News Portal...

Breaking News :

કોર્પોરેશને 8 હજાર વૃક્ષો વાવ્યા પણ ખરેખર આ વૃક્ષોનો ઉછેર અને માવજત બાબતે કોઇ કાળજી લે છે ખરી ?

2025-09-27 12:32:37
કોર્પોરેશને 8 હજાર વૃક્ષો વાવ્યા પણ ખરેખર આ વૃક્ષોનો ઉછેર અને માવજત બાબતે કોઇ કાળજી લે છે ખરી ?


માત્ર સરકારને બતાવવા માટે અને દેખાડો કરવા ફોટો સેશન પુરતું જ વૃક્ષારોપણ કરી નેતાઓ જતા રહે છે. 



વડોદરા કોર્પોરેશન દ્વારા આજે દંડક બાળકૃષ્ણ શુક્લ અને કોર્પોરેશનના પદાધિકારીઓની હાજરીમાં એક પેડ માં કે નામ, અંતર્ગત શહેરના અલગ અલગ ઝોન અને વોર્ડ ઓફિસ ખાતે પ્લાન્ટેશન અને પ્લાન્ટ વિતરણની કામગીરી કરાઇ હતી. કોર્પોરેશને જણાવ્યું હતું કે શહેરના ઉત્તર ઝોન વિસ્તારમાં 5500 નંગ જેટલા મિયાવાકી પદ્ધતિથી અર્બન ફોરેસ્ટમાં પ્લાન્ટનું પ્લાન્ટેશન કરાયુ હતું. જ્યારે પશ્ચિમ ઝોન વિસ્તારમાં પ્લોટમાં તથા ડિવાઇડરમાં અંદાજે 250 વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયુ હતું. તો દક્ષિણ ઝોનમાં 200 જેટલા વૃક્ષો તથા પૂર્વ ઝોનમાં 100 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયુ હતું. અલગ અલગ વોર્ડ ઓફિસમાં 2500 જેટલું વૃક્ષારોપણ કરાયું હતું. સવાલ એ છે કે કોર્પોરેશન દર વર્ષે આ પ્રમાણે ચોમાસા દરમિયાન વૃક્ષારોપણ કરે છે. ખરેખર તે વૃક્ષોની યોગ્ય જાળવણી કરીને તેનો ઉછેર કરવામાં આવે છે કે કેમ તેની દરકાર રાખતું નથી. આ વર્ષે અંદાજે આઠ હજાર વૃક્ષો વાવ્યા પણ તેમાંથી કેટલા વૃક્ષો યોગ્ય રીતે ઉછેર પામશે તે સૌથી મોટો પ્રશ્ન છે. માત્ર સરકારને દેખાડવા માટે અને લોકોમાં વાહવાહી કરવા માટે કોર્પોરેશન તથા ધારાસભ્યો તથા સાંસદ અને કોર્પોરેટરો વૃક્ષારોપણ કરી દે છે પણ ખરેખર તેમણે જે વૃક્ષો વાવ્યા છે તે વૃક્ષો યોગ્ય રીતે ઉછેર કરાય છે કે કેમ તેનું ફોલોઅપ પણ લેતા હશે કે કેમ તે પ્રશ્ન છે. માત્ર દેખાડો કરવો એ અલગ વાત છે પણ ખરેખર પર્યાવરણની રક્ષા કરવી હોય તો તમે જે વૃક્ષારોપણ કરો છો તેનું ફોલોઅપ લો અને રોજે રોજ તેનો યોગ્ય રીતે ઉછેર થાય છે કે કેમ તેની ચકાસણી કરો.બધા જ નેતાઓને આ સુંઝતું નથી.વૃક્ષારોપણનાં તાયફા બંધ કરો અથવા તો પછી યોગ્ય રીતે વૃક્ષો ઉગે તે માટેની દરકાર કરો

