વોશીંગ્ટન: ઈરાનના તેહરાનમાં હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ ઈરાને ઇઝરાયલ પર હુમલો કરવાની ચીમકી ઉચ્ચારી છે, એવામાં મધ્યપૂર્વમાં તણાવ વધી શકે છે. મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ મધ્ય પૂર્વમાં વધારાના ફાઈટર એરક્રાફ્ટ અને નૌકાદળના યુદ્ધ જહાજો તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકાએ કહ્યુ કે અમે ઈરાન અને તેના સહયોગી હમાસ અને હિઝબુલ્લાના ખતરાને ધ્યાનમાં રાખીને સુરક્ષાને મજબૂત કરવા ઈચ્છીએ છીએ.
યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટીને મધ્ય પૂર્વ અને યુરોપમાં વધારાના નેવી ક્રુઝર અને ડિસ્ટ્રોયર મોકલવાની જાહેરાત કરી છે જે બેલેસ્ટિક મિસાઇલોને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. અમેરિકા મધ્ય પૂર્વમાં ફાઈટર પ્લેનની વધારાની સ્ક્વોડ્રન પણ મોકલી રહ્યું છે.
પેન્ટાગોને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ઓસ્ટિને યુએસ સૈન્ય ટુકડીઓ તૈનાત કરવાનો આદેશ આપ્યો છે, જેનો ઉદ્દેશ્ય યુએસ દળોની સુરક્ષાને મજબૂત કરવાનો છે, ઇઝરાયેલની રક્ષા માટે સહયોગ વધારવાનો છે. યુએસ કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર છે.”
એવી અટકળો હતી કે પેન્ટાગોન મધ્ય પૂર્વમાં તેના યુદ્ધ જહાજ ‘યુએસએસ થિયોડોર રૂઝવેલ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રૂપ’ માટે કોઈ રિપ્લેસમેન્ટ તૈનાત કરશે નહીં, પરંતુ ઓસ્ટિને આ અટકળોનો અંત લાવ્યો અને તેના બદલે ‘યુએસએસ અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ’ તૈનાત કરી દીધું.
અગાઉ લોયડ ઓસ્ટીને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે જો ઈઝરાયલ પર હુમલો થશે તો અમેરિકા તેની મદદ કરશે. જ્યારે ઓસ્ટિનને પૂછવામાં આવ્યું કે શું હાનિયાની હત્યામાં ઈઝરાયલનો હાથ છે અને અમેરિકા પાસે માહિતી છે કે કેમ? આ અંગે ઓસ્ટીને કહ્યું કે અમારી પાસે કોઈ માહિતી નથી.
Reporter: admin