નેતાએ મુકાવેલો બાંકડો તોડવાના મુદ્દે એક બુટલેગરને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ ગેરકાયદેસર રીતે પચાસથી વધુ પટ્ટા મારવામાં આવ્યા હોવાની ચર્ચા છે..
ઘટનાને લઈને પોલીસ તંત્રની ભૂમિકા અને કાયદાની શાસન વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા...
શહેરના એક બુટલેગર પર એક નેતાએ એવી દાદાગીરી કરી કે સામાન્ય નાગરિકો પણ આ દબંગાઈ જોઈને દંગ રહી ગયા છે. લોકોમાં ચર્ચા થઈ રહી છે કે ખરેખર સારો કોણ—બુટલેગર કે નેતા? હકીકત એવી છે કે એક બુટલેગરે નેતાએ મુકાવેલો બાંકડો તોડી નાખ્યો હતો,તેવો નેતાનો આક્ષેપ હતો.જે બાબતે આ નેતાને મનમાં લાગી આવ્યું.આ નેતાએ પોતાની માનીતી પોલીસને આદેશ આપ્યો કે બુટલેગરને પાઠ શીખવાડવો. જાણે કોઈ ગંભીર ગુનાના આરોપીને પકડવા જવું હોય તેમ પોલીસ પણ શૂરી બની ગઈ હતી. બુટલેગરને પોલીસ સ્ટેશનમાં ઉઠાવી લાવવામાં આવ્યો અને ત્યારબાદ નેતાએ પોલીસ સ્ટેશનના એક રૂમમાં બુટલેગરને ગેરકાયદેસર રીતે 50થી વધુ પટ્ટા માર્યા હોવાની ચર્ચા છે. આ ઘટના અંદાજે બે મહિના અગાઉની હોવાનું જણાવાય છે.નેતાની આ દબંગાઈ જોઈને બુટલેગર પણ પોતાને સારો માનવા લાગ્યો હતો. આ નેતા પોતાને દબંગ માને છે અને જાહેરમાં જાણે દમ મારતા હોય તેમ બણગાં ફૂંકે છે કે “પીઆઈ મારો છે, પોલીસ મારી છે, મામલતદાર મારો છે અને ડીઈઓ પણ મારો છે.
આવા ઘમંડી નેતાને પૂછવાનું મન થાય છે કે ભાઈ, સત્તા તમારી છે એટલે કદાચ પોલીસ પણ તમારી હશે, પરંતુ જ્યારે સત્તા જતી રહેશે ત્યારે પોલીસ તમારી નહીં રહે. કોંગ્રેસ પક્ષના લોકોને આ અંગે પૂછશો તો તેઓ સત્તા વગરના 30 વર્ષનો અનુભવ કહી દેશે. સત્તા હોય ત્યારે અધિકારીઓ સલામ મારશે, પરંતુ પછી નિયમોનું પાલન પણ કરાવશે—આ વાત યાદ રાખવી જોઈએ. જનતાએ તમને ચૂંટીને આ માટે નથી મોકલ્યા કે તમે આ રીતે દબંગાઈ કરો. ઘમંડ બતાવીને લુખ્ખી દાદાગીરી કરનારા આ નેતા જનતાના કામો કરતા નથી, પરંતુ માત્ર જમીનના જ કામોમાં રસ રાખે છે. આવા નેતાઓની લુખ્ખાગીરી આજે ખુલ્લેઆમ જોવા મળી રહી છે.દરેક ફાઇલો ઉપર રોકડી કરનારા એક નેતાને પોતાના વિસ્તારના લિસ્ટેડ બુટલેગર સાથે બાંકડો તોડવા બાબતનો વાંધો પડ્યો. નેતાજીનું સ્વમાન ઘવાયું. નેતાનો ગુસ્સો સાતમા આસમાને ગયો.શાસક પક્ષની સરકાર હોઈ કોઈ અમારું બગાડી લેવાનું નથી તેવું માનીને હવે ધારાસભ્ય કક્ષાના નેતાઓ પણ પોતાનું મગજ ગુમાવી દે છે. બકવાસ કરે ત્યાં સુધી વાંધો નથી પરંતુ બરાડા પાડીને ગાળો બોલીને કોઈ બુટલેગર ઉપર સત્તાના નશામાં પટ્ટા મારવાની હરકત કરે તે કેટલું શરમજનક કહેવાય? પ્રજાનાં રક્ષક જ ભક્ષક બને તે કેટલું વ્યાજબી? કોઈ ગુનેગાર હોય તો કાયદાકીય પ્રક્રિયા હોય. તેને બદલે પોતે જ પોલીસ દાદાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને ન કરવાનું કરી બેસે તેનાથી વ્યક્તિગત છાપ તો ખરાબ થાય છે પણ પક્ષની પણ છાપ ખરાબ થાય છે. વારંવાર વિવાદમાં આવતા અને વિક્રૃત માનસિકતા ધરાવતા આ નેતા અગાઉ પોલીસ સ્ટેશનના પગથિયાં ઘસી ચુક્યા છે. કોર્ટ કચેરીમાં હાજરી ભરાવી ચૂક્યા છે. વિવાદિત ઇતિહાસ ધરાવે છે. આ વાત શહેર સંગઠનમાં પહોંચી ચૂકી છે. શહેર સંગઠન પ્રમુખને ધારાસભ્યો- ચેરમેન- મેયર- ડેપ્યુટી મેયર-સાંસદ- કોર્પોરેટરો- સિનિયર કાર્યકરોનાં કરતૂતોની જાણ યેનકેન પહોંચતી હોય છે. પરંતુ પ્રદેશ કક્ષાએ આ વાત પહોંચતી નથી. પોતાનાં ગ્રુપના નેતાઓ કોઈ કરતૂતો કરે તો એના ઉપર પગલાં લેતા પણ હોદ્દેદાર ગભરાય છે.આગળ રિપોર્ટ કરતાં પણ ડરે છે.
Reporter: admin







