શહેર ટ્રાફિક પોલીસ શાખા ભરણસિંહની ચૂંગાલમાં ફસાયેલી છે અને તેના રોજ પુરાવા મળી રહ્યા છે. અમિત નગર સર્કલ પાસે ખાનગી વાહનોનો ખડકલો અને દિવસ દરમિયાન ભારદારી વાહનોનો પ્રવેશ તેના પુરાવા છે.

શહેરના ટ્રાન્સપોર્ટરને ગેરકાયદેસર શહેરમાં પ્રવેશ અપાવાની મંજૂરીના નામે ધમકાવીને ટ્રાફિક પોલીસના 2 ભરણસિંહે 5 લાખ માંગ્યા બાદ 10 હજાર રુપિયાનો તોડ કર્યો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ શહેર પોલીસ કમિશનર પણ ચોંકી ઉઠ્યા હતા અને બંને પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી પોલીસ હેડક્વાર્ટરમાં બદલી કરી દીધી હતી. જો કે ટ્રાફિક શાખામાં હજું પણ ભરણસિંહની બોલબાલા છે કારણ કે આજે પણ અમિત નગર સર્કલ પાસે એક ભરણસિંહના માર્ગદર્શન મુજબ લકઝરી બસ ધોળા દિવસે જોવા મળી હતી. શહેર ટ્રાફિક પોલીસમાં ઘણા એવા વહિવટદારો છે જે શહેરમાં ખાનગી વાહનોને ઉભી રહીને મુસાફરો ભરાવડાવે છે તો ધોળા દિવસે પણ તેમની મારફતે લકઝરી બસો શહેરમાં પ્રવેશે છે. આવા જ એક વહિવટદાર શેખાવત દ્વારા લકઝરી બસોને બિન્ધાસ્ત શહેરમાં પ્રવેશવા દેવામાં આવે છે અને ટ્રાફિક પોલીસ વિભાગ પણ તેને મૂક પ્રેક્ષક બનીને જોયા કરે છે. આજે અમિત નગર સર્કલ પાસે ધોળા દિવસે લકઝરી બસો જોવા મળી હતી અને તપાસ કરાતા જાણવા મળ્યું હતું કે શેખાવત નામના વહિવટદારની કૃપાથી આજે પણ લકઝરી બસો ધોળા દિવસે ટ્રાફિકના તમામ નિયમોનો ભંગ કરીને શહેરમાં પ્રવેશે છે.

શેખાવત જેવા વહિવટદારો ઉચ્ચ પોલીસ અધિકારીઓથી પણ ડરતા નથી. કારણ કે હજું ગઇ કાલે જ ટ્રાફિક શાખાના 2 ભરણસિંહ એએસઆઇ ભરત અને કોન્સ્ટેબલ ઘનશ્યામને પોલીસ કોન્સ્ટેબલની બદલી કરી હતી પણ આમ છતાં વહિવટદારો હજું પણ પોતાની મનમાની ચલાવીને ભારદારી વાહનોને અને ખાનગી વાહનોને શહેરમાં પ્રવેશ કરાવી રહ્યા છે. તેમને ટ્રાફિક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સાથે ઉઠક બેઠક છે પણ શહેર પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓને તે ગાંઠતા પણ નથી નહીંતર આજે આ લકઝરી બસ શહેરમાં પ્રવેશતી જોવા ના મળત. ટ્રાફિક પોલીસ (પૂર્વ) દ્વારા માત્ર શનિ રવિના બે દિવસ પુરતું ઝુંબેશ ચલાવીને ભારદારી વાહનોને શહેરમાં પ્રવેશવા દેવાયા ન હતા અને અમિત નગર પાસેથી પણ ઇકો સહિતના ખાનગી વાહનોને ડિટેઇન કરાયા હતા પણ પાછું જેવી અગાઉ સ્થિતી હતી તેવી સ્થિતી થઇ ગઇ છે કારણ કે વહિવટદારોએ જ ટ્રાફિક પોલીસ વિભાગનો કબજો લઇ લીધો છે . શહેર પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ જો આવા વહિવટદારો સામે કાર્યવાહી નહીં કરે તો કોઇ હેતુ સરશે નહીં કારણ કે વહિવટદારો થકી જ ટ્રાફિક પોલીસ શાખા ચાલતી હોય તેવું ચિત્ર અત્યારે જોવા મળી રહ્યું છે.

Reporter: admin