News Portal...

Breaking News :

ગુજરાતી વિશ્વકોશના અગ્રણી સંપાદક ચંદ્રકાન્તભાઈ શેઠનું નિધન

2024-08-03 12:54:28
ગુજરાતી વિશ્વકોશના અગ્રણી સંપાદક ચંદ્રકાન્તભાઈ શેઠનું નિધન



ગાંધીનગર: ગુજરાતી ભાષાના સમર્થ સર્જક અને ગુજરાતી વિશ્વકોશના અગ્રણી સંપાદક ચંદ્રકાન્તભાઈ શેઠનું 2 ઓગષ્ટ 2024, શુક્રવારે દુઃખદ અવસાન થયું છે. સર્જન, લેખન, વિવેચન, સંપાદન આદિ વિદ્યાકીય સાહિત્યિક પ્રવૃત્તિમાં અવિરતપણે કાર્ય કરનારા શ્રી ચંદ્રકાન્ત શેઠને એમની સાહિત્યસેવાના સંદર્ભમાં રણજિતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર, નરસિંહ મહેતા એવોર્ડ, પ્રેમાનંદ સુવર્ણચંદ્રક તથા સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો.



1938ની ત્રીજી ફેબ્રુઆરીએ પંચમહાલ જિલ્લાના કાલોલમાં જન્મેલા ચંદ્રકાન્તભાઈએ “ઉમાશંકર જોશી : સર્જક અને વિવેચક’ વિષય પર પીએચ.ડી.ની પદવી મેળવી હતી. અગ્રણી કવિ, નિબંધકાર અને ઉત્તમ વિવેચક  ચંદ્રકાન્ત શેઠ 1998ના માર્ચ મહિનામાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ સાથે જોડાયા અને લગભગ અંતિમ સમય સુધી કાર્યરત રહ્યા. એમના માર્ગદર્શન હેઠળ ગુજરાતી બાળવિશ્વકોશના દસ ભાગ તૈયાર થયા તેમજ ગુજરાતી વિશ્વકોશ સંસ્થાના માર્ગદર્શક અને પ્રેરક બની રહ્યા હતા.



ચંદ્રકાન્ત શેઠે નવલકથા સિવાયનાં બધાં સ્વરૂપોમાં ખૂબ કામ કર્યું છે. ચૌદ જેટલા કાવ્યસંગ્રહ, તેર નિબંધસંગ્રહ, સંસ્મરણ — ‘ધૂળમાંની પગલીઓ’, એક એકાંકીસંગ્રહ, એક વાર્તાસંગ્રહ, ચરિત્રાત્મક લેખોના પાંચ સંગ્રહ, હાસ્યકથા, બાળસાહિત્યનાં સાતેક પુસ્તકો; વિવેચન-સંશોધનના ત્રીસેક ગ્રંથો, સંપાદનના ચાલીસેક ગ્રંથો, અનુવાદ/રૂપાંતરના છ સંગ્રહ તેમની પાસેથી મળ્યાં છે.

Reporter: admin

Related Post