News Portal...

Breaking News :

બાળકીઓ નહિ વાનમાં થી તંત્રની ઈજ્જત ભોંય પર પટકાઈ છે

2024-06-22 10:45:26
બાળકીઓ નહિ વાનમાં થી તંત્રની ઈજ્જત ભોંય પર પટકાઈ છે


ભગવાન દયાળુ છે એટલે ગઈકાલે વાઇરલ થયેલો વિડિયો જોતા સ્કૂલ વાનમાં થી પટકાયેલી બાળકીઓ નો બચાવ ચમત્કાર થી ઓછો નથી.


પરંતુ આ ઘટના દર્શાવે છે કે બાળકીઓ ની સાથે વાનમાં થી તંત્રની ઈજ્જત જમીન પર પટકાઈ છે, ભોંયભેગી થઈ છે.મુખ્યત્વે ટ્રાફિક પોલીસ અથવા શહેર પોલીસ અને આર.ટી. ઓ.ની જવાબદારી આવી ઘટનાઓ ના ઘટે એ માટે પૂરતી તકેદારી રાખવા અને કડક ચકાસણી કરવાની છે.તેમના લીધે આ ઘટના થી સરકારની છબીને નુકશાન થયું છે.વાન ચાલકોના મંડળ કે સંગઠનો એ હજુ સુધી આ ઘટના માટે કોઈ પ્રત્યાઘાત આપ્યો નથી.આ મંડળો પોલીસ કે આરટીઓ સહેજ કડકાઈ દાખવે એટલે હડતાળની ધમકી સાથે તુરંત મેદાનમાં ઉતરી પડે છે.પરંતુ આ ઘટના દર્શાવે છે કે તેઓ પોતાના સાથી કે સદસ્ય વાન ચાલકોના બાળકોની સલામતીનો છેદ ઉડાડતા કરતૂતો સામે મૌન રહે છે.આ પ્રકારની રીતરસમો, બેદરકારી અને અંચાઈ થી તેઓ સારી પેઠે વાકેફ હોવા છતાં આંખ આડા કાન કરે છે.એટલે બે પાંચ ટકા આવા માથાભારે વાન ચાલકોની કરતૂતો પ્રમાણિકતા થી રોજી રળવા પ્રયત્નશીલ વાન વ્યવસાયીઓ ના આખા સમુદાયને બદનામી અપાવે છે.આ ઘટનામાં કુશળ અને લાયકાતવાળા વાહન ચાલકને વાન ચલાવવા આપવાની જવાબદારી માલિકની હતી.તેની સામે વાહન કાયદા ઉપરાંત ક્રિમીનલ કાયદાની લાગુ પડતી જોગવાઈઓ હેઠળ કેસ કરવો જોઈએ અને બંને ને જેલ ભેગા કરવા જોઈએ.લાગે છે કે આ ઘટના સી.સી.ટીવી માં કેદ થઈ ગઈ એટલે ઉજાગર થઈ છે.અન્યથા તેનો ખુલાસો જ ના થયો હોત અને તે દબાઈ ગઈ હોત.અમદાવાદ પોલીસે હાલમાં રોંગ સાઇડ વાહન હંકારનારાઓ સામે ઝુંબેશ શરૂ કરી છે.ખોટી બાજુએ અને સતત લાંબા અંતર સુધી વાહન ચલાવવાની બાળકો અને રાહદારીઓને જોખમમાં મૂકનારી બેદરકારી સૌ થી વધુ સ્કૂલ વર્દી વાહનોના ચાલકો આચરે છે.તે પછી આ ગફલત કરનારાઓ માં બાળકોને દ્વિચક્રી વાહનોની પાછળ ની સીટ પર બેસાડી શાળામાં મુકવા આવતી માતાઓ,મોટી બહેનો કે ભાઇઓ અને ક્યારેક પિતા કે દાદા,નાના આચરે છે.ક્યારેક બે કે ત્રણ બાળકોને બેસાડ્યા હોય અને ખોટી બાજુએ થી વાહન હંકારતા હોય એવા દ્રશ્યો જોવા મળે છે.વડોદરામાં પણ આર. ટી.ઓ અને પોલીસે wrong side Raju ની આ પ્રવૃત્તિ કડકાઈ થી ડામી દેવાની જરૂર છે. પહેલીવાર નો ગુનો છે એટલે જવા દઉં છું ની રહેમ કરવા જેવી નથી.અખબાર અને મીડિયામાં ઝુંબેશ ની તારીખ જાહેર કરી આવા લોકો ઝડપાય કે તુરત સ્થળ પર કાયદા પ્રમાણે દંડ વસૂલવાની અને ના ભરે તો વાહન જપ્ત કરવાની સખ્તાઈ જરૂરી છે.


