વડોદરા : કોર્પોરેશન અને રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ વચ્ચે પાનમ યોજનાના કરાર અંતર્ગત ચાલી રહેલા વિવાદમાં સિંચાઈ વિભાગે કોર્પોરેશનને રૂ. 4658 કરોડની મસમોટી રકમ ચૂકવવા ફરી એક વખત નોટિસ ફટકારી છે અને આ રકમ તાત્કાલિક ભરપાઈ કરવાનો નિર્દેશ આપ્યો છે.
કોર્પોરેશન અને સિંચાઈ વિભાગ વચ્ચે વર્ષો અગાઉ પાનમ યોજના હેઠળ કરાર થયા હતા. જેમાં કોર્પોરેશન દર મહિને ચોક્કસ પાણીનો જથ્થો મહિસાગર નદીમાંથી મેળવી ફાજલપુર, રાયકા, ધોળકા અને પોઇચા ફ્રેન્ચવેલની મદદથી શહેરના વિવિધ વિસ્તારમાં પાણીનો જથ્થો પહોંચાડી શકે તે પ્રમાણેનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જે કરાર મુજબ પાલિકાની સમગ્ર સભાએ સૂચવેલા નાણાં દર મહિને પાલિકા દ્વારા રાજ્ય સરકારના સિંચાઈ વિભાગમાં જમા કરાવવામાં આવતા હતા.
પરંતુ ત્યારબાદ એકાએક રાજ્ય સરકારના સિંચાઇ વિભાગે વડોદરા કોર્પોરેશન સાથેનો આ કરાર, પાલિકાની કોઈપણ પ્રકારની રજૂઆત સાંભળ્યા વિના, એકાએક તોડી નાખ્યો હતો અને ત્યારબાદ કોર્પોરેશન પાનમ યોજના હેઠળ જે પાણી લે છે તે માટે વધારાના નાણાં ચૂકવવાના બીલો બજાવવાના શરૂ કર્યા હતા. કોર્પોરેશને સિંચાઈ વિભાગમાં રજૂઆત કરી હતી કે, રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ અને કોર્પોરેશન વચ્ચે પાનમ યોજના હેઠળ જે ભાગીદારી કરાર થયા છે તેમાં કોર્પોરેશનની કોઈપણ પ્રકારની રજૂઆતને ધ્યાને લીધા વિના કરાર રદ કરી દેવામાં આવ્યા છે, જેથી કોર્પોરેશને રાજ્ય સરકારમાં પોતાના તરફથી રજૂઆત સાંભળવામાં આવે અને ત્યારબાદ પાનમ યોજનાના કરાર રદ કરવામાં આવે તેવી દલીલ કરી હતી. આ સાથે જ્યાં સુધી વિવાદનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી કોર્પોરેશન નિયત કરેલા નાણાં દર મહિને રાજ્ય સરકારના સિંચાઈ વિભાગમાં જમા કરાવશે પરંતુ સિંચાઈ વિભાગે જે કરાર રદ કર્યા એના કારણે કોર્પોરેશનને મસમોટી બાકી રકમના નાણા માટેનું રિમાઇન્ડર આપવામાં આવ્યું છે.
Reporter: admin







