News Portal...

Breaking News :

એક રાષ્ટ્ર, એક ચૂંટણીના અમલ માટે કેન્દ્ર સરકાર ત્રણ બિલ લાવશે

2024-09-30 10:23:43
એક રાષ્ટ્ર, એક ચૂંટણીના અમલ માટે કેન્દ્ર સરકાર ત્રણ બિલ લાવશે


નવી દિલ્હી : સમગ્ર દેશમાં 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'ના અમલ માટે કેન્દ્ર સરકાર ત્રણ બિલ લાવશે, જેમાંથી બે બિલ બંધારણમાં સુધારા માટેના હશે.


બંધારણમાં સુધારાના બે સૂચિત બિલોમાંથી એક માટે કેન્દ્ર સરકારને ૫૦ ટકા રાજ્યોની મંજૂરીની જરૂર પડશે. આ બિલ લોકસભા અને વિધાનસભા સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના સંદર્ભનું છે.'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' યોજનામાં આગળ વધતા કેન્દ્ર સરકારે આ મહિનાની શરૂઆતમાં લોકસભા, વિધાનસભાઓ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એક સાથે કરાવવા માટે બનાવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોનો અહેવાલ સ્વીકારી લીધો હતો. સમગ્ર દેશમાં વસતી ગણતરીની કાર્યવાહી પૂરી થયા પછી સરકાર તેની યોજનામાં આગળ વધશે.સૂચિત પહેલા બંધારણીય સુધારા બિલમાં લોકસભા અને રાજ્યની વિધાનસભા ચૂંટણીઓ એક સાથે કરાવવા માટે જોગવાઈઓ કરવામાં આવશે. 


પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષપદે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોને ટાંકીને સૂત્રોએ જણાવ્યું હતું કે, સૂચિત બિલમાં 'નિશ્ચિત તારીખ' સંબંધિત પેટા કલમ (૧)ના ઉમેરા મારફત આર્ટિકલ ૮૨-એમાં સુધારો કરાશે. સરકાર લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ એક સાથે કરાવવા માટે આર્ટિકલ ૮૨-એમાં પેટા-નિયમ (૨) ઉમેરવાનો પણ પ્રયાસ કરશે.આ સાથે કેન્દ્ર સરકાર આર્ટિકલ ૮૩(૨)માં સુધારાની દરખાસ્ત કરશે અને તેમાં પેટા કલમ (૩) અને (૪) સંબંધિત કલમનો ઉમેરો કરાવશે, જે લોકસભાના સમયગાળા અને વિસર્જન સંબંધિત છે. તેમાં વિધાનસભાઓના વિસર્જન અંગે પણ જોગવાઈ છે અને આર્ટિકલ ૩૨૭માં સુધારો કરીને 'એકસાથે ચૂંટણી' ટર્મ ઉમેરવામાં આવશે. આ બિલમાં સુધારાને ૫૦ ટકા રાજ્યોની મંજૂરીની જરૂર પડતી નથી તેમ ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોમાં જણાવાયું છે. બંધારણીય સુધારાના બીજા સુચિત બિલને ૫૦ ટકા રાજ્ય વિધાનસભાની મંજૂરીની જરૂર પડશે.

Reporter: admin

Related Post