વડોદરા : હાથીખાના નજીક રામદેવપીરની ચાલીમાં રહેતી મહિલાની જાહેર રોડ ઉપર છેડતી કરતા મહિલાના પિતાએ આ મામલે આરોપીની પત્નીને ઠપકો આપતા આરોપી ઘરમાં ઘુસી આવ્યો હતો અને મહિલાના પિતાની ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરી હતી.
આ કેસ વડોદરા કોર્ટમાં સ્પે.એટ્રોસિટી એક્ટ હેઠળ ચાલ્યો હતો જેમા આરોપીને કોર્ટે આજીવન સખત કેદની સજા ફટકારી છે.હાથીખાના શેરી નં.૨ રામદેવપીરની ચાલીમાં રહેતી અંજલી દેવજીભાઇ સોલંકીએ ફરિયાદ આપી હતી કે તા.૧૩ માર્ચ ૨૦૨૧ના રોજ મોડી રાત્રે માતા ગૌરીબેનને છાતીમાં દુખાવો થતા સંબંધી મહિલા ખબર પુછવા આવ્યા હતા તેઓ પરત જતા હતા ત્યારે હું તેમને રોડ સુધી છોડવા ગઇ હતી. પરત આવતી હતી ત્યારે રસ્તામાં રામદેવપીરની ચાલીમાં જ રહેતો વરૃણ ઉર્ફે અરુણ મહેન્દ્રભાઇ પેલ (ઉ.૩૪) રસ્તામાં મળ્યો હતો અને મને કહ્યું હતું કે મને મળ મારે તારૃ કામ છે.
મે ના પાડતા તેણે કહ્યું હતું કે તુ કેટલી સારી છે તે મને ખબર છે. આ વાતની જાણ મે ઘરે જઇને માતા પિતાને કરતા મારા પિતા દેવજીભાઇ અને માતા ગૌરીબેન મોડી રાત્રે વરૃણના ઘરે ગયા હતા ત્યાં તેની પત્ની હાજર હતી એટલે તેને જાણ કરી હતી જે બાદ પરત આવી ગયા હતા.રાત્રે ૧૨ વાગ્યાના અરસામાં વરૃણ ચપ્પુ લઇને બુમો પાડતો અમારા ઘરમાં ઘુસી આવ્યો હતો એટલે મારા પિતા જીવ બચાવવા બહાર ભાગ્યા હતા તો વરૃણે તેઓને પકડી લઇને પેટમાં ચપ્પુ મારી દીધુ હતું. તેને ગંભીર હાલતમાં એસએસજી લઇ ગયા હતા જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ કેસમાં પોલીસે વરૃણની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધો હતો હવે વરૃણે આખી જિંદગી જેલમાં વિતાવી પડશે.
Reporter: admin