વડોદરા : ગુજરાત સરકારની વીજ કંપની જીસેક (ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન)માં હેલ્પરોની 800 જગ્યાઓ ભરવાની માગ સાથે ઉમેદવારોની વડોદરામાં શરૂ થયેલી ભૂખ હડતાળ આજે ચોથા દિવસમાં પ્રવેશી છે.

જોકે અસહ્ય ગરમી વચ્ચે ભૂખ હડતાળ પર બેઠેલા અજીતભાઈ અને ભવદીપભાઈ નામના બે ઉમેદવારોની તબિયત લથડી હતી. જેના પગલે દોડધામ મચી ગઈ હતી. આ બંને ઉમેદવારોને વધુ સારવાર માટે શહેરની ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જોકે જીસેક કંપનીના અધિકારીઓનું હજી સુધી પેટનું પાણી હલ્યું નથી. યુવાનોની તબિયત બગડી હોવાની જાણકારી મળી હોવા છતા બપોર સુધી કંપનીના કોઈ અધિકારીએ ભૂખ હડતાળ પર બેઠેલા ઉમેદવારોની મુલાકાત પણ લીધી નહોતી.

જીસેક કંપનીના સત્તાધીશોએ હેલ્પરોની જગ્યા ભરવાની જગ્યાએ આઉટસોર્સિંગ એજન્સીઓનો સહારો લીધો છે અને તેના કારણે કંપનીના અધિકારીઓ હેલ્પરોની 800 જગ્યાઓ માટે પરીક્ષા લેવાની લેખિત ખાતરી આપી રહ્યા નથી. બીજી તરફ ઉમેદવારો પણ જ્યાં સુધી પરીક્ષા લેવાની જાહેરાત ના થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા મક્કમ છે.ઉમેદવારોએ કહ્યું હતું કે, અત્યારે 70 જેટલા યુવકો ભૂખ હડતાળ પર બેઠા છે અને બીજા 100 જેટલા યુવકો વિવિધ જિલ્લાઓમાંથી વડોદરા આવીને ભૂખ હડતાળમાં જોડાવા માટે તૈયાર છે. ગમે તે થાય પણ ઉમેદવારો અહીંથી હટવાના નથી.



Reporter:







