News Portal...

Breaking News :

શહેરનો ઐતિહાસિક ચાર દરવાજા વિસ્તાર શાસકોની સામે દયાની મીટ માંડી બેઠો છે

2025-01-23 11:06:56
શહેરનો ઐતિહાસિક ચાર દરવાજા વિસ્તાર શાસકોની સામે દયાની મીટ માંડી બેઠો છે

શહેરના ચાર દરવાજા વિસ્તારની હાલત દયનીય બની ગઇ છે. 

પેઢીઓથી ચાર દરવાજા વિસ્તારમાં રહેતા પરિવારો અહીં પડી રહેલી પારાવાર તકલીફોના કારણે અને શાસકોની લાપરવાહી તથા આંખ આડા કાન કરવાની આદતના કારણે ચાર દરવાજા વિસ્તાર છોડીને અન્યત્ર જઇ રહ્યા છે. શાસકોએ ચારદરવાજા વિસ્તારની ઐતિહાસીક્તા બરકરાર રાખીને આધુનિક્તાભરી સુવિધા પુરી પાડવાના પ્રયાસો કરવા જોઇએ જે થતાં નથી. આજે શહેરના ચાર દરવાજા વિસ્તારની ઐતિહાસીક ધરોહરસમી ઇમારતો ખંડેર બની રહી છે જેના પ્રત્યે શાસકો દુર્લક્ષ્ય સેવી રહ્યા છે. માંડવીની ઇમારતના પાયાના પિલ્લરના કાંગરા ખરી રહ્યા છે જ્યારે સતત ચાર વર્ષની રજૂઆતો પછી પણ ન્યાયમંદિરને બરોડા સિટી મ્યુઝિયમ બનાવવાનું કામ અગમ્યકારણોસર ખોરંભે પડી ગયું છે. ન્યાયમંદિર અને લાલકોર્ટની ઇમારતોની હાલત દિનપ્રતિદિન ખરાબ થઇ રહી છે અને વડોદરાની અસલી ઓળખ પણ તેની સાથે ખતમ થઇ રહી છે પણ શાસકો સત્તાના મદમાં મસ્ત છે. બીજી તરફ પદ્માવતી શોપિંગ સેન્ટર ખસેડવાના રાજકીય નેતાનું નિવેદન મુંગેરીલાલ કે હસીન સપને પુરવાર થયુ છે , તો ચાંપાનેર દરવાજા પાસે બે ખંડેર પૉલિસ વાન આજે પણ યથાવત છે. આ શાસન સર્જીત દબાણ સહિત એમ જી રૉડ થઈ લહેરીપુરા દરવાજા ની અંદર ભયંકર દબાણોનો રાફડો ફાટ્યો છે અને છેલ્લા 2 વર્ષમાં તો આ દબાણો પણ ચાર ગણા વધી ગયા છે. જેના કારણે વિઠ્ઠલ મંદિર સહિત અનેક પોળોના મંદિર ના ભક્તો, સિનીયર સિટીઝન તથા ખરીદી માટે આવતી મહિલાઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે.

વૉર્ડના કૉર્પૉરેટરો તો તેમના ધારાસભ્ય કહે એટલુ પાણી પીએ છે. ધારાસભ્ય કદી અહીં ચાલતા આવતા નથી. બધુ ખબર હોવા છતાંય નિરસ છે. અહીં હાલત એવી છે કે તેઓ પ્રમુખ પદ ની સૉગઠાબાજી માં વ્યસ્ત છે. પટૉડીયા પૉળમાં ગંદા પાણી ની બુમ સામે બહેરા કાન છે. અનેક લોકો વિસ્તાર ખાલી કરી બહાર રહેવા જઈ રહ્યા છે. નરસિંહજીની પૉળ વાસણ બજાર થઈ જતા અહીં ટેમ્પૉની અવર જવર થી રહેવાસીઓ અને ટેમ્પૉ ચાલકૉ વચ્ચે ઘર્ષણની ધટનાઓ વધી છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ ભારે અને ભીડ દબાણો વચ્ચે દર્દીને લાવવા લઈ જવા એમ્બ્યુલન્સની અવરજવર અધરી થતા હેવ દર્દીના જાનનું જોખમ પણ વધ્યુ છે. એકંદંરે પ્રજા પણ હતાશાથી નિષ્ક્રિય થતાં નેતાઓને ભળતા વિકાસના નામે મનમાની કરવા મોકળુ મેદાન મળ્યુ છે. હજુય સત્તા પક્ષ ના પથરા રામ નામે માંડવી નીચે તરવા મથી રહ્યા છે . સફેદ બેનર નીચે માંડવીના પહેલામાળ વચ્ચે કાળાશ જોતા જોતા લોકો તાળીઓ પાડી રહ્યા છે .

Reporter: admin

Related Post