જલસા કરો જેઠાલાલ,આવો મોકો નહી મળે.
લોકો સમક્ષ દેશભક્તિ- રાષ્ટ્રભક્તિની વાતો કરવાની,બીજી બાજુ ભ્રષ્ટાચારને પોતાનો અબાધિત અધિકાર સમજવાનો..
કરોડોની દરખાસ્તો, કરોડનાં ઠરાવો બાદ પણ વડોદરામાં વિકાસ દેખાતો નથી.વડોદરા સ્માર્ટ સિટી બની શક્યું નહી
ચૂંટણી પહેલા પાલિકામાં ખુલ્લી લૂંટ!
સ્થાયી સમિતિમાં કરોડોના કામો અબાઉ- રેટ નાં પણ મંજૂર !!
વિકાસના નામે તિજોરી ખાલી કરવાની તર્કબદ્ધ યોજના, કોન્ટ્રાક્ટરો–નેતાઓ–અધિકારીઓની ત્રિપાંખીય સાંઠગાંઠ
નવા શહેર પ્રમુખ આવ્યા બાદ સ્થાયીમાં 4 થી 47 ટકા સુધીના ઉંચા ભાવવાળી દરખાસ્તો ધડાધડ પાસ કરી કોર્પોરેશનની તિજોરી ખાલી કરવાની કવાયત
ચૂંટણીને ધ્યાનમાં રાખીને શાસકોએ નાણાંની કોથળી ખુલ્લી મૂકી દીધી હોય તેમ લાગી રહ્યું છે. કોન્ટ્રાક્ટરો અને તેમની સાથે સાંઠગાંઠ ધરાવતા નેતાઓ તથા અધિકારીઓનું વરસ સુધી જશે તેવો માહોલ સર્જાયો છે. શહેરમાં આગામી કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અધિકારીઓ અને પદાધિકારીઓએ વિકાસના કામોના નામે ભાગબટાઈવાળા કોન્ટ્રાક્ટરોને ઘી-કેળા કરાવવાનો કારસો રચ્યો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. આ પ્રકારની દરખાસ્તો સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે. સ્થાયીમાં જે દરખાસ્તો કરાઈ છે તેમાં 4 ટકાથી માંડીને 29 ટકા સુધી વધુ ભાવની દરખાસ્તો કરવામાં આવી છે.કોન્ટ્રાક્ટરોને પણ ખબર છે કે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, તેથી તેમણે વધુ ભાવના ભાવપત્રો સ્થાયીને મોકલી દીધા છે. સ્થાયી સમિતિ પણ કમાવવાનો એક પણ મોકો ચૂકવા માગતી નથી. મોટા ભાગની દરખાસ્તોને મંજૂરી આપી ખિસ્સા ભરવાની તૈયારી કરી રહી છે, જેના કારણે કોર્પોરેશનની તિજોરી ધીરે ધીરે ખાલી થવાની ભીતિ છે.આમ પણ નવા શહેર પ્રમુખ આવ્યા બાદ મોટા ભાગની તમામ દરખાસ્તો મંજૂર થતી આવી છે. સ્થાયી સમિતિના ચેરમેન પણ ઉંચા ભાવની તમામ દરખાસ્તો મંજૂર થાય તેવો રસ ધરાવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરિણામે વ્યવસ્થિત રીતે કોર્પોરેશનની તિજોરી ખાલી કરવાનો કારસો રચાયો હોય તેવી સ્થિતિ છે.
વી.સી. પ્રોજેક્ટ એન્ડ ઇન્ફ્રા લી.ની 7 ટકા વધુની દરખાસ્ત
આગામી 26 તારીખે શુક્રવારે યોજાનારી સ્થાયી સમિતિની બેઠકમાં અકોટા ટીપી-1, ઓફપી-76 ખાતે નવો સ્વીમીંગ પુલ બનાવવા માટે વી.સી. પ્રોજેક્ટ એન્ડ ઇન્ફ્રા લિ.ને 7 ટકા વધુ ભાવે 12,37,30,059 રૂપિયાના ભાવપત્રને મંજૂર કરવાની દરખાસ્ત કરાઈ છે.
