અમદાવાદઃ પેટ્રોલ, ડિઝલ, રાંધણગેસ સહિત ખાદ્યપદાર્થ દુધ, દહી, તેલના ભાવ રોકેટની ગતીએ વધી રહ્યા છે. એવામાં ગુજરાતમાં છેલ્લા એક એક અઠવાડિયામાં સિંગતેલના ભાવમાં રૂ. 70 જેટલો ઉછાળો આવ્યો છે.
સિગતેલના ભાવમાં સતત વધી રહેલા ભાવને કારણે સામાન્ય પરિવારના બજેટ પર અસર થઇ છે. ભારે વરસાદના કારણે મગફળીની આવકમાં ઘટાડો થતા ખાદ્યતેલમાં ભાવ વધ્યો હોવાનું વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યુ છે. રાજ્યમાં હાલ સિંગતેલમાં 15 કિલોના ડબ્બાની કિંમત 2550થી 2650 છે.આ ભાવ વધારા અંગે વેપારીએ જણાવ્યુ હતું કે ઉનાળામાં ખાદ્ય તેલનો વપરાશ ઓછો થતા તેના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ તેની સામે ઉત્તરપ્રદેશ અને ડીસામાં મગફળીની આવક પણ ઘટતા તેમજ વરસાદમાં પણ આવક બંધ થઈ જતા તેલના ડબ્બે આટલો ભાવ વધારો ઝીંકાયો છે.
ત્યારે આ ભાવ વધારા અંગે ગૃહિણીઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે ઘર એક નક્કી કરેલા બજેટ પર ચાલતું હોય છે. સિંગતેલમાં ભાવ વધારાથી આ બજેટ ખોરવાઇ જાય છે. અમે સરકારને મત આપી સત્તા આપી છે, સરકારે આ બાબતે ધ્યાન આપવું જોઈએ અને ખાદ્યતેલના ભાવ વધારા પર અંકુશ રાખવો જોઈએ.પહેલા દર વખતે પહેલા થોડો ભાવ ઘટાડવામાં આવે છે અને ત્યાર બાદ તુરંત ભાવ વધારવામાં આવે છે. સરકારની જાણે આ એક ટ્રીક હોય તેવું લાગી રહ્યુ છે. કારણ કે તેલથી માંડી પેટ્રોલ સુધી તમામ વસ્તુઓમાં આ જ સ્થિતી જોવા મળે છે. છેલ્લા કેટલાક દિવસથી થઈ રહેલા ભાવ વધારાથી સરકાર દ્વારા વેપારીઓને ભાવ વધારા માટેનો છુટો દોર આપી દેવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યુ છે.
Reporter: News Plus