુપેરે ચાલતી હતી પરંતુ રાજકોટની ઘટનાના પગલે પુનઃ આ ટ્રેન બંધ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. અને પુનઃ ચકાસણી કરવામાં આવશે ત્યાર બાદ શરુ કરાશે. ત્યારે સવાલ એ ઉભા થાય છે કે શું થોડા દિવસ પહેલા ચકાસણી કરાઈ હતી તેના ઉપર પાલિકાને પોતાને જ વિશ્વાસ નથી? કે પછી ગાડરિયા પ્રવાહમાં કામગીરી કરવામાં આવી રહી છે. હાલ તો જોય ટ્રેનના સંચાલકો પણ નવા હુકમની રાહ જોઈને બેઠા છે
Reporter: News Plus