મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલની કેન્ટીનમાં વડોદરા કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન સડેલા બટાટા, ખરાબ ટામેલા, ઉતરી ગયેલુ ભજીયાનું ખીરું અને અનહાઈજેનિક કંડિશનમાં ખોરાક મુકાયો હોવાનુ બહાર આવતા જ અધિકારીઓ વિફર્યા હતા અને તેમણે તાત્કાલિક ધોરણે કેન્ટીનને બંધ કરાવી દેતા ખળભળાટ મચી ગયો હતો. જ્યાં પેશન્ટો સારવાર કરાવવા આવતા હોય તેવી સયાજી હોસ્પિટલના સંકુલમાં જ લોકો બિમાર પડે તેવુ ભોજન અને નાસ્તો પીરસતી કેન્ટીન ઉપર દરોડો પાડવાનુ સૂચન ભાજપના મહિલા કાઉન્સીલર જાગૃતિબેન કાકાએ કર્યું હતુ. અને ફુડ એન્ડ ડ્રગ વિભાગના ચેકિંગ દરમિયાન તેઓ પણ કેન્ટીનમાં ઉપસ્થિત રહ્યા હતા.
*ભજીયા બનાવતી કેન્ટીનને બંધ કરાઈ સડી ગયેલા ટામેટા અને ખુલ્લી રોટલીઓ જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં*
સયાજી હોસ્પિટલના પાછળના ભાગે નવી ઈમારતનું બાંધકામ ચાલતુ હોવાથી ત્યાંની કેન્ટીન ખસેડીને થોડા દિવસ પહેલા આગળના ભાગે લાવવામાં આવી હતી. એસએસજીની કેન્ટીનમાં ભોજનની ગુણવત્તા બરાબર નહીં હોવાની બૂમો ઉઠી હતી. જેની જાણ ભાજપના મહિલા કાઉન્સીલર જાગૃતિબેન કાકાને મળી હતી. જેને આધારે જાગૃતિબેને કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરી હતી. આખરે, ફુડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે કેન્ટીનમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. જેમાં સડેલા બટાટા અને ઉતરેલા ટામેટાનો જથ્થો મળી આવ્યો હતો. કેન્ટીનમાં રોટલીઓ પણ ખુલ્લી પડી હતી.
કર્મચારીઓએ રોટલીને ઢાંકવાની પણ તસ્દી લીધી ન હતી. ઉપરાંત, કેન્ટીનમાં ભજીયાનું ખીરું પણ ઉતરી ગયેલુ હતુ. શાકભાજી પણ સડેલા હતા અને કેન્ટીનની કન્ડીશન ખુબ ખરાબ હતી. જેથી ફુડ એન્ડ ડ્રગ વિભાગે એને તાત્કાલિક ધોરણે બંધ કરાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, કેન્ટીનનો કોન્ટ્રાક્ટ ચારભુજા કેટરર્સના નામે હતો. ફુડ એન્ડ ડ્રગ વિભાગે નોંધ્યુ હતુ કે, સયાજી હોસ્પિટલની આ કેન્ટીનનું અનહાઈજેનિક ફુડ આરોગીને લોકો બિમાર પડે તેવી આશંકા હતી. જેથી તેને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો હતો.
Reporter: News Plus