વડોદરા કલેકટર બીજલ શાહે જણાવ્યું છે કે, ગુજરાત રિફાઇનરીમાં તા. ૧૧ નવેમ્બરના રોજ થયેલી આગની દુર્ઘટનાના સંદર્ભમાં ધારાધોરણો - નોર્મ્સ પ્રમાણે તપાસ અને આગળની કાર્યવાહી કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આઈ. ઓ.સી.એલ.ને જણાવવામાં આવ્યું છે.
ઘટનાની વિગતો આપતાં તેમણે જણાવ્યું કે, આગ ઓલવવાની સમગ્ર કામગીરી દરમિયાન રિફાઈનરીના અને સહયોગી સંસ્થાઓ ના કુલ ૪૯ ફાયર, ફોમ ટેન્ડર્સ ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.તેમણે જણાવ્યું કે તા.૧૧ મી ના રોજ બપોરના ૩.૩૦ થી ૩.૪૫ દરમિયાન બેન્ઝીન સંગ્રહ માટેની ૬૮ નંબરની ટાંકીમાં વિસ્ફોટ સાથે આગ લાગતાં, ગુજરાત રિફાઈનરીની આંતરિક અગ્નિ શમન વ્યવસ્થા હેઠળ તાત્કાલિક અગ્નિ શમનના જરૂરી પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ આગની વ્યાપકતાને અનુલક્ષીને અન્ય ખાનગી અને જાહેર ક્ષેત્રના એકમોને તથા જિલ્લા વહીવટી તંત્ર પાસે મદદ માંગવામાં આવી હતી.
આ સંસ્થાઓ એ શક્ય તેટલી ઝડપથી ફોમ ટેન્ડર્સ સ્થળ પર પહોંચાડીને આગ્નિ શમનમાં સહયોગ આપ્યો હતો. પહેલા ૩૩ પછી બીજા ૦૬ અને તે પછી વધુ ૧૦ મળીને કુલ ૪૯ ફોમ ટેન્ડર્સ અને અગ્નિ શમન કર્મયોગીઓની કુશળ કામગીરીથી વહેલી સવારના (તા.૧૨ ની) પોણા બે વાગ્યાની આસપાસ આગને કાબૂમાં લઈને સ્થળ અને આસપાસના વિસ્તારોમાં કૂલિંગની કામગીરી કરવામાં આવી હતી.ટાંકી નં. ૬૯ ને પણ તાપમાનના વધારાથી અસર થઈ હતી. જો કે, બંને ટાંકીઓ સહિત હાલ આગ સંપૂર્ણ પણે બુઝાઈ ગઈ છે. આ દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારી ધીરેન મકવાણા અને શૈલેષ ઝાલાનું મરણ થયું છે. અન્ય એક ઇજાગ્રસ્ત હાલમાં સારવાર હેઠળ ભયમુક્ત હાલતમાં છે. અગ્નિ શમન કામગીરીમાં ભરૂચ અને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રનો સહયોગ મળ્યો હતો. તેમના દ્વારા હાલોલ અને અંકલેશ્વર થી ફોમ ટેન્ડર્સ મોકલવામાં આવ્યા હતા.
Reporter: admin