મેયર, ચેરમેન અને કમિશનરનો કકળાટ..
વડોદરા કોર્પોરેશનમાં પાંચ પદાધીકારીઓની રાજકીય હૂંસાતુસીથી નવા શહેર પ્રમુખ બનેલા ડો.જયપ્રકાશ સોની ચોંકી ઉઠ્યા છે. શહેર પ્રમુખ ડો.સોનીએ આજે આ મામલે પાંચેય પદાધીકારીઓ સાથે બેઠક કરી હતી અને તમામની રજૂઆતો સાંભળી હતી. શહેર પ્રમુખ બન્યા બાદ તુરત જ ડો.જયપ્રકાશ સોનીને ભાજપમાં ચાલતી આંતરીક જૂથબંધીનો કડવો અનુભવ થઇ ગયો છે. બેઠકમાં તેમણે પાંચે પદાધીકારીઓને ખખડાવ્યા હતા અને શહેરના વિકાસ માટે તમામે સાથે મળીને કામ કરવા કડક તાકિદ કરી હોવાનું પણ જાણવા મળે છે.

કોર્પોરેશનમાં સત્તા પર રહેલા ભાજપમાં સૌથી ખરાબ આંતરીક જૂથબંધી અત્યારે જોવા મળી રહી છે જે ક્યારેય ભુતકાળમાં જોવા મળી નથી. કોર્પોરેશનના પાંચેય પદાધીકારીઓ શહેરને યોગ્ય વિકાસના રસ્તે લઇ જવાના બદલે પોતાના વ્યક્તિગત સ્વાર્થ પર વધુ ધ્યાન આપી રહ્યા છે. વડોદરાવાસીઓને યોગ્ય સુવિધા મળે, શહેરનો વિકાસ થાય તેવા રચનાત્મક કાર્યો માટે પ્રજાએ તેમને ચૂંટ્યા છે અને પક્ષે તેમને પદ સોંપીને આ જવાબદારી સોંપી છે ત્યારે પાંચેય પદાધીકારીઓએ પોતાનો ઇગો ભુલીને શહેરના વિકાસ માટેના કાર્યો કરવા જોઇએ પણ તેના બદલે આ પદાધીકારીઓ પોતાનો અહં સંતોષવા તથા પોતાનો વ્યક્તિગત લાભ થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે. આંતરિક હુંસાતુસીના કારણે ભાજપને પણ નુકશાન થઇ શકે છે ત્યારે આ બાબત નવા શહેર પ્રમુખ ડો.જયપ્રકાશ સોનીના ધ્યાનમાં આવતાં તેમણે ગુરુવારે પાંચેય પદાધીકારીઓની ખાસ બેઠક બોલાવી હતી.નવા બનેલા નમો કમલમ કાર્યાલય ખાતે શહેર પ્રમુખે પાંચેય પદાધીકારીઓ સાથે બેઠક યોજી હતી અને તમામને ખખડાવ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. શહેર પ્રમુખે આ પ્રકારની જૂથબંધી સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી અને તમામને સાથે મળીને વિકાસ અને રચનાત્મક કામોમાં જ ધ્યાન આપવા જણાવ્યું હતું.

બેઠકમાંથી બહાર નિકળેલા પદાધીકારીઓના ચહેરા પડી ગયેલા હતા...
બેઠકમાંથી બહાર નીકળેલા કોર્પોરેશનના પાંચેય પદાધીકારીઓના ચહેરા પડી ગયેલા જણાતા હતા. તેમણે મીડિયા સાથે કંઇ પણ વાત કરવાનો ઇન્કાર કર્યો હતો પણ તેમના ચહેરા જ ચાડી ખાતા હતા કે શહેર પ્રમુખે તેમને ખખડાવ્યા છે અને કડક ઠપકો આપ્યો છે. પદાધીકારીઓનો ઇગો પાર્ટીને પણ લઇને ડુબાડશે તે ચોક્કસ છે અને તે પહેલા જ નવા શહેર પ્રમુખે પોતાની સમક્ષ ઉભા થયેલા આ નવા પડકારને પોતાની રીતે સોલ્વ કરવાનો પ્રયાસ કર્યો છે.
પ્રમુખપદની મને જવાબદારી સોંપાયા બાદ સૌથી પહેલા પરિચય...
બેઠકો યોજાઇ હતી અને હવે રચનાત્મક કામો કઇ રીતે કરી શકાય તે બાબતે પદાધીકારીઓને બોલાવાનું શરુ કર્યું છે. ગઇ કાલે શિક્ષણ સમિતીના સભ્યોને બોલાવ્યા હતા અને શિક્ષણ ક્ષેત્રે શુ થઇ શકે તે બાબતે ચર્ચા કરી હતી અને તે રીતે આજે કોર્પોરેશનમાં સારુ કામ કઇ રીતે થઇ શકે તથા પ્રજાના કામ કરી સમસ્યાનું સમાધાન કઇ રીતે થઇ શકે તે બાબતે ચર્ચા કરી હતી. આ રુટીન બેઠક છે અને વખતોવખત હું આવી બેઠકો બોલાવીશ. જે કંઇ મીડિયામાં આવી રહ્યું છે તે બાબત મારા ધ્યાનમાં પણ આવી છે. મારી આ પદાધીકારીઓ સાથે પહેલી બેઠક હતી અને તે બાબતે પણ ચર્ચા કરાઇ છે અને તમામ સાથે મળીને કામ કરે તે બાબતે ચર્ચા થઇ છે.
ડો.જયપ્રકાશ સોની, શહેર અધ્યક્ષ, ભાજપ


Reporter: admin