કોરબા :છત્તીસગઢના કોરબા જિલ્લાની એક કોર્ટે 16 વર્ષીય આદિવાસી સગીરા પર ગેંગરેપ કરવા બદલ તેમજ સગીરા અને તેના પરિવારના બે લોકોની હત્યા બદલ પાંચ અપરાધીઓને ફાંસી જ્યારે એકને આજીવન કેદની સજા ફટકારી છે.
સાથે જ સજા આપતા જજે કહ્યું હતું કે આ અત્યંત જઘન્ય અમાનવીય અપરાધ હતો. તમામને આઇપીસીની કલમ 302 (હત્યા), 376(2)જી (ગેંગરેપ) અને પોક્સો તેમજ એસસી એસટી કાયદા હેઠળ સજા આપવામાં આવી હતી. સરકારી વકીલે આ સમગ્ર મામલે તમામ છ આરોપીઓને ફાંસીની સજા આપવાની માગણી કરી હતી પરંતુ પાંચને ફાંસી અપાઇ જ્યારે મેડિકલ ગ્રાઉન્ડને ધ્યાનમાં રાખીને છઠ્ઠા આરોપીને આજીવન કેદની સજા આપવામાં આવી હતી. વર્ષ 2021માં સગીરા પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો બાદમાં પથ્થરથી કચડીને જંગલમાં ફેંકી દેવામાં આવી હતી જ્યાં તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. સગીરાના પિતા અને પરિવારની અન્ય એક બાળકીની પણ હત્યા કરી દેવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ હત્યામાં સામેલ સંતરામ મંઝવારને ત્યાં પીડિતા અને તેનો પરિવાર કામ કરતો હતો, તેઓ પશુ ચરાવવા કે મજૂરીનું કામ કરતા હતા. એક દિવસ મંઝવાર સગીરા, તેના પિતા અને યુવતીને બાઇક પર લિફ્ટ આપવાના બહાને લઇ જતો હતો, વચ્ચે તેણે દારુ પીતો અને તે સમયે અન્ય લોકો પણ તેની સાથે જોડાયા. જે બાદ તમામ આરોપીઓએ પિતાની સામે જ સગીરા પર રેપ કર્યો હતો, બાદમાં તમામને પથ્થરો મારીને કચડીને જંગલમાં ફેંકી દીધા હતા. જેને પગલે તમામ ત્રણેય લોકોનું મોત નિપજ્યું હતું. હત્યારો સંતરામ મંઝવાર સગીરાને પોતાની બીજી પત્ની બનાવવા માટે દબાણ કરતો હતો પરંતુ સગીરા અને તેનો પરિવાર તેનો વિરોધ કરતો હતો તેમ પોલીસે જણાવ્યું હતું. કોર્ટે તમામ અપરાધીઓમાંથી પાંચને ફાંસી અને એકને મેડિકલ રિપોર્ટના આધારે આજીવન કેદ ની સજા આપી હતી.
Reporter: admin