વડોદરાના અનેક વિસ્તારોમાં ગંદકી અને કચરાના ઢગલા જોવા મળતાં સ્વચ્છતા ઝુંબેશની હકીકત બહાર આવી છે.

ગતરોજ પ્રધાનમંત્રીના જન્મદિવસના અવસર પર શહેરના પદાધિકારીઓ, ધારાસભ્યો અને નેતાઓએ સ્વચ્છતા અભિયાનના બણકા ફૂંક્યા હતા, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ બિલકુલ જુદી જોવા મળી રહી છે.વડોદરા શહેરને સ્વચ્છ બનાવવાની દાવા કરતી પાલિકાની કચેરીની બહાર જ કચરાના ઢગલા જોવા મળ્યા છે. મહાનગરપાલિકાની વડી કચેરી પાછળ પણ ઠેરઠેર કચરો અને ગંદકી ફેલાઈ છે. મેયર, ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર સ્વચ્છતા વિશે ચર્ચા કરે છે, પરંતુ પોતાની જ કચેરીની પાછળના વિસ્તારમાં તંત્ર સફાઈ જાળવવામાં નિષ્ફળ રહ્યું છે.

શહેરભરમાં જમા થતા કચરાથી નાગરિકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. નાગરિકોને ચિંતા છે કે સફાઈ જાળવવામાં ઉદાસીનતાના કારણે વડોદરા સ્વચ્છતા સર્વેક્ષણમાં પાછળ ધકેલાઈ શકે છે. તેથી વોર્ડવાઈઝ સફાઈની માંગ ઉઠી રહી છે.સ્થાનિક લોકોનું કહેવું છે કે પ્રધાનમંત્રીના જન્મદિવસે અધિકારીઓ અને નેતાઓએ માત્ર ફોટા પાડવા માટે સફાઈ અભિયાનનું નાટક કર્યું હતું. હવે આવાં દેખાવ આધારિત અભિયાન બંધ કરી, ખરેખર સતત અને અસરકારક સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવી જોઈએ તેવી તીવ્ર માંગ ઉઠી રહી છે.





Reporter: admin







