આમ તો શહેરની તમામ સરકારી કચેરીઓમાં નાગરિકો પોતાના કામ માટે આવતાં હોય છે પણ તમે જો શહેરના કુબેરભુવનમાં છઠ્ઠા માળે આવેલી સબ રજીસ્ટ્રાર કચેરીમાં જશો તો તમને રખડતાં કૂતરાં જોવા મળી શકે છે.

કારણકે કચેરી તમામ માટે ખુલ્લી છે અને શ્વાન પણ તેનો સહેલાઇથી લાભ ઉઠાવીને સબ રજીસ્ટ્રાર કચેરીમાં આવીને આંટા ફેરા કરતા દેખાય છે. ઠંડક લાગે ત્યાં પંખાના નીચે નિરાંતે ઉંઘી પણ જાય છે. કુબેરભુવનના છઠ્ઠા માળે આવેલી સબ રજીસ્ટ્રાર કચેરીમાં સમગ્ર શહેર- જિલ્લામાંથી રોજ અનેક લોકો દસ્તાવેજ નોંધણી કરાવવા માટે આવતા હોય છે. લોકોની અવર જવરથી ધમધમતી આ કચેરીમાં કૂતરાંનો પણ ત્રાસ વધી ગયો છે. નવાઇની વાત એ છે કે આ કૂતરાં છેક છઠ્ઠા માળ સુધી પહોંચી જાય છે અને ત્યાં સુધી તેમને આ બિલ્ડીંગમાંથી બહાર કાઢવામાં આવતા નથી.
કૂતરા બિન્ધાસ્ત બનીને સબ રજીસ્ટ્રાર કચેરીમાં લોકોની વચ્ચે જ આંટાફેરા મારે છે અને ક્યારેક તો સરકારી બાબુઓની ચેમ્બરમાં પણ ઘુસી જાય છે.ક્યારેક લીફ્ટમાં કંપની આપે છે. શહેરના જહેર રસ્તા, અને ગલીઓ તથા પોળોમાં આંટા ફેરા મારી રહેલા કૂતરાની ટોળકી હવે સરકારી કચેરીઓનાં સંકુલમાં પણ પહોંચી ગઈ છે. આ કૂતરાં કોઇ દિવસ પોતાના કામ માટે આવેલા નાગરિકોને કરડશે તેવો ભય સતાવી રહ્યો છે. કૂતરા તો સરકારી કર્મચારી કે અધિકારીને પણ કરડી શકે છે તેમ છતાં સરકારી કર્મચારીઓ કૂતરાને બહાર કાઢવાના કોઇ પ્રયાસ કરતાં નથી.જે રીતે સબ રજીસ્ટ્રાર કચેરીમાં કૂતરા લટાર મારી રહ્યા છે તે જોતાં હવે સબ રજીસ્ટ્રાર કચેરીમાં જાહેર ચેતવણીનું બોર્ડ લગાડવું જરુરી છે કે કોઈ સરકારી કચેરીમાં કૂતરું કરડે તો સયાજી સરકારી હોસ્પિટલ, જમનાબાઈ, પાલિકાના પબ્લિક હેલ્થ સેન્ટરમાં ૧૪ ઈન્જેક્શનની નિશુલ્ક સુવિધા ઉપલબ્ધ છે.
Reporter: admin







