માનવ અધિકાર પંચની ગઠન કરેલી સમિતિએ આપેલા રિપોર્ટમાં, પાલિકાની પોલ ખુલી ચૂકી છે
હવે તો ભારે વરસાદ આવે ત્યારે જ ખબર પડે કે કોર્પોરેશનનો દાવો કેટલો સાચો..

વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં 100 દિવસ પૂર્ણ, 99 ટકા કામગીરી પૂર્ણ થઇ હોવાનો કોર્પોરેશનનો દાવો...
વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં પૂર ના આવે તે માટે મુખ્યમંત્રીની સૂચના બાદ શરુ કરાયેલા વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત કેટલુક મહત્વનું કામ 100 દિવસમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક વડોદરા મહાનગરપાલિકાએ રાખ્યું હતું. 15 જૂને 100 દિવસ પુરા થયા છે. જો કે કોર્પોરેશને દાવો કર્યો છે કે 15 જૂન સુધી 99 ટકા કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે. સ્થાયી ચેરમેને પણ કહ્યું હતું કે 98થી 99 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. હવે નદીની વહન ક્ષમતા 40 ટકા વધી ગઇ છે જેથી એક સામટો વધુ વરસાદ આવશે તો પણ પૂર આવવાની શક્યતા નહિવત છે. નદી પાણી ખમી શકશે. જો કે ચેરમેનનો આ દાવો કેટલો સાચો નિવડશે તે તો આગામી ચોમાસામાં ખબર પડી જશે. પાલિકા ભલે દાવો કરી રહી હોય કે કામ 98 ટકા પૂર્ણ થઇ ગયું છે પણ વાસ્તવીક્તા કંઇક ઓર જ છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં 98 ટકા કામ થયું હોવાનો કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ દાવો કરે છે પણ તેમણે જોવું જોઇએ કે વિશ્વામિત્રીના એક કિનારે તો હજુ કામ થયું જ નથી. નદીના તટ પર બંને કિનારે કામ થવું જોઇએ પણ અમુક જગ્યા ઉપર એક જ કિનારા પર કામ કરવામાં આવ્યું છે. વિશ્વામિત્રીના પટ પર ગેરકાયદેસર દબાણ કરીને તાણી દેવાયેલી સયાજી હોટલના કિનારે કોઇ કામગીરી ત્યાં થઇ જ નથી. વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં સયાજી હોટલ તરફના જમણી તરફના ભાગ પર કોઇ કામગીરી જ કરાઇ નથી. જો કામગીરી કરાય તો સયાજી હોટલનું ગેરકાયદેસર દબાણ તોડવું જ પડે એટલે આ તરફની કામગીરી જાણી જોઇને કરાઇ નથી. આવા તો વિશ્વામિત્રીના પટ પર અસંખ્ય દબાણો છે જેમાં હોટલ, અને હાઇરાઇઝ બિલ્ડીંગો અને મોલ છે અને ત્યાં પણ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી કરાઇ નથી. હોટલ અને બંગલા તથા બિલ્ડીંગો માલેતુજારોના છે અને માલેતુજારોનો કોલર પકડવાની તાકાત કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓમાં નથી. એટલે વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂર્ણ થઇ જશે તેવી ભલે ગુલબાંગો પોકારવામાં આવે પણ જ્યાં જ્યાં માલેતુજારોનું ગેરકાયદેસર દબાણ છે તે વિસ્તારોમાં તો વિશ્વામિત્રી પ્રોજેક્ટનું રતીભર પણ કામ થયું નથી. વડોદરાવાસીઓએ સમજી લેવું જોઇએ કે કોર્પોરેશનના પાપે આવતા ચોમાસે પણ તમારે પૂરનો પ્રકોપ ઝીલવાનો છે. દાવો તો કરાયો હતો કે. 100 દિવસમાં કામ થઇ જશે પણ હજુ માંડ 60 ટકા કામ થયું છે તે હકિકત છે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી અધૂરી જ રહી છે. એક જગ્યાએ જ કામગીરી કરાઇ છે અને નદીને પહોળી અને ઉંડી કરવાના નામે માત્ર ઝાડી ઝાંખરા હટાવ્યા પણ નક્કર કામગીરી કરાઇ નથી. હવે આ વર્ષે ન કરે નારાયણ ને વડોદરામાં પૂર આવ્યું તો તેના માટે જવાબદાર કોણ ?

એક સામટો વધુ વરસાદ પડશે તો પણ નદીમાં પાણી ખમી શકશે...ચેરમેન
વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં 98થી 99 ટકા કામ થઇ ગયું છે. હવે નદીની વહન ક્ષમતા 40 ટકા વધી ગઇ છે. એટલે કે ગયા વર્ષની જેમ એક સામટો વધુ વરસાદ પડશે તો પણ નદી ખમી શકે તેમ છે. બીજી તરફ આજવાની સપાટી હાલ 206 ફૂટ છે અને અમે ચોમાસા પહેલા 208 ફૂટથી વધવા નહી દઇએ અને 6 ફૂટનું બફર રાખીશું જેથી પણ નદીમાં વધારાનું પાણી જલ્દી નહી આવે.
ડો. શીતલ મીસ્ત્રી, ચેરમેન, વીએમસી
શું પૂર્વ પશ્ચિમ વિસ્તાર પણ જળબંબાકાર નહી થાય ?
ચોમાસામાં જેને વિશ્વામિત્રી નદી સાથે સીધો કોઇ સંબંધ નથી તેવા વડોદરાના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારો પણ 2 ઇંચ વરસાદ પડે તો પણ જળબંબાકાર થઇ જાય છે. વરસાદી કાંસો અને ગટર લાઇનો ચોકઅપ થઇ ગયેલી છે અને પાણી સડસડાટ નિકળી શકતું નથી જેથી દિવસો સુધી આ વિસ્તારોમાં પાણી ભરાયેલા રહે છે પરિણામે લોકોને હાલાકી પડે છે. કોર્પોરેશને દાવો કર્યો છે કે પ્રિ મોન્સુન કામગિરી પણ કરી દેવાઇ છે. વરસાદી કાંસો અને ગટરની સફાઇ કરી દેવાઇ છે પણ હવે તો ચોમાસામાં ખબર પડશે કે કોર્પોરેશને કેવી પ્રિ મોન્સુન કામગીરી કરી છે. શહેર જળબંબાકાર નહી જ બને તેની કોઇ ખાતરી આપી શકે તેમ નથી.
Reporter: admin







