નવી દિલ્હી : દુષ્કર્મ કેસમાં આરોપી અને ફરિયાદી મહિલા વચ્ચે કોર્ટ બહાર થયેલી એક સમજૂતીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. સાથે જ કહ્યું હતું કે રૂપિયા લઈને થયેલી સમજૂતીના આધારે રેપના કેસોની ફરિયાદો રદ કરવા લાગીશું તો ન્યાયનું વેચાણ થયું ગણાશે. જેથી આવી કોઈ જ સમજૂતી ના સ્વીકારી શકાય.
આરોપીએ દિલ્હી હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા માટે અપીલ કરી હતી, જેની સુનાવણી દરમિયાન આરોપીએ એવો દાવો કર્યો હતો કે ફરિયાદી મહિલાએ મારી સાથે ફરિયાદ પરત લેવા માટે દોઢ લાખ રૂપિયામાં સમજૂતી કરી લીધી છે. માટે આ ફરિયાદને રદ કરી દેવામાં આવે. જોકે હાઇકોર્ટે આ દલીલોને ફગાવતા કહ્યું હતું કે રેપના કેસમાં કોર્ટ બહાર સમજૂતી કરીને ફરિયાદ રદ કરવાની માગણી ના કરી શકાય.હાઈકોર્ટના ન્યાયાધીશ સ્વરણા કાંતા શર્માએ કહ્યું હતું કે શારીરિક છેડતી કે રેપના કેસોમાં રૂપિયા લઈને કરાયેલી સમજૂતીનો સ્વીકાર ના કરી શકાય.
ફરિયાદમાં મહિલાએ દાવો કર્યો હતો કે આરોપીએ પોતાની ઓળખ છુપાવી હતી અને પોતે છૂટાછેડા લઈ લીધા હોવાનો દાવો કર્યો હતો, બાદમાં મારી સાથે લગ્નનુ વચન આપીને શારીરિક સંબંધ બાંધ્યો હતો. દિલ્હી હાઇકોર્ટેનોંધ્યું હતું કે જો આ કેસમાં મહિલા દ્વારા જુઠો કેસ દાખલ કરવામાં આવ્યો હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. હાલ રેપના આ કેસમાં ફરિયાદ રદ કરવાની માંગ કરતી આરોપીની અપીલને હાઈકોર્ટે ફગાવી દીધી હતી.
Reporter: News Plus