લાભાર્થીઓને ભિક્ષુક નહીં માનો: 55 લાભાર્થીઓ સાથે ક્રૂર મજાક
વડોદરાના યોગી બનવાની હોડમાં ધારાસભ્ય વગોવાયા
વિનાશકાળે વિપરીત બુધ્ધી
ગરીબ વસાહતો અને દબાણ મુદ્દે થયેલા વિવાદ બાદ ધારાસભ્ય કેયુર રોકડિયાના નિવેદન સામે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતે જાહેર પત્ર...
વડોદરા શહેરમાં ગરીબ વસાહતો અને દબાણ મુદ્દે થયેલા વિવાદ બાદ સયાજીગંજના ધારાસભ્ય અને પૂર્વ મેયર કેયુર રોકડિયાના નિવેદન સામે કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ અને પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતે કડક શબ્દોમાં જાહેર પ્રતિભાવ આપ્યો છે. જાહેર પત્ર મારફતે રાવતે ધારાસભ્યના નિવેદનને “અજ્ઞાનસભર અને બિનજવાબદાર” ગણાવી તેમની નીતિ, કાર્યશૈલી અને ભૂતકાળની ભૂમિકાઓ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.રાવતે જણાવ્યું છે કે શહેરના વિકાસની વાત કરતા ધારાસભ્યએ વડોદરાના વાસ્તવિક પ્રશ્નો—ખાસ કરીને વિશ્વામિત્રી નદી, પૂર અને તેના માટે જવાબદાર ગેરકાયદેસર બાંધકામો—વિશે મૌન રાખ્યું છે. તેમણે માંગ કરી છે કે જો ધારાસભ્યને ગેરકાયદેસર બાંધકામોની જાણ છે તો તેના નામ જાહેર કરી તાત્કાલિક તોડફોડની કાર્યવાહી શરૂ કરે.જાહેર પત્રમાં સ્લમ પોલિસી મુદ્દે પણ ધારાસભ્યના નિવેદન પર આકરા પ્રહાર કરાયા છે. રાવતે સ્પષ્ટ કર્યું છે કે શહેરની ઘણી વસાહતો ટીપી પહેલાંથી અસ્તિત્વમાં છે અને કોર્પોરેશન દ્વારા સર્વે બાદ નોટિફાઇડ સ્લમ જાહેર કરવામાં આવી છે.
આવા કિસ્સાઓમાં રહેવાસીઓ કાયદેસર લાભાર્થી હોય છે અને સરકારની સ્લમ પોલિસી હેઠળ તેમને મકાન આપવું ફરજિયાત છે. આ પ્રક્રિયા અંતર્ગત બાયોમેટ્રિક સર્વે કરીને રહેવાસીઓ પાસેથી રૂ.50,000 લેવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું.મદ્રેસા મુદ્દે થયેલા આક્ષેપોને રાવતે ખોટા અને દ્વેષપૂર્ણ ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે સમગ્ર વિસ્તાર માટે તોડફોડનો નિર્ણય અગાઉથી લેવાયો હતો અને રહીશોએ ચાર મહિનામાં વસાહત ખાલી કરવાની લેખિત સંમતિ આપી હતી. આ માટે મકાન ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપવામાં આવી છે, જેથી માત્ર એક સંસ્થાને બચાવવાની વાત યોગ્ય નથી.રાવતે ધારાસભ્યના મેયર કાળની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે અગોરા મોલ કેસનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ સરકારી જમીન પર રહેલા ઝુપડપટ્ટી વાસીઓને કાયદેસર મકાન અપાયા હતા, જ્યારે બાજુની કિંમતી જમીન બિલ્ડરને ફાળવાઈ હતી. ઉપરાંત, વિશ્વામિત્રી નદી કાંઠે ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં નિષ્ફળતા પણ દર્શાવી છે.જાહેર પત્રમાં આરોપ મૂકાયો છે કે કોર્પોરેશન દ્વારા ડ્રો કરી મકાન ફાળવાયા બાદ પણ એક દિવસ રાહ જો્યા વગર જ ડિમોલિશન કરાવવામાં આવ્યું, જેના કારણે ગરીબ નાગરિકોને ભારે નુકસાન થયું. રાવતે આને “સત્તાનો દુરુપયોગ” ગણાવ્યો છે.અંતમાં રાવતે ધારાસભ્યને ખુલ્લી ચેલેન્જ આપતાં જણાવ્યું છે કે જો વાસ્તવમાં શહેરને બચાવવાની ચિંતા હોય તો ગેરકાયદેસર બાંધકામો તોડવાની કામગીરી તાત્કાલિક શરૂ કરે. કોંગ્રેસ દ્વારા આવા બાંધકામો બતાવવાની તૈયારી હોવાનું પણ તેમણે કહ્યું છે. આ સમગ્ર મુદ્દે શહેરની રાજનીતિ ફરી ગરમાઈ ગઈ છે.
Reporter: admin