સર્પાકારે વાહન ચલાવવું એ સ્કૂલ વર્ધી વાહનોના ચાલકોનો ગમતો શોખ છે.થોડાક કે જૂજ લોકો કેફમાં હોય એવી શક્યતા નજર અંદાજ કરવા જેવી નથી.અને ખોટી બાજુએ થી વાહન કાઢવાની બેદરકારી મોટાભાગના વાહન ચાલકો ખાસ કરીને ટ્રાફિક સર્કલ પર આચરે છે.u ટર્ન લેવો હોય તો સર્કલ નો ફેરો કરીને વાહન કાઢવાને બદલે વચ્ચે થી જ વાહન સામેના રસ્તે વાળી દેવું એ ગમતી રમત થઈ ગઈ છે જે બીજા વાહન ચાલકો અને રાહદારીઓ ને જોખમમાં મૂકે છે.ચાર રસ્તાઓ પર મોટેભાગે ટ્રાફિક બ્રિગેડ ના યુવક યુવતીઓ જ ઉભેલા જોવા મળે છે.ડ્યુટી ની શરૂઆતમાં થોડો સમય આ લોકો રસ્તા પર ઊભા રહીને થોડું કામ કરે છે.પછી છાંયડો શોધી મોબાઈલમાં ટ્રાફિક કંટ્રોલ કરવામાં લાગી જાય છે.ટ્રાફિક શાખાના વર્દિધારી કર્મચારીઓ લગભગ તો જોવા મળતા જ નથી.ટ્રાફિક રામ ભરોસે ચાલે છે,સફેદ પટ્ટાની આગળ સુધી વાહનો ઊભા કરી દેવાય છે,સિગ્નલ ખૂલે તે પહેલાં,બીજી ખુલ્લી બાજુએ થી આવતા વાહનોને જોખમમાં મૂકીને વાહન દોડાવી જનારાઓ ને રોકનાર કોઈ નથી.રિક્ષાઓ વાળા કે અન્ય વાહનોવાળા સી.સી.ટીવી થી બચવા નંબર પ્લેટ પર અવરોધ મૂકી દે છે.એટલે કેમેરાની આંખે ગુનેગારો  પકડાતા નથી. અને મુંબઈ કે અમદાવાદમાં આ પ્રવૃત્તિઓ સામે સખ્તાઈ આચરવામાં આવે જ છે તો વડોદરામાં કેમ દયા દાખવવામાં આવે છે.જરૂર છે ટ્રાફિક બ્રિગેડના જવાનો સાથે પ્રત્યેક પોઇન્ટ પર એક બે કાયમી વર્દીધારી કર્મચારીઓ દેખાય તે રીતે તૈનાત રહે.ઉનાળા ચોમાસા માં તેઓ ઊભા રહી શકે તે માટે છાયા વાળી નાની પીઠિકા રસ્તાની ચારે બાજુએ બનાવેલી હોય.સી.સી.ટીવી ઉપરાંત બોડી વોર્ન કેમેરા ના ફૂટેજ ચેક કરી કસૂરવારો ને પકડવામાં આવે.કરવું હોય તો ઘણું થઈ શકે.પરંતુ વડોદરાના સ્વભાવમાં હોતી હૈ ચલતી હૈ ની મોજીલી વૃત્તિ વણાઈ ગઈ એટલે પછી ફરજનું પાલન કરવનારાઓમાં આ સંસ્કાર ઘર કરી જાય છે અને આવી ઘટનાઓ ઘટતી રહે છે. મોંઘામાં મોંઘી ગાડી ખરીદવાની ક્ષમતા ટ્રાફિક શિસ્ત પાળવાની ટેવ પાડી શકતી નથી!!!

Reporter: News Plus

Related Post