બાંધકામ પરવાનગી શાખાના ભ્રષ્ટ અધિકારીઓના મેળાપીપણામાં કોમ્પલેક્ષના ત્રીજા માળે હોટલ રૂમોનું ગેરકાયદેસર બાંધકામ.
વિહવ ઇનસાઇન કોમર્શિયલ કોમ્પલેક્ષમાં મંજૂરી વિના હોટલ રૂમોનું ગેરકાયદેસર બાંધકામ..
ગોત્રી પોલીસ સ્ટેશન નજીક ગોત્રી-ભાયલી રોડ પર આવેલા વિહવ ઇનસાઇન કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ઓફિસ ઉપયોગ માટે મંજૂર.
બિલ્ડિંગમાં નિયમોનું ઉલ્લંઘન કરી કોમ્પલેક્ષનાં ત્રીજે માળે ઓફિસની જગ્યાએ હોટલ રૂમો બનાવવાની ફરિયાદ ઉઠી છે. ઓનર્સ કો.ઓપ.સોસાયટી દ્વારા ટાઉન ડેવલપમેન્ટ વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવા લેખિત માંગ કરાઈ છે. પેટા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન પાસે વાસણા રોડ પર આવેલ વિહવ ઇનસાઇન નામના કોમર્શિયલ કોમ્પલેક્ષમાં મંજૂરી લીધા વગર ગેરકાયદેસર રીતે હોટલ રૂમોનું બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ સામે આવી છે. આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા વિહવ ઇનસાઇન પ્રિમાઇસિસ ઓનર્સ કો-ઓપરેટિવ સર્વિસ સોસાયટી દ્વારા કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસરને લેખિત પત્ર પાઠવવામાં આવ્યો છે.સોસાયટીના પ્રમુખ, સેક્રેટરી સહિતના સભ્યોની સહી સાથે મોકલાયેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે વિહવ ઇનસાઇન નામના કોમર્શિયલ કોમ્પલેક્ષની મૂળ મંજૂરી ઓફિસ ઉપયોગ માટે લેવામાં આવી છે. તેમ છતાં, ત્રીજા માળ પર આવેલી ઓફિસ નંબર 301 થી 305 ના કબજેદાર ચિંતન કટારીયા દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી કે જરૂરી પરવાનગી લીધા વગર હોટલ રૂમોનું બાંધકામ પુરજોશમાં કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત, કોમન પેસેજમાં દબાણ કરવામાં આવી રહ્યું છે તેમજ બિલ્ડિંગના એલિવેશનમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે.આ બાંધકામ ગુજરાત ટાઉન પ્લાનિંગ અને અર્બન ડેવલપમેન્ટ અધિનિયમ હેઠળ લાગુ પડતા બિલ્ડિંગ બાયલોઝ તેમજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. પત્રમાં વધુમાં જણાવાયું છે કે ઓફિસ પ્રાંગણમાં હોટલ જેવી પ્રવૃત્તિ ચલાવવી કાયદેસર રીતે માન્ય નથી. આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કારણે આસપાસના વિસ્તારની શાંતિ, સુરક્ષા, સ્વચ્છતા તથા ટ્રાફિક વ્યવસ્થામાં ગંભીર અડચણો ઊભી થઈ રહી છે.પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ બાંધકામ અંગે ઇનસાઇન પ્રિમાઇસિસ ઓનર્સ કો-ઓપરેટિવ સર્વિસ સોસાયટી લિમિટેડને કોઈ લેખિત જાણ કરવામાં આવી નથી કે એનઓસી લેવામાં આવી નથી. તેમજ કોઈપણ પ્રકારની બિલ્ડિંગ પરમિશન કે ચેન્જ ઓફ યુઝની મંજૂરી પણ પ્રાપ્ત કરવામાં આવી નથી. ઉપરાંત પાર્કિંગ, ડ્રેનેજ, જાહેર સુરક્ષા સહિતના કોમન નિયમોનું પણ પાલન કરવામાં આવતું નથી.આ ગેરકાયદેસર બાંધકામના કારણે આજુબાજુની અન્ય ઓફિસો, કોમન એરિયા, બિલ્ડિંગના સ્ટ્રક્ચર, પ્લમ્બિંગ લાઇન તથા ઇલેક્ટ્રિકલ સિસ્ટમને ગંભીર નુકસાન થતું હોવાનું પણ સામે આવ્યું છે, જે સમગ્ર બિલ્ડિંગની સુરક્ષા માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે. આ મામલે તાત્કાલિક સ્થળ તપાસ કરી ચાલુ બાંધકામ રોકવામાં આવે, નિયમ વિરુદ્ધ થયેલ બાંધકામ દૂર કરવામાં આવે તથા જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઉપરાંત થયેલ ભૌતિક નુકસાનની વસૂલાત સંબંધિત પક્ષ પાસેથી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.
બાંધકામ પરવાનગી શાખાના અધિકારીઓનાં મેળાપીપણામાં આ ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે?
કોમર્શિયલ કોમ્પલેક્ષમાં મંજૂર થયેલા બિલ્ડિંગમાં કોઈપણ જાતની પરવાનગી લીધા વગર મૂળ સ્ટ્રક્ચરમાં તોડફોડ કરીને બિન્ધાસ્ત બાંધકામ કરવામાં આવે તો તેનો સીધો અર્થ એ થાય છે કે બાંધકામ પરવાનગી શાખાના કર્મચારીઓને આ ભાઈએ હાથમાં રાખ્યા છે. કોઈનો ભય રાખ્યા વગર હોટલ રૂમો બનાવવાની પેરવી કરવામાં આવી છે.કોમર્શિયલ કોમ્પલેક્ષ હોવાથી સંબંધિત સોસાયટી પાસેથી એનઓસી લેવી તેમજ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસમાંથી મંજૂરી લેવી ફરજિયાત હતી, પરંતુ આ કેસમાં નિયમોનું પાલન થયું નથી. ટાઉન પ્લાનિંગ કચેરીના ભૂતકાળના અનુભવો જોતા, કર્મચારી કે અધિકારીની સાંઠગાંઠ વગર આ રીતે બિન્ધાસ્ત બાંધકામ શક્ય નથી. આ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવી જરૂરી બની છે.ગેરકાયદેસર બાંધકામ કરનાર વડોદરા મ્યુ.કોર્પોરેશનનો વિવાદિત કોન્ટ્રાક્ટર વેલજી સોરઠીયાનો સાગરીત છે.જે પાલિકાના સત્તાધિશો-પદાધિકારીઓ સાથે સીધા સંકળાયેલો છે.
Reporter: admin







