News Portal...

Breaking News :

શિક્ષણ વિભાગે હાઈ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં જણાવ્યું : 11,451 શાળામાં માન્ય ફાયર NOC મેળવવાની બાકી છે

2024-08-03 12:57:40
શિક્ષણ વિભાગે હાઈ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં જણાવ્યું : 11,451 શાળામાં માન્ય ફાયર NOC મેળવવાની બાકી છે




અમદાવાદ: રાજકોટ  ગેમઝોન અગ્નિકાંડ બાદ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડીંગમાં ફાયર સેફટીનું ઉલંઘન ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. ગુજરાત હાઈકોર્ટે  રાજ્ય સરકારને શાળાઓમાં ફાયર સેફટી અંગે તપાસ કરાવવા આદેશ આપ્યા હતા, જેને અનુસરતા રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યભરની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી ડ્રાઈવ શરૂ કરી હતી, ત્યાર બાદ શિક્ષણ વિભાગે ગુરુવારે કોર્ટમાં અહેવાલ રજૂ કર્યો હતો.



રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના સેક્રેટરી વિનોદ રાવે હાઈ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે વિભાગે શાળાઓનું નિરીક્ષણ કરવા અને તેમની ફાયર સેફટી સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટે 3,000 થી વધુ ટીમોની રચના કરી છે.
અહેવાલ મુજબ 55,344 પ્રી-પ્રાયમરી, પ્રાયમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાંથી 11,451ને માન્ય ફાયર NOC મેળવવાનું બાકી છે. વધુમાં, 43,893 શાળાઓએ સેલ્ફ-ડિક્લેરેશન ફાઈલ કર્યું છે, જ્યારે 9,563 શાળાઓ પસે માન્ય ફાયર એનઓસી છે. બાકીની શાળાઓને નિયમોનું પાલન કરવાની સમયમર્યાદા આપવામાં આવી છે. સોગંદનામામાં જણાવ્યું હતું કે સરકાર 183 સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા માટે પણ રોકાણ કરી રહી છે. જેમાં પાણીની ટાંકીઓ બાંધવી, ફાયર હોસીસ સ્થાપિત કરવા અને ઈલેક્ટ્રીકલ વ્યવસ્થા સુધારવાનો સમાવેશ થાય છે.



એફિડેવિટ મુજબ શિક્ષણ વિભાગ નિરીક્ષણો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, ત્યારે ડ્રીલ અને શિક્ષકોની તાલીમનું અમલીકરણ ફાયર વિભાગ અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી કરી રહી છે.

Reporter: admin

Related Post