વી.સી. પ્રોજેક્ટ એન્ડ ઇન્ફ્રા પ્રા.લી.ને 7 ટકા વધુ ભાવે બીજું પણ કામ
સ્થાયી સમિતિની બેઠકમાં દક્ષિણ ઝોનમાં આવેલ માંજલપુર સ્મશાન સામે ટીપી-19માં નવો સ્વીમીંગ પુલ બનાવવા માટે કોન્ટ્રાક્ટર વી.સી. પ્રોજેક્ટ એન્ડ ઇન્ફ્રા પ્રા.લી.ને 7 ટકા વધુ ભાવે 12,37,30,059 રૂપિયાના ભાવપત્રને મંજૂર કરવાની દરખાસ્ત કરાઈ છે.
યશ કન્સ્ટ્રક્શનને 4.77 ટકા વધુ ભાવે કામ
શહેરના પૂર્વ ઝોનમાં સયાજીપુરા ખાતે શ્રીજી વિલાની સામે આવેલા બગીચામાં નવીન યોગ સેન્ટર બનાવવા માટે યશ કન્સ્ટ્રક્શનને 4.77 ટકા વધુ ભાવે 2,06,07,621 રૂપિયાના ભાવપત્રને મંજૂર કરવાની દરખાસ્ત કરાઈ છે.
એકમે કન્સ્ટ્રક્શનને 20.50 ટકા વધુ ભાવની દરખાસ્ત
સ્થાયી સમિતિમાં વડસર તળાવના નવીનીકરણના કામ માટે ઇજારદાર એકમે કન્સ્ટ્રક્શનને 20.50 ટકા વધુ ભાવે 5,63,96,997 રૂપિયાના બિનશર્તીય ભાવપત્રને મંજૂર કરવાની દરખાસ્ત કરાઈ છે.
ડી.બી. પટેલને 18.75 ટકા વધુ ભાવની દરખાસ્ત
સ્થાયી સમિતિમાં વોર્ડ નંબર 18 માં જીજી માતા મંદિરથી એરડા થઈ એબીબી સુધીનો રોડ વાઇડનીંગ કરી કાર્પેટ સિલકોટ કરવાના કામ માટે ઇજારદાર ડી.બી. પટેલને 18.75 ટકા વધુ ભાવે 6,58,05,632 રૂપિયાના ભાવપત્રને મંજૂર કરવાની દરખાસ્ત કરાઈ છે.
પી.ડી. કન્સ્ટ્રક્શનને 18.75 ટકા વધુ ભાવની દરખાસ્ત
મધુનગર ચાર રસ્તાથી મધુનગર બ્રિજ થઈ છાણી મુખ્ય રસ્તાને જોડતો રસ્તો તથા ફૂટપાથ બનાવવા માટે ઇજારદાર પી.ડી. કન્સ્ટ્રક્શનને 18.75 ટકા વધુ ભાવે 8,82,70,320 રૂપિયાના ભાવપત્રને મંજૂર કરવાની દરખાસ્ત કરાઈ છે
ઇજારદાર શાંતિલાલ બી. પટેલને 18.75 ટકા વધુ ભાવ
વોર્ડ નંબર 18 માં જ્યુપીટર ચોકડીથી બીએસએનએલ ઓફિસથી કટારીયા શોરૂમ પાછળનો રોડ વાઇડનીંગ કરી કાર્પેટ સિલકોટ કરવાના કામ માટે ઇજારદાર શાંતિલાલ બી. પટેલને 18.75 ટકા વધુ ભાવે 9,24,42,206 રૂપિયાના ભાવપત્રને મંજૂર કરવાની દરખાસ્ત કરાઈ છે.
ઇજારદાર માનસી કોર્પોરેશનને 16.70 ટકા ઓછા ભાવે કામ
વોર્ડ નંબર 7માં આનંદનગર બાપા સિતારામ મંદિરથી આનંદનગર ચાર રસ્તા સુધી મેન્યુઅલ પુશીંગ પદ્ધતિથી નવી ડ્રેનેજ ગ્રેવીટી લાઇન નાખવાના કામ માટે ઇજારદાર માનસી કોર્પોરેશનને 16.70 ટકા ઓછા ભાવે 1,20,28,178 રૂપિયાના ભાવપત્રને મંજૂર કરવાની દરખાસ્ત કરાઈ છે. કોન્ટ્રાક્ટરો વધુ ભાવે કામ કરીને પણ યોગ્ય ગુણવત્તા આપતા નથી, ત્યારે ઓછા ભાવે કામ કરીને કેવી ગુણવત્તા જાળવાશે તે પ્રશ્ન ઊભો થયો છે.
પી.ડી. કન્સ્ટ્રક્શનને 18.75 ટકા વધુ ભાવ
શાંતિનેકતન સોસાયટી અને આધ્યાઔરા સોસાયટીથી પ્રિયા સિનેમા સુધી સેવાસી પંપિંગ સ્ટેશનને જોડતો 30 મીટર રોડ બનાવવા માટે ઇજારદાર પી.ડી. કન્સ્ટ્રક્શનને 18.75 ટકા વધુ ભાવ મુજબ 8,70,88,817 રૂપિયાના ભાવપત્રને મંજૂર કરવાની દરખાસ્ત કરાઈ છે.
ઇજારદાર વી.એસ. શાહ એન્ડ કંપનીને પણ 18.75 ટકા વધુ ભાવ
સેવાસી રોડથી મહાપુરા ગામ તરફ જતા નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલ સુધી હયાત ગ્રાઉટીંગ ઉપર ડીબીએમબીસી તથા લિક્વિડ સિલકોટ કરવાના કામ માટે ઇજારદાર વી.એસ. શાહ એન્ડ કંપનીને 18.75 ટકા વધુ ભાવ મુજબ 5,19,71,665 રૂપિયાના ભાવપત્રને મંજૂર કરવાની દરખાસ્ત કરાઈ છે.
ડી.બી. પટેલના અગાઉ 7 કરોડની મર્યાદાના મંજૂર ઇજારામાં 1.75 કરોડનો વધારો
ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇજારાથી ડીબીએમબીસી લિક્વિડ સિલકોટ કરવાના કામ માટે ડી.બી. પટેલના અગાઉ 7 કરોડની મર્યાદાના મંજૂર ઇજારામાં 1.75 કરોડનો વધારો કરવાની દરખાસ્ત કરાઈ છે. આ સાથે વાર્ષિક ઇજારામાં 3 માસનો સમયવધારો કરવાની પણ દરખાસ્ત કરાઈ છે.
કરોડની મર્યાદામાં આરસીસી રોડ બનાવવા ઇજારદાર કૌશલ દેવીદાસ હરપલાણી
દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 8 કરોડની મર્યાદામાં આરસીસી રોડ બનાવવા માટે ઇજારદાર કૌશલ દેવીદાસ હરપલાણીને કામગીરી સોંપવાની દરખાસ્ત કરાઈ છે.
ઇજારદાર શાંતિલાલ બી. પટેલને 29 ટકા વધુ ભાવપત્રમાં વધારાનો ખર્ચ
રિલાયન્સ સર્કલથી તુલસીધામ સર્કલ થઈ જ્યુપીટર ચાર રસ્તા સુધી ગૌરવ પથ બનાવવા માટે ઇજારદાર શાંતિલાલ બી. પટેલને 29 ટકા વધુ ભાવપત્રમાં કામગીરીમાં ફેરફાર થવાના કારણે થયેલા વધારાના 52,58,990 રૂપિયાનો ખર્ચ ચૂકવવાની દરખાસ્ત કરાઈ છે.
શિવાલય ઇન્ફ્રા પ્રો. પ્રા.લી.ને 18.75 ટકા વધુ ભાવ
તરસાલી જંકશનથી નેશનલ હાઇવે સુધી ફૂટપાથ સાથેનો રસ્તો બનાવવા માટે ઇજારદાર શિવાલય ઇન્ફ્રા પ્રો. પ્રા.લી.ને 18.75 ટકા વધુ ભાવે 9,54,92,187 રૂપિયાના ભાવપત્રને મંજૂર કરવાની દરખાસ્ત કરાઈ છે.આ ઉપરાંત વોર્ડ નંબર 18માં વડસર બ્રિજ નીચેથી જીઆઇડીસીમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરથી એબીબી કંપની તરફ જતા રોડનું વાઇડનીંગ કરી કાર્પેટ સિલકોટ કરવાના કામ માટે પણ શિવાલય ઇન્ફ્રા પ્રો. પ્રા.લી.ને 18.75 ટકા વધુ ભાવે 10,55,31,997 રૂપિયાના ભાવપત્રને મંજૂર કરવાની દરખાસ્ત કરાઈ છે.
