વડોદરા :વડાપ્રધાનની મુલાકાત પહેલા જ વડોદરા શહેરના તાંદલજા અને જિલ્લાના ગોઠડા ગામેથી ગાઝામાં મદદ મોકલવામાં આવી હોવાના વીડિયો વાઇરલ થયા છે.
જેના પગલે ગુપ્તચર વિભાગ અને પોલીસ તંત્ર ચોંકી ઉઠ્યું છે અને શહેર અને જિલ્લા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ વીડિઓ રમજાન મહિનાનો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જોકે આવા સંગઠનો દેશ વિરોધી પ્રવૃતિ સાથે સંકળાયેલા તો નથીને? એની ચકાસણી માટે પોલીસ શોધખોળ ચલાવી રહી છે.શનિવારે સવારથી સોશિયલ મીડિયા ઉપર ગાઝામાં તાંદલજા અને સાવલી તાલુકાના ગોઠડા ગામેથી મદદ મોકલાઈ હોવાના વિડિઓ વાઇરલ થયા હતા. આ વીડિયોમાં પોસ્ટરમાં આશિક-એ-રસૂલ અને તાંદલજા, વડોદરા, ગુજરાત, ઇન્ડિયા લખેલું છે. સાથે બન્ને દેશોના ધ્વજ પણ છે. ગુજરાતના આ બે સંગઠનોએ મોકલેલી મદદથી ભોજન બનાવી જરૂરિયાતમંદોને આપવામાં આવી રહ્યું હોવાના દૃશ્યો પણ છે. આ મદદ બદલ ભારતના સંગઠનોનો આભાર સ્થાનિક ભાષામાં વ્યક્ત કરતી મહિલા પણ નજરે પડી રહી છે.
વાઇરલ વીડિયોની જાણકારી મળતા શહેર પોલીસ કમિશનરે ઉચ્ચ પોલીસ અધિકારીઓને તાત્કાલિક તપાસ કરવા આદેશ આપ્યા હતા. બીજી તરફ જિલ્લા પોલીસ વડાએ પણ સાવલી પોલીસને ગોઠડા ગામે જઈ તપાસ કરવાના આદેશ આપ્યા છે. શહેર અને જિલ્લા પોલીસ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે. બીજી તરફ આઇબીએ પણ પોતાની રીતે તપાસ શરૂ કરી છે.સંસ્થા અન્ય કઇ પ્રવૃત્તિ કરે છે તેની તપાસ થશેઃ પોલીસ કમિશનર પોલીસ કમિશનર નરસિંમહા કોમારે જણાવ્યું છે કે, હાલ પોલીસ વિભાગ વડાપ્રધાનના આગમનના કારણે બંદોબસ્તની તૈયારીઓમાં છે. એવા સમયે ગાઝામાં શહેરના સંગઠને મોકલેલી મદદના વાઇરલ વીડિયોને પણ ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી રહી છે.
Reporter: admin







