News Portal...

Breaking News :

રાજ્યમાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોના નાગરિકોની સ્વાસ્થ્ય સંભાળ માટે આરોગ્ય વિભાગ સજ્જ

2024-08-29 12:55:21
રાજ્યમાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોના નાગરિકોની સ્વાસ્થ્ય સંભાળ માટે આરોગ્ય વિભાગ સજ્જ


રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની સૂચનાથી ભારે વરસાદથી પ્રભાવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં રોગચાળો ફાટી ન નિકળે તે માટે આરોગ્ય વિભાગે અગમચેતીના પગલે સ્વાસ્થય ચકાસણી હાથ ધરી છે. 


મંત્રીની સૂચનાથી ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ ૩૫ મેડિકલ ટીમ પ્રજાજનોની સેવામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પ્રારંભિક તબક્કે મોકલવામાં આવી છે.આગામી સમયમાં જરૂર જણાશે તે પ્રમાણે તબક્કાવાર વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં ટીમ મોકલાશે.જેમાં વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશન ખાતે ૨૦, વડોદરા જિલ્લામાં ૧૦, ૨ ટીમ મોરબી અને ૩  ટીમ પોરબંદર જિલ્લામાં મોકલાઇ છે. આ ટીમમાં સુરત થી ૫, ભાવનગર થી ૫, ગાંધીનગર અને અમદાવાદ થી ૧૦ – ૧૦ અને રાજકોટ થી ૫ આમ કુલ ૩૫ ટીમને જરૂરી દવા સંસાધનો અને એમ્બ્યુલન્સ  સાથે વડોદરા, મોરબી અને પોરબંદર  જિલ્લામાં પાંચ દિવસ માટે પ્રારંભિક મોકલવામાં આવી છે. દરેક ટીમમાં એક મેડિકલ ઓફિસર, ૨ પેરામેડિકલ સ્ટાફ , ડ્રાઇવર અને અન્ય જરૂરી સંસાધનો સાથે પ્રજાજનોની સ્વાસ્થ્ય દરકાર માટે ફરજરત બન્યા છે.તમામ ટીમ દ્વારા ત્રણે  જિલ્લામાં યુધ્ધના ધોરણે આજ સવાર થી જ મેડિકલ ચેક-અપ કેમ્પ આરંભી દેવામાં આવ્યા છે. 



આ ટીમ વરસાદથી પ્રભાવિત વિવિધ વિસ્તારોમાં જઇને સ્થાનિકજનોની સ્વાસ્થ્યને લગતી જરૂરી ચકાસણી કરી રહી છે. આ ટીમ વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી નાગરિકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી કરશે. પાણીમાં  ક્લોરીનેશન પણ ચકાસવામાં  આવશે. તદ્ઉપરાંત સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ અટકાવવા માટે દવા છંટકાવની પણ કામગીરી યુધ્ધના ધોરણે આરંભી દેવામાં આવી છે.વધુમાં અન્ય પ્રાથમિક સારવાર ઉપરાંતની જરૂર જણાઇ આવે તે  સારવાર પણ પુરી પાડવા સ્થાનિક જિલ્લા ક્ષેત્રે હોસ્પિટલમાં તમામ પૂર્વતૈયારીઓ કરી દેવામાં આવી છે. રાજ્યમાં સી.એચ.સી. અને પી.એચ.સી ખાતે ૧૨૬૨ એમ્બ્યુલન્સ અને અન્ય ૮૦૨ જેટલી ૧૦૮ની એમ્બ્યુલન્સને આ વિસ્તારોમાં ઇમરજન્સી સેવાઓ માટે તહેનાત રાખવામાં આવી છે. 

Reporter: admin

Related Post