અત્યાર સુધી સવા લાખ વૃક્ષો વાવ્યા
અમે આજે 8500 વૃક્ષો વાવ્યા છે અને આ વખતની ડ્રાઇવમાં સવા લાખ વૃક્ષો શહેરમાં વાવ્યા છે. ગઇ સાલ કેટલા વૃક્ષો વાવેલા તે મને યાદ નથી. જ્યાં સુધી માવજતની વાત છે ત્યાં સુધી માવજત માટે ઘણી સામાજીક સંસ્થાઓ અને  એનજીઓ કાળજી લે છે. અમે સદભાવના મિશનને 25 હજાર વૃક્ષો 3 વર્ષની માવજત કરે તેવી શરત કરીને આપ્યા છે. નાગરીકોની પણ આ માટે જવાબદારી છે તેથી તેમને પિંજરા આપીએ છીએ. ખાસ કરીને ચોમાસા પછી કાળજી વધારે રાખવી પડે. બેંકો, શાળા કોલેજો અને સરકારી ઓફિસો પર વધારે પ્લાન્ટેશન થાય તેના માટે અમે ધ્યાન રાખીએ છીએ. શહેરમાં ગ્રીન બેલ્ટ વધારવાનો પ્રયાસ છે. આ માટે 135 ગાર્ડન બનાવ્યા છે. મિયાવાકી પદ્ધતિતી થીમ આધારીત ફોરેસ્ટ બને તે આશય છે. 6 મહિનામાં 5 લાખ અને બે ત્રણ વર્ષમાં 20 લાખ વૃક્ષો વાવવાનો અમારો સંકલ્પ છે. નાગરીકોની મદદથી ડ્રાઇવ સફળ થાય તેવી અપેક્ષા છે.

ડો.શીતલ મિસ્ત્રી, ચેરમેન 



વૃક્ષારોપણની વાતો તો મોટી પણ જમીન પર કંઇ નહી

વડોદરા મ્યુનિ. કોર્પોરેશને 2 વર્ષ પહેલા  વિશ્વ પર્યાવરણ દિનથી ઝુંબેશ સ્વરૃપે વૃક્ષારોપણ શરુ કર્યું હતું. તે વખતે 2 વર્ષમાં 20 લાખ વૃક્ષોનું વાવતર કરવાની વાતો કરી હતી પણ હવે હજુ બે ત્રણ વર્ષમાં 20 લાખ વૃક્ષો વાવવાની વાતો કરે છે. હાલમાં વડોદરા શહેરમાં કૂલ જમીની વિસ્તારના 17% ભાગમાં ગ્રીન કવર છે જે વધારી આગામી સમયમાં 30% કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલો છે. ''એક પેડ માં કે નામ' 'મિશન ૨.૦' અંતર્ગત વેબ પોર્ટલ લોંચ કરવામાં આવ્યું છે. જેમાં શહેરના લોકો પોતાની જરૂરિયાત મુજબ રોપા-છોડવાઓની માંગણી કરી શકશે.શહેરના વિવિધ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટ કરેલું પાણી વૃક્ષોને સિંચન કરવામાં વપરાશે. જો કે કોર્પોરેશન વૃક્ષારોપણ માટે વાતો તો મોટી મોટી કરે છે પણ જમીન પર કંઇ દેખાતું નથી તે હકિકત છે.જેટલા કમિશનર, મેયર, ચેરમેન આવે છે તેઓ દસ લાખ- વીસ લાખ છોડો વાવી ગયાનો દાવો કરે છે. એ છોડવા,વૃક્ષ સ્વરૂપ થઈને જનતા સમક્ષ દેખાવા તો જોઈએ,એ છે ક્યાં ? કોને મૂર્ખ બનાવો છો ? ગ્રીન કવરની વાતો કરીને લોકોને બેવકૂફ બનાવો છો ? પાલિકા હસ્તકના બગીચા, સર્કલ,જંકશન,ડિવાઇડર, પાલિકાની પોતાની મિલકતોમાં વાવણી કરો તોય ઘણું છે. સામી ચૂંટણીએ આવા કાર્યક્રમો કરી લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે તાજેતરમાં વિશ્વામિત્રી નદીનાં પટ-કિનારા ઉપર વાવેલા તમામ ઝાડવા જળમગ્ન થઈ ચૂક્યા છે. એનો ખર્ચ કોણ ભોગવશે ? સરકારમાંથી આવેલી રકમને વેડફી દીધી.

Reporter: admin

Related Post