ઇજારદાર માનસી કોર્પોરેશનને 16.70 ટકા ઓછા ભાવે કામ
વોર્ડ નંબર 7માં આનંદનગર બાપા સિતારામ મંદિરથી આનંદનગર ચાર રસ્તા સુધી મેન્યુઅલ પુશિંગ પદ્ધતિથી નવી ડ્રેનેજ ગ્રેવીટી લાઇન નાખવાના કામ માટે ઇજારદાર માનસી કોર્પોરેશનને 16.70 ટકા ઓછા ભાવે 1,20,28,178 રૂપિયાના ભાવપત્રને મંજૂર કરવાની દરખાસ્ત કરાઈ છે. કોન્ટ્રાક્ટરો વધુ ભાવે કામ કરીને પણ યોગ્ય ગુણવત્તા આપતા નથી, ત્યારે ઓછા ભાવે કામ કરીને કેવી ગુણવત્તા જાળવાશે તે પ્રશ્ન ઉઠી રહ્યો છે.
વિવાદાસ્પદ રાજકમલ બિલ્ડર્સ ઓછા ભાવે કેવું કામ કરશે?
ગોત્રી પાણીની ટાંકીથી પ્રિયા સિનેમા તરફના રસ્તે નવી ડ્રેનેજ ગ્રેવીટી લાઇન નાખવાના કામ માટે રાજકમલ બિલ્ડર્સ ઇન્ફ્રા પ્રા.લી.ને 14.05 ટકા ઓછા ભાવે 17,78,29,288 રૂપિયાના ભાવપત્રને મંજૂર કરવાની દરખાસ્ત કરાઈ છે. રાજકમલ બિલ્ડર્સ અગાઉથી વિવાદાસ્પદ છે અને વધુ ભાવે પણ ગુણવત્તાવિહિન કામ કર્યાના આક્ષેપો છે, ત્યારે 14.05 ટકા ઓછા ભાવે કેવું કામ થશે તે મોટો સવાલ બની રહ્યો છે.
એચ.પી. ઝાલા 5.15 ટકા ઓછા ભાવે કામ પુરૂ કરશે ખરા?
વોર્ડ નંબર 10માં નિલામ્બર ચાર રસ્તા, વાસણાથી શ્રી હરી રેસીડેન્સી તરફ જતા રસ્તા સુધી નવી પાણીની નળિકાનું નેટવર્ક નાખવાના કામ માટે ઇજારદાર એચ.પી. ઝાલાને 5.15 ટકા ઓછા ભાવે 1,48,52,725 રૂપિયાના ભાવપત્રને મંજૂર કરવાની દરખાસ્ત કરાઈ છે.
એ.કે. મેક ઇન્ફ્રાને 19.90 ટકા ઓછા ભાવે કામ
વોર્ડ નંબર 12માં કલાલી વિસ્તારમાં નવી પાણીની નળિકાનું નેટવર્ક નાખવાના કામ માટે ઇજારદાર એ.કે. મેક ઇન્ફ્રાને 19.90 ટકા ઓછા ભાવે 2,82,47,457 રૂપિયાના ભાવપત્રને મંજૂર કરવાની દરખાસ્ત કરાઈ છે.
ક્લાસિક નેટવર્ક પ્રા.લી.ને 0.67 ટકા વધુ ભાવે દરખાસ્ત
પોઇચા ફીડર લાઇનથી એરપોર્ટ સર્કલ સુધી તેમજ સૂચિત રાયકા ખાતેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી એમ.એસ. ટ્રાન્સમિશન નળીકા નાખવાના કામ માટે, દેણા ચોકડીથી એરપોર્ટ સર્કલ સુધી એક તરફનો કેરેજવે તોડી પાઇપલાઇન નાખવાના કામે ઇજારદાર ક્લાસિક નેટવર્ક પ્રા.લી.ને 0.67 ટકા વધુ ભાવે 107,29,96,323 રૂપિયાના ભાવપત્રને મંજૂર કરવાની દરખાસ્ત કરાઈ છે.
Reporter: